[raw]
પંચાળા : ૬
સંવત 1877ના ફાગણ વદિ 9 નવમીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, ને ધોળે અંગરખે સહિત ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય-શક્તિઓ જણાવી, માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે, એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળ મતિ હોય ને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત્ કાંઈક અવળું-સવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહિ; એનું કલ્યાણ જ થાય, માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દૃઢતા આ ભગવાનને વિષે રાખશો તો કદાચિત્ કાંઈક અવળું વર્તાઈ જાશે તો પણ અંત્યે કલ્યાણ થાશે, એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજીમહારાજને વિષે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દૃઢતા કરતા હવા.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 6 ||(132)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે વૈકુંઠનાથ જે રામચંદ્રજી તથા સહસ્ત્રશીર્ષા જે અનિરુદ્ધ તથા શેષશાયી જે વૈરાજનારાયણ તથા ભૂમાપુરુષ તેમના કારણ, અવતારી ને પુરૂષોત્તમ તે શ્રીકૃષ્ણને કહ્યા છે અને તે શ્રીકૃષ્ણને ગોલોકવાસી કહ્યા છે અને શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મના અવતાર કહ્યા છે ને વાસુદેવબ્રહ્મને શ્રીકૃષ્ણના અવતારી કહ્યા છે અને ભારતમાં ને ભાગવતમાં શ્રીકૃષ્ણને નરનારાયણ નામે કહ્યા છે. (1) અને આ અવતાર એટલે અમે વાસુદેવાદિક સર્વે અવતારોના કારણ છીએ એવા સર્વોપરી અમને જાણીને, અમારી દૃઢ ઉપાસના કરવી ને આવી રીતની અમારે વિષે ઉપાસનાની દૃઢતા હોય તેનાથી કાંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ અંતે તેનું કલ્યાણ થાય. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં શ્વેતદ્વીપપતિ વાસુદેવ તેણે જ કૃષ્ણાવતાર ધર્યો હતો એમ કહ્યું અને તમે ભાવાર્થમાં વાસુદેવને શ્રીકૃષ્ણના અવતારી કેમ કહ્યા?
ઉ.૧ શ્વેતદ્વીપપતિ વાસુદેવે કૃષ્ણાવતાર ધર્યો હતો એમ કહેવાથી જ શ્રીકૃષ્ણ વાસુદેવના અવતાર થયા ને વાસુદેવ અવતારી થયા તે (કા. 10ના 1/4 પહેલા પ્રશ્નમાં) પ્રકૃતિ પુરુષથી પર બ્રહ્મ કહ્યા છે તે આ વાસુદેવબ્રહ્મને કહ્યા છે અને (લો. 12ના પહેલા પ્રશ્નમાં) શુકજી તથા નિરન્ન મુક્તને દૃષ્ટાંતે શ્રીકૃષ્ણ જેવા જાણનારાને નિર્વિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ કહ્યા છે અને વાસુદેવની ઉપાસના કરનારાને મધ્યમ કહ્યા છે માટે એમાં શંકાનો માગ નથી.
પ્ર.૨ ભારત ને ભાગવતમાં શ્રીકૃષ્ણને નરનારાયણ નામે કહ્યા છે એમ કહ્યું તે શ્રીકૃષ્ણ તે જ નરનારાયણ હશે કે જુદા હશે?
ઉ.૨ શ્રીકૃષ્ણને નરનારાયણ એવું વિશેષણ આપ્યું છે, જેમ રામચંદ્રજીને નારાયણ, વાસુદેવ, પરમાત્મા, પુરૂષોત્તમ, કૃષ્ણ એવાં વિશેષણો આપ્યાં હોય તેણે કરીને તે કાંઈ વૈરાજનારાયણ કે શ્વેતદ્વીપપતિ વાસુદેવ કે ગોલોકવાસી શ્રીકૃષ્ણ કહેવાય નહિ; એમનું મુખ્ય નામ જે રામચંદ્રજી છે તે જ કહેવાય, અને શ્રીજીમહારાજને પણ વાસુદેવ, શ્રીકૃષ્ણ, નરનારાયણ, એવાં વિશેષણો આપ્યાં હોય પણ મુખ્ય નામ સ્વામિનારાયણ છે ને બીજાં સર્વ વિશેષણો છે; તેમ જ શ્રીકૃષ્ણને નરનારાયણ, વાસુદેવ, રામ, પુરૂષોત્તમ, પરમાત્મા એવા વિશેષણો આપ્યાં હોય પણ મુખ્ય નામ શ્રીકૃષ્ણ છે માટે શાસ્ત્રોમાં સર્વ અવતારોને એવાં વિશેષણો આપ્યાં હોય છે એમ જાણવું અને રામચંદ્રજી, શ્રીકૃષ્ણ, નરનારાયણ, વાસુદેવ, મૂળઅક્ષર તથા સર્વના અવતારી એવા શ્રીજીમહારાજ તે સર્વ જુદા જ છે અને (લો. 14/1માં) વૈકુંઠ અને આદિ શબ્દથી ગોલોક તે કરતાં બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપને શ્રેષ્ઠ કહ્યા છે તો જેનાં ધામ શ્રેષ્ઠ હોય તેના ધામી તો શ્રેષ્ઠ હોય જ તેમાં શું કહેવું? માટે શ્રીકૃષ્ણથી નરનારાયણ શ્રેષ્ઠ છે અને તેથી વાસુદેવબ્રહ્મ શ્રેષ્ઠ છે, અને શાસ્ત્રમાં શ્રીકૃષ્ણને વિષે વાસુદેવ કે નરનારાયણ લીન થયા એમ કહ્યું હોય ત્યારે તે શ્રીકૃષ્ણથી ઓરા જે પ્રધાનપુરુષ તથા મહત્તત્વરૂપી વાસુદેવ તથા નર કહેતાં અર્જુન અને નારાયણ કહેતાં વૈરાજનારાયણ તથા શેષનારાયણ તે જાણવા.
પ્ર.૩ બીજી બાબતમાં અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે એમ કહ્યું તે અવળું શું જાણવું?
ઉ.૩ ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને વર્તમાનમાં એકાદ વખત ફેર પડી જાય તેનું પ્રાયશ્ચિત્ત કરે તો કલ્યાણ થાય; અને પ્રાયશ્ચિત્ત ન કરે તો તેને બીજો જન્મ ધરાવીને દંડ ભોગવાવીને કલ્યાણ કરે અને જે જાણીને વર્તમાન લોપે તે તો જીવતો જ બ્રહ્મરાક્ષસ છે ને મરીને નરકમાં પડે છે.
|| ——-x——- ||
[/raw]