[raw]
ગઢડા પ્રથમ : ૮
સંવત 1876ના માગશર સુદિ 11 એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
તે સમાને વિષે શ્રીજી એમ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 8 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં ઇંદ્રિયોની ક્રિયાને અમારી તથા અમારા ભક્તની સેવામાં રાખવાથી અંત:કરણ શુદ્ધ થાય છે. (1) અને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે તો ભ્રષ્ટ થઈને કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. (2) અને શાસ્ત્રના નિયમ પ્રમાણે વર્તીને એકાંતિક સાધુનો સંગ કરવાથી અમારી મૂર્તિ વિના માયિક વૈભવમાં તથા મૂળઅક્ષરાદિકના ઐશ્વર્યમાં તથા અમારા તેજરૂપ અક્ષરધામમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી. (3) બીજામાં પદાર્થ વડે કરીને તથા માને કરીને મોટપ માને નહિ; એક અમારી સદા સાકાર મૂર્તિની ઉપાસના વડે કરીને તથા પોતાના આત્માને અમારા તેજરૂપ માનવે કરીને જ મોટપ માને, ને તે મોટપ કોઈની મુકાવી મૂકે નહિ, ને અમારી મૂર્તિને સદાય દેખે, ને અક્ષરાદિકના ઐશ્વર્યમાં બંધાય નહિ, ને માયિક સુખ કોઈને આપવું તે રુચે નહિ; કેવળ જીવોને અમારા ધામમાં લઈ જવા એ જ રુચે, એ અમારા મુક્તનું અંગ છે, એવું અંગ સર્વેને કરવું એમ કહ્યું છે. (4) બાબતો છે.
પ્ર.૧ (2/4 બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે અમારે નરનારાયણની ઉપાસના છે, અને નરનારાયણના પ્રતાપે કરીને હું આત્મા છું એવું વર્તે છે એમ કહ્યું, તથા (પ્ર. 18/4માં) પણ અમારા હૃદયમાં નરનારાયણ પ્રગટ વિરાજે છે. અને અમે અનાદિમુક્ત છીએ એમ કહ્યું છે તથા (પ્ર. 48/3માં) પોતાને સત્પુરુષ કહ્યા છે અને નરનારાયણને ભગવાન કહ્યા છે અને પરથારામાં (નવમી બાબતમાં) સર્વે અવતારો રૂપે પોતે દર્શન આપીને પોતાનું સર્વોપરીપણું જણાવ્યું છે તથા (જે. 4ના 1/3– 4 પહેલા પ્રશ્નમાં તથા 5/1માં) અમે પ્રગટ નરનારાયણ છીએ એમ કહ્યું છે તથા (અ. 7/1માં) હું જ પુરૂષોત્તમ છું અને સર્વે મારું કર્યું જ થાય છે એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવ્યો તે કેવી રીતે સમજવું?
ઉ.૧ આમાં તથા (પ્ર. 18/4માં) તથા (પ્ર. 48/3માં) શ્રીજીમહારાજ મુક્ત ભાવમાં રહીને બોલ્યા છે, અને પરથારામાં પોતાનું સર્વોપરી ઐશ્વર્ય જણાવ્યું છે, અને (જે. 4 તથા 5માં) તથા (અ. 7માં) પોતે ભગવાનપણે બોલ્યા છે. માટે જ્યાં અમે ભગવાન છીએ એમ કહ્યું હોય ત્યાં પોતે ભગવાનપણે બોલ્યા છે એમ જાણવું; અને જ્યારે અમે ભગવાન છીએ એમ ન કહ્યું હોય ત્યારે મુક્તભાવે બોલ્યા છે એમ જાણવું.
પ્ર.૨ બ્રહ્માદિક દેવ મોટપ મુકાવે તો ય મુકાય નહિ એમ કહ્યું તે દેવ કિયા જાણવા?
ઉ.૨ શ્રીજીમહારાજે પોતાને મિષે પોતાના મુક્તની સ્થિતિ કહી છે ને આદિ સૃષ્ટિકર્તા મૂળઅક્ષર છે તેને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે અને આદિ શબ્દે કરીને બ્રહ્મકોટીને કહ્યા છે તે બ્રહ્મકોટી તથા ઈશ્વરકોટીના ઐશ્વર્યમાં સારપ્ય ન મનાય ને તેમાં લોભાય નહિ, તે અક્ષરાદિકની મુકાવી મોટપ ન મૂકી કહેવાય એમ કહ્યું છે તે એવો પોતાના મુક્તનો મહિમા કહ્યો છે, પણ અક્ષરાદિક કોઈ મોટપ મુકાવા ઇચ્છે જ નહિ, કેમ જે શ્રીજીમહારાજના મુક્ત તો મૂળઅક્ષરાદિક થકી પર છે માટે એમની મોટપ મુકાવાને કોઈ સમર્થ હોય જ નહિ.
પ્ર.3 આ ઠેકાણે ભગવાનને અલૌકિક ઇંદ્રિયો છે; એમ કહ્યું ને (પ્ર. 71ના ત્રીજા પ્રશ્નમાં) તો જ્યારે પૃથ્વીને વિષે ભગવાન પ્રગટ થાય છે, ત્યારે તત્વને અંગીકાર કરે છે, તે તત્વ બ્રહ્મરૂપ છે એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવ્યો અને વળી (મ. 17ના બીજા પ્રશ્નમાં) ભગવાનની મૂર્તિમાં ત્યાગ-ભાગ છે જ નહિ એમ કહ્યું છે તથા (પં. 7/1–2માં) તથા (છે. 31માં) ધામમાં રહી જે મૂર્તિ ને મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ છે; તેમાં એક રોમનો પણ ફેર નથી એમ કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૩ ભગવાનને વિશે દેહ-દેહી ભાવ નથી; ભગવાન તો દિવ્ય કૈવલ્યમૂર્તિ જ છે તેમાં ત્યાગ ભાગ નથી; એક જ વસ્તુ છે. જેમ સાકરના રસની મૂર્તિ કરી હોય તેને નાસિકા, હાથ, પગ, મુખારવિંદ કર્યાં હોય તે સાકરનાં જ છે પણ બીજી વસ્તુ નથી; તેમ ભગવાન દિવ્ય મૂર્તિ છે તેમાં બીજી વસ્તુ નથી પણ હસ્ત, ચરણ, મુખારવિંદાદિક અવયવોને લઈને ઇંદ્રિયો કહી છે પણ પોતે તો સદાય સાકાર મૂર્તિ જ છે તેની વિશેષ દૃઢતા કરાવવાને અર્થે કહ્યું છે; અને (71માં) તત્વનો અંગીકાર કરે છે એમ કહ્યું છે તે જ્યારે પૃથ્વી ઉપર દર્શન આપે છે ત્યારે સંકલ્પ કરે છે જે, અમને જ્ઞાની-અજ્ઞાની સર્વે મનુષ્ય જેવા દેખો; એમ સંકલ્પ કરે છે ત્યારે મનુષ્ય જેવા દેખાય છે, માટે અંગીકાર કરે છે એટલે સંકલ્પ કરે છે એમ સમજવું, અને (પ્ર. 37/5માં) મુક્તને ચૈતન્યમૂર્તિ કહ્યા છે તે મુક્ત પણ ચૈતન્યમૂર્તિ છે. અને મૂળઅક્ષરકોટી તથા બ્રહ્મકોટી તથા મૂળપુરુષ ઈશ્વરકોટી તે પણ ચૈતન્યમૂર્તિઓ છે; તો શ્રીજીમહારાજ ચૈતન્યમૂર્તિ હોય તેમાં શું કહેવું? એ તો હોય જ.
પ્ર.૪ સ્થાવર-જંગમ સૃષ્ટિ કહી તે કઈ જાણવી?
ઉ.૪ પર્વત-વૃક્ષાદિક ન ચાલે તેને આ ઠેકાણે સ્થાવર સૃષ્ટિ કહી છે; અને મનુષ્ય, પશુ, પક્ષી આદિક જે હાલે ચાલે તેને જંગમ સૃષ્ટિ કહી છે.
પ્ર.૫ જ્યારે મહાપ્રલય થાય છે, ત્યારે એક ભગવાન રહે છે, તે ભગવાનની વેદ સ્તુતિ કરે છે. એમ આમાં કહ્યું છે અને (મ. 64ના 2/3 બીજા પ્રશ્નમાં) સર્વે બ્રહ્માંડ વસે જ છે; પણ એક સામટો પ્રલય થતો નથી એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૫ મૂળપુરુષ ઘણા છે તે (મ. 31ના 2/5 બીજા પ્રશ્નમાં) કહ્યા છે તેમાંના એક મૂળપુરુષના કાર્યનો પ્રલય થાય છે તેને મહાપ્રલય કહે છે, ને સૃષ્ટિ સમે મૂળપુરુષ દ્વારે વેદ પુરૂષોત્તમની સ્તુતિ કરે છે.
પ્ર.૬ શ્રીજીમહારાજની ઉપાસના વડે કરીને હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, બ્રહ્મ છું, એ મોટપ ટાળી ટળે નહિ અને શ્રીજીમહારાજની મૂર્તિને સદાય પ્રત્યક્ષ દેખે અને એને મોહ પમાડવા કોઈ સમર્થ થાય નહિ; અને કોઈને માયિક પદાર્થ આપવું તે ગમે નહિ; કેવળ જીવોનો આત્યંતિક મોક્ષ કરવો એ જ ગમે તે મુક્તને કેવી સ્થિતિવાળા જાણવા?
ઉ.૬ (વ. 3ના ત્રીજા પ્રશ્નમાં) કહ્યા એવા સિદ્ધદશાવાળા પરમ એકાંતિકની સ્થિતિ કહી છે.
પ્ર.૭ નરનારાયણ, પુરૂષોત્તમ અને સ્વામિનારાયણ નામનો શો અર્થ હશે?
ઉ.૭ નરના જેવો છે આકાર જેમનો માટે નરાકાર અને નાર જે મુક્તોનો સમૂહ તે જ છે નિવાસસ્થાન જેમનું તે નારાયણ કહેવાય. માટે નરાકાર સતા નારાયણ તે નરનારાયણ કહેવાય. માટે નરનારાયણ એવું શ્રીજીમહારાજનું નામ છે અને પુરુષ જે મુક્તો તેમને મધ્યે ઉત્તમ માટે પુરૂષોત્તમ એવું શ્રીજીમહારાજનું નામ છે અને સ્વામી એટલે નિયંતાવાચક છે; તે જે સ્વતંત્ર ઐશ્વર્યવાન હોય તેને સ્વામી કહેવાય તે મૂળઅક્ષરાદિક સર્વે અવતારો તથા મુક્તો તેમના સ્વામી છે માટે સ્વામિનારાયણ એવું શ્રીજીમહારાજનું મુખ્ય નામ છે તે (પ્ર. 14ના 2/3 બીજા પ્રશ્નમાં) પોતાને સર્વના સ્વામી કહ્યા છે. (21/8માં) અમે સર્વના સ્વામી છીએ. (63ના ત્રીજા પ્રશ્નમાં) વૈરાજના તથા (ચોથી બાબતમાં) મુક્તોના સ્વામી કહ્યા છે. (સા. 1ના બીજા પ્રશ્નમાં) અનંતકોટી બ્રહ્માંડના પતિના અમે સ્વામી છીએ. (કા. 10ના 1/5 પહેલા પ્રશ્નમાં) અમે મૂળપુરુષ ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી તે સર્વેના સ્વામી છીએ. (2/9 બીજા પ્રશ્નમાં) અમારી સ્વામી-સેવકભાવે ભક્તિ કરવી. (લો. 1ના આઠમા પ્રશ્નમાં) અમારી સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. (મ. 3/1માં) અમે સર્વેના સ્વામી છીએ અને (બીજી બાબતમાં) અમારી સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. (18માં) અમે સર્વેના સ્વામી છીએ. (31ના 2/5 બીજા પ્રશ્નમાં) અમે સર્વેના સ્વામી છીએ. (67માં) અમારા મુક્ત અમારા સરખા થાય, તો પણ અમારે વિષે સ્વામી-સેવકપણું રહે છે. (અ. 4/1માં) અમે સર્વેના સ્વામી છીએ. (5ના બીજા પ્રશ્નમાં) અમે સર્વેના સ્વામી છીએ. (6ના 2/3 બીજા પ્રશ્નમાં) અક્ષરાદિક સર્વેના સ્વામી છીએ. (8/1માં) અમારા ભક્ત ઉપર ક્રોધ ઊપજે ત્યારે અમે તમારા સ્વામી છીએ, માટે તેને અમારા ભક્ત જાણીને તેને નમસ્કાર કરવો. (છે. 37માં) અમે સર્વે મુક્તના સ્વામી છીએ. (39/5માં) અમે સર્વના સ્વામી છીએ અને અમે એક જ ભગવાન છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે; માટે સ્વામી શબ્દ શ્રીજીમહારાજનું વિશેષણ છે, માટે સ્વામિનારાયણ નામમાં મૂળઅક્ષરાદિક કોઈ અવતારોને ભેળા ગણવા નહિ અને મુક્તોને પણ ગણવા નહિ.
પ્ર.૮ મૂર્તિમાન મૂળઅક્ષરને તમે શ્રીજીમહારાજના અવતાર કહો છો તે કિયા વચનામૃતમાં છે?
ઉ.૮ (પ્ર. 7/1માં તથા 33ના પહેલા પ્રશ્નમાં) ઉત્પત્તિકાળે અમે અક્ષરરૂપે વર્તીએ છીએ, તથા (41માં) અમે સૃષ્ટિ સમયને વિષે અક્ષરમાં પ્રવેશ કરીએ છીએ, તથા (63ના ત્રીજા પ્રશ્નમાં) અમે અક્ષરમાં પ્રવેશ કરીએ છીએ એમ કહ્યું છે માટે અક્ષર શ્રીજીમહારાજના અવતાર છે. ત્યાં હરિવાક્યસુધાસિંધુના (41 તરંગમાં) કહ્યું છે:–
श्रीकृष्णो भगवानस्ति सर्वकारण-कारणं ।
प्रकाशकानां सर्वेषां सचैवास्ति प्रकाशक: || १० ||
सर्गादावक्षरं ब्रह्म वीक्षते स सिसृक्षया ।
अबुध्येतां तदा तत्र लीनौ प्रकृतिपुरुषौ || ११ ||
ततोऽक्षरात्मना माया-पुरुषाभ्यां बभूवतु: ।
तेने क्षिताभ्यां प्रगटौ प्रधानपुरुषौ मुने || १२ ||
અર્થ:– સર્વ કારણના કારણ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છે અને સર્વને પ્રકાશના કરનારા અક્ષરાદિક તેને પણ પ્રકાશને કરનારા છે. (10) તે ભગવાન ઉત્પત્તિ સમયને વિષે સૃજવાની ઇચ્છાથી અક્ષરબ્રહ્મના સન્મુખ જુએ છે તે સમયને વિષે તે અક્ષરને વિષે લીન રહેલા એવા પ્રકૃતિપુરુષ તે જાગ્રત થાય છે. (11) તે વાર પછી અક્ષર દ્વારાએ કરીને તે ભગવાન તેમણે જોયા એવા જે મૂળપ્રકૃતિ ને પુરુષ તે દ્વારાએ પ્રધાન ને પુરુષ પ્રગટ થતા હવા. (12) તથા તરંગ (51માં):–
तद्द्रष्टया नेक्ष्यते माया पुमानेवैक ईक्ष्यते ।
अविर्भूतोऽस्ति सोप्यादाऽवक्षरस्यैकदेशत: || १७ ||
अंतर्बहिश्च तं व्याप्यस्थितं तत् कृष्णधाम च।
कृष्णस्यैवांग-तेजश्च सच्चिदानंद लक्षणम् || १८ ||
अनेक कोटी ब्रह्मांडा-धारोऽनंत-मनादि च।
तदीय द्रष्ट्या त्वऽस्त्येकं ब्रह्मैव न तु पुरुष: || १९ ||
तत्र स्थितोऽस्ति-भगवान् सर्वकारण-कारणम्।
अनेक कोटी ब्रह्मांडोत्पत्ति-स्थिति-लयक्रिय: || २० ||
सर्वात्मात्मा स्वतंत्रश्च सर्वशक्तिपति: प्रभु:।
परात्परतर: शुद्ध: ईश्वराणामपीश्वर: || २१ ||
सर्वत्र कारणत्वेनाऽन्वितोऽस्ति निजतेजसा।
व्यतिरिक्तश्च धाम्नि स्वे राजतेऽनेकशक्तिभि: || २२ ||
અર્થ:– તે મૂળપુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો માયા નથી દેખાતી; એક પુરુષ જ દેખાય છે. તે પુરુષ પણ પ્રથમ સૃષ્ટિકાળમાં અક્ષરના એક દેશમાંથી ઉત્પન્ન થયેલ છે. (17) તે પુરુષમાં અક્ષર અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહેલ છે અને બહાર તે પુરુષના આધારભૂત થઈને રહેલ છે અને તે અક્ષર કૃષ્ણ (ભક્તના આધાર અને દુ:ખ હરનાર શ્રી સ્વામિનારાયણ)નું ધામ છે, અને સત્, ચિત્ ને આનંદ છે લક્ષણ જેનું એવું જે ધામ તે કૃષ્ણ (આ પ્રગટ શ્રીકૃષ્ણ)ના અંગનું તેજ છે. (18) તે તેજરૂપ અક્ષરધામ અનંતકોટી બ્રહ્માંડનું આધાર ને અનંત એટલે બીજા સર્વ ધામથી મોટું ને અનાદિ છે, તે તેજરૂપ અક્ષરની દૃષ્ટિએ જોઈએ તો એ એક જ બ્રહ્મ છે, પણ બીજા કોઈ પુરુષ તથા મૂળઅક્ષરાદિક છે જ નહિ. (19)ને સર્વ કારણનું કારણ એવું જે બ્રહ્મ તેને વિષે અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, લયરૂપી છે ક્રિયા જેની એવા જે ભગવાન તે રહેલા છે. (20) અને અક્ષરાદિક સર્વેના આત્મા અને સ્વતંત્ર ને સર્વે શક્તિના પતિ ને પ્રભુ અને સર્વ અક્ષરાદિક થકી પર એવું જે તેજરૂપ બ્રહ્મ તે થકી પર ને શુદ્ધ અને ઈશ્વર જે અક્ષરાદિક તેના પણ નિયામક છે. (21) અને મૂળપુરુષ તથા વાસુદેવબ્રહ્મ અને અક્ષર એ સર્વેને વિષે તેજરૂપ બ્રહ્મ તેણે કરીને અન્વયપણે રહ્યા છે; અને વ્યતિરેકપણે પોતાના તેજરૂપ ધામને વિષે અનેક શક્તિઓ તેમણે યુક્ત રહેલા છે. (22) આવી રીતે મૂળઅક્ષરાદિક સર્વેને વિષે તેજદ્વારાએ કરીને શ્રીજીમહારાજ વ્યાપીને રહેલા છે. માટે મૂળઅક્ષરાદિક સર્વે મહારાજના અવતાર છે એમ જાણવું.
પ્ર.૯ બોલતાં બોલતાં વધુ બોલાઈ જવાય એમ કહ્યું તે બોલવાનું શું બાકી હશે?
ઉ.૯ શ્રીજીમહારાજ પોતે ભગવાન છે, તે અમે ભગવાન છીએ એમ નથી કહ્યું તે બાકી છે. અને શ્રીજીમહારાજે બોલવાનું બાકી છે એમ સૂચવ્યું તો પણ બોલવાનું શું બાકી હશે એમ કેટલાક ન સમજ્યા તેથી શ્રીજીમહારાજ હસતા હવા.
પ્ર.૧૦ અમારા અંગમાં તમારો ભાગ છે એમ કહ્યું તે અંગ કિયા જાણવાં?
ઉ.૧૦ ઉપર કહ્યો જે શ્રીજીમહારાજનો નિશ્ચય તથા પંચ વર્તમાનની દૃઢતા તથા પોતાને બ્રહ્મરૂપ માનીને શ્રીજીમહારાજની સાકારપણે ઉપાસના કરવી તથા શ્રીજીમહારાજના મનુષ્ય સ્વરૂપને દિવ્ય સમજવું ઇત્યાદિક અંગ કહ્યાં છે તે અંગ તમારે પણ દૃઢ કરવાં એમ ભાગ કહ્યોછે.
|| ——-x——- ||
[/raw]