[raw]
પંચાળા : ૩
સંવત 1877ના ફાગણ સુદિ 8 અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે પરમહંસ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,
ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે,
नैर्गुण्यस्था रमंते स्म गुणानुकथने हरे:।
તથા
परिनिष्ठितोऽपिनैर्गुण्ये उत्तमश्श्लोकलीलया।
गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्॥
અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞરૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું તો સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, એ મારે વિષે કોઈ દિવસ હોય નહિ; હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચૈતન્ય છું અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જડ છે, નાશવંત છે એમ દૃઢપણે સમજીને એ સર્વથી વૈરાગ્ય પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિષે ભક્તિ કરવી તેને એકાંતિકની ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે તે ભગવાને કહ્યું છે જે:–
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते।
उदारा: सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम्॥
એમ સમજીને ઇંદ્રિયો-અંત:કરણ-વિષય એ સર્વેનાં જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિષે હેત કરવું એ જ ઠીક છે.(બા.૨)
અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યાં ન હોય ત્યાં સુધી એ ઇંદ્રિયો-અંત:કરણે કરીને ભગવાનનાં દર્શન, સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું પણ એને પોતાનાં હેતુ ન માનવાં; વૈરી માનવાં ને એનો ગુણ ન લેવો જે, એ ભગવાનની ભક્તિને વિષે ઉપકાર કરે છે, કેમ જે નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુળસીનો સુગંધ લેવાય છે ને મુખે કરીને ભગવાનનાં કથા-કીર્તન કહેવાય છે તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે ઇત્યાદિક ભગવાનની ભક્તિને વિષે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો; એને તો વૈરી જ જાણવાં કાં જે શું જાણીએ એ ભગવાનનાં દર્શન-સ્પર્શાદિકે કરીને સુખ માનતા થકા સ્ત્રિયાદિકના દર્શન, સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય માટે એ પંચ ઇંદ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું, જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહિ ને વિશ્વાસ પણ કરે નહિ અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચે મારે તેમ જો ઇંદ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચે ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે, માટે એનો વિશ્વાસ ન કરવો, અને વળી જેમ ઇંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇંદ્રિયો-અંત:કરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી પણ એને વિષે ગુણ ન લેવો; શત્રુભાવ જ રાખવો અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકને વિષે સુખ મનાવતે થકે જો સ્ત્રિયાદિકને વિષે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું-કરાવ્યું સર્વ વ્યર્થ થઈ જાય, જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે ને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી, એમ એ ઇંદ્રિયો-અંત:કરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછાં વાળવાં એ પણ સમજણ ઠીક છે.(બા.૩)
ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 3 || (129)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં જે ભક્ત પોતાના અવગુણ ઓળખીને ટાળવાનો ઉપાય કરે ને બીજાના અવગુણ લે નહિ તે બુદ્ધિવાળો છે અને માને કરીને પોતાથી મોટાને ન્યૂન માને તે મૂર્ખ છે. (1) બીજામાં નિર્ગુણ સત્તા જે અમારું તેજ તે રૂપ થઈને અમારે વિષે હેત કરવું ને સેવા કરવી પણ વિષયના સુખ સંબંધે કરીને અમારે વિષે હેત કરવું નહિ. (2) અને ઇંદ્રિયો-અંત:કરણને પંચ વર્તમાનના નિયમમાં રાખવાં. (3) ત્રીજામાં ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી પોતાના ચૈતન્યને પૃથક્ માનવો એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (4) બાબતો છે.
પ્ર.૧ (પહેલા પ્રશ્નમાં) બીજા વિકાર ટળી ગયા છે ને માન-ઈર્ષ્યા કેમ રહે છે એમ પૂછ્યું તે બીજા વિકાર કિયા ટળ્યા હશે?
ઉ.૧ કામ, લોભ, સ્વાદ, સ્નેહ તે વિકાર ટળી ગયા હોય એમ જાણવું.
પ્ર.૨ (બીજા પ્રશ્નમાં) નિસ્તર્કપણે એક મતિ રહેતી હોય તેને પંચઇંદ્રિયોના વિષય સુખ સંબંધે કરીને અમારે વિષે હેત કરવું એમ કહ્યું તે કેવી રીતે કરવું?
ઉ.૨ શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજો કોઈ આકાર દીઠો જ ગમે નહિ ને શ્રીજીમહારાજના શબ્દ વિના બીજો શબ્દ ગમે નહિ, તથા શ્રીજીમહારાજના સ્પર્શ વિના બીજો સ્પર્શ ગમે નહિ અને શ્રીજીમહારાજના મહાપ્રસાદ વિના બીજો રસ ગમે નહિ ને મહારાજને ચડ્યાં જે તુળસી-પુષ્પ તે વિના બીજો ગંધ ગમે નહિ, એવી રીતે શ્રીજીમહારાજ સંબંધી પંચવિષયમાં આનંદ વર્તે ને તે વિના બીજા માયિક વિષયને વિષે અભાવ વર્તે અને શ્રીજીમહારાજને વિષે માયિકપણાનો સંકલ્પ ન થાય એવી રીતે શ્રીજીમહારાજને વિષે હેત કર્યું હોય તો કલ્યાણ થાય.
પ્ર.૩ (3/4 ત્રીજા પ્રશ્નમાં) તમે કરશો તે તમે ભોગવશો એમ ઇંદ્રિયો-અંત:કરણને કહેવું એમ કહ્યું અને (જે. 2ના બીજા પ્રશ્નમાં) ઇંદ્રિયોદ્વારે વિષયનું ગ્રહણ જીવ કરે છે ત્યાં જીવને જ ભોક્તા કહ્યો છે તે કેવી રીતે સમજવું?
ઉ.૩ ઇંદ્રિયો-અંત:કરણ ભોક્તા નથી; કર્તા-ભોક્તા તો જીવ જ છે, પણ જીવ ઇંદ્રિયાદિક ભેળો ભળી ગયો છે તેને જુદો પાડવાનો તથા ઇંદ્રિયો-અંત:કરણદ્વારે ઘાટ કરતો હોય તે ઘાટને ખોટા કરી નાખવાનો ઉપાય બતાવ્યો છે.
|| ——-x——- ||
[/raw]