સંવત 1882ના ચૈત્ર સુદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની દક્ષિણાદિ કોરે જગ્યાની માંહી ચોકને વિષે ઉત્તરાદે મુખારવિંદે પાટ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને મસ્તક ઉપર ઝીણપોતી શ્વેત પાઘ ધરી રહ્યા હતા, ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી, ને શ્વેત ધોતિયું પહેર્યું હતું, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને રાત દોઢ પહોર વીતી હતી.
પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 5 || (234)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, સર્વ સાધન કરવાથી અમને ભજવા એ મોટી વાત છે. ને અમારું જ કર્યું સર્વે થાય છે ને અમારે પ્રતાપે કરીને આ સભાનું કર્યું પણ થાય છે અને અમને ભજ્યામાં કસર રહે તેટલી બરકત થતી નથી અને અમે તો અમારા સત્સંગીને સર્વ પીડાથી રહિત કરીએ છીએ અને આંહીં બેઠા થકા સર્વેને જાણીએ છીએ અને અમે ભગવાન છીએ અને મહાપાપી જીવ અમારે આશરે આવીને ધર્મ-નિયમમાં રહે તેને અમારું અક્ષરધામ પમાડીએ છીએ. અને અમે પાખંડી મતનું ખંડન કરવા, ને અધર્મના વંશનો નાશ કરવા ને ધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્માદિક અંગે સહિત ભક્તિને પૃથ્વીને વિષે વિસ્તારવા, ધર્મભક્તિથકી પ્રગટ થઈને આ સભાને વિષે વિરાજીએ છીએ અને અમને મેલીને બીજા દેવને ભજે તે જારને ભજે તેમ છે. અને અમે આ અમારા સંત સહિત જીવોના કલ્યાણ કરવાને અર્થે પ્રગટ થયા છીએ તે અમારા વચનમાં રહેશો તો અમારા ધામમાં તેડી જાશું અને તમે પણ તમારું કલ્યાણ થયું છે એમ જાણજો. અને અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને અમે કહીએ તેમ કરશો તો ઊગર્યાનો આરો નહિ હોય એવા કષ્ટમાં પણ રક્ષા કરશું, ને સત્સંગ નહિ રાખો ને નિયમ નહિ પાળો તો અમારે તમારે લેવા-દેવા નથી. (1) અને આ જેતલપુર ગામ તથા સરોવર તથા સીમ જેવું રમણ સ્થળ કર્યું છે તેવું કોઈ કર્યું નથી. (2) અને આ દેવો નિત્યે અમારાં ને આ સભાનાં દર્શન કરવા આવે છે, એવી રીતે સભાની પ્રશંસા કરી છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં અમે કરીએ તે થાય છે અને (પ્ર. 8માં 2/4 બીજા પ્રશ્નમાં) અમને દીકરો આપતાં કે મૂઆને જીવતો કરતાં નથી આવડતું એમ કહ્યું છે તે કઈ રીતે સમજવું?
ઉ.૧ કોઈને દીકરો આપવો કે મૂઆને જીવતો કરવો એ અમને ને અમારા મુક્તને પ્રિય નથી એમ કહ્યું છે, પણ એ કામ ન કરી શકીએ એમ નથી કહ્યું.
પ્ર.૨ અક્ષરધામના પતિ શ્રી પુરૂષોત્તમ તે પ્રથમ ધર્મદેવ થકી ભક્તિને વિષે શ્રી નરનારાયણ ઋષિરૂપે પ્રગટ થઈને બદરિકાશ્રમને વિષે તપ કરતા હવા તે જ નરનારાયણ ધર્મદેવથકી ભક્તિને વિષે પ્રગટ થઈને આ સભાને વિષે બિરાજે છે એમ શ્રીજીમહારાજે કહ્યું અને (છે. 2માં) શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ, બદરિકાશ્રમની સભાથી આ સત્સંગીની સભા અધિક છે એમ સમ ખાઈને પોતે કહ્યું છે, માટે એમ જોતાં તો બદરિકાશ્રમને વિષે નરનારાયણ રહ્યા છે તેથી શ્રીજીમહારાજ અતિશે મોટા થયા અને જો બદરિકાશ્રમમાં નરનારાયણ છે તે જ શ્રીજીમહારાજ હોય તો તો આ સભા ને બદરિકાશ્રમની સભા તે સરખી હોવી જોઈએ માટે તે કેવી રીતે સમજવું?
ઉ.૨ બદરિકાશ્રમને વિષે નરનારાયણ રહ્યા છે તે નરનારાયણને વિષે શ્રીજીમહારાજ અંતર્યામી રૂપે રહ્યા છે માટે નરનારાયણ રૂપે રહ્યા છે એમ કહેવાય, માટે અક્ષરધામના પતિ જે શ્રીજીમહારાજ તે નરનારાયણરૂપે એટલે નરનારાયણ દ્વારે બદરિકાશ્રમમાં રહ્યા છે પણ જેમ અક્ષરધામમાં પોતે સ્વયં વિરાજમાન છે તેમ નથી રહ્યા, માટે નરનારાયણથી જુદા છે ને પર છે ને કારણ છે. અને નરનારાયણ ઋષિ ધર્મભક્તિથકી પ્રગટ થઈને આ સભામાં વિરાજે છે એમ કહ્યું તે તો નરનારાયણના શાપ નિમિત્તે પોતે પધાર્યા તેથી કહ્યું છે. અને અમે અમારું રૂપ જાણીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે મતવાદીઓને પોતે સંકલ્પે કરીને એ રૂપે દેખાયા હતા તે રૂપ પધરાવ્યાં છે એમ જાણવું અને નરનારાયણને ભજવાનું કહ્યું છે તે પણ પોતાને જ ભજવાનું કહ્યું છે.
પ્ર.૩ બીજી બાબતમાં આ જેતલપુર ગામની સીમ ને ગામ તે વૃંદાવન કરતાં પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે એમ કહ્યું તે વૃંદાવનમાં તો શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા હતા તે વૃંદાવનથી તો જેતલપુર વિશેષ હોય જ માટે વૃંદાવનથી વિશેષ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૩ જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગોકુળ, મથુરાં આદિકથી વૃંદાવનને વિષે અધિક લીલા કરી હતી તેમ શ્રીજીમહારાજે સર્વ ધામ થકી જેતલપુર ધામમાં વિશેષ લીલા કરી છે ને વિશેષ રહ્યા છે ને મોટા મોટા યજ્ઞ કર્યા છે, માટે સર્વે ધામથી વિશેષ કહ્યું છે.
ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિ:સૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં જેતલપુર પ્રકરણં સમાપ્તમ્.