[raw]
વરતાલ : ૬
સંવત 1882ના માગશર વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ચિમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૧) હે મહારાજ! જીવ જ્યારે પ્રથમ કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે હતા ત્યારે એમને કર્મ વિનાનું સ્થૂળ શરીર કેમ થઈ આવ્યું? અને જો કર્મ એને હતાં એમ કહીએ તો જેમ જીવ અનાદિ છે તેમ કર્મ પણ અનાદિ થાય ત્યારે તો જૈનના જેવો મત થાય છે, માટે કર્મ વિના જીવને સ્થૂળ દેહની પ્રાપ્તિ કેઈ રીતે છે? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એકલું કાળનું જ બળ કહે તે પણ પ્રમાણ નહિ ને એકલું કર્મનું બળ કહે તે પણ પ્રમાણ નહિ ને એકલું પરમેશ્વરનું બળ કહે તે પણ પ્રમાણ નહિ; એ તો જ્યારે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહિ અને જ્યારે જેવી પરમેશ્વરની ઇચ્છા હોય ત્યારે તેવું જ કાળનું સાર્મથ્ય પ્રવર્તે છે તે કાળે કરીને પરમેશ્વર જે તે જીવના દેહ, ઇંદ્રિય, મન, પ્રાણને સૃજે છે. પછી તો જે જીવ જેવું કર્મ કરે તેને તેવા દેહની પ્રાપ્તિ થાય છે,(બા.૧)
તે જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ તેને વિષે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થાતા અને સર્વે બ્રાહ્મણ જ હતા. અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પ માત્રે કરીને પુત્રની ઉત્પત્તિ થાતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતાં અને જેટલાં મનુષ્ય હતાં તે સર્વે પરમેશ્વરનું ભજન કરતાં. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહિ; જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગ સંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય, એવી રીતનો જે સત્યયુગ, ત્રેતાયુગનો સ્વભાવ તે સર્વે સત્યયુગ-ત્રેતાયુગમાં ન હોય એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતું. એવી રીતે જ્યારે કાળ બળવાન પ્રવર્તે ત્યારે કર્મના સાર્મથ્યને ન્યૂન કરી નાખે છે અને જ્યારે અતિશે દુર્ભક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુ:ખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એક કાળે મરાઈ જાય છે; ત્યારે શું બધાયનું એક ભેળે કર્મ ખૂટી રહ્યું? એ તો કાળની જ અતિશે સામર્થી છે તેણે કર્મના બળને હઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહિ. કર્મમાં સુખ લખ્યું હોય તે દુ:ખ થઈ જાય ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળિયુગને વિષે પણ સત્યયુગ થાય છે, એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી કર્મ તેનું જ જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કર્મને જ સર્વ કર્તા કહે છે, પણ એમ નથી જાણતા જે એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સાર્મથ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સાર્મથ્ય કહ્યું નથી અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે જે આ દેહે કરીને તો પાત્ર-કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વનું કલ્યાણ કરવું છે. ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સાર્મથ્ય રહે નહિ ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સાર્મથ્ય રહે છે; તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના તેણે ભગવાનને ઝેર પાયું તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશે કહ્યું છે, પણ કાળનું કે કર્મનું કાંઈ સાર્મથ્ય નથી કહ્યું, માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું; એવી રીતે જ્યારે પ્રથમ વિશ્વ રચ્યું ત્યારે કર્મ વિના જ પરમેશ્વરની ઇચ્છાએ કાળે કરીને જીવને સ્થૂળ દેહની પ્રાપ્તિ થઈ અને તે પછી જેમ જેમ યુગ પલટાતા ગયા ત્યારે જેવાં જેણે કર્મ કર્યાં તેને તેવા તેવા દેહની પ્રાપ્તિ થાતી ગઈ.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 6 || (206)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પ્રથમ કર્મ વિનાના જીવને કાળ દ્વારે અમે સ્થૂળ દેહ આપીએ છીએ. પછી જેવાં કર્મ કરે તેવા દેહની પ્રાપ્તિ થાય છે. (1) અને કર્મથી કાળનું બળ વિશેષ છે અને કાળથી અમારા એકાંતિક ભક્તનાં અમારી ભક્તિ સંબંધી કર્મનું બળ વિશેષ છે, ને એકાંતિક ભક્તનાં ભક્તિ સંબંધી કર્મથી અમારું બળ અધિક છે. (2) બાબતો છે.
|| ——-x——- ||
[/raw]