[raw]
પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના
આપણા ઉદ્ધવીય સંપ્રદાયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ આદિ સદગુણોનું અસરકારક રીતે નિરૂપણ કરનારા મોટા મોટા સદગુરુઓના હાથથી લખાયેલા ગ્રંથોનું પ્રમાણ ઠીક છે, પરંતુ શ્રી પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખ વાણી કે જે ‘શ્રી વચનામૃત’ નામથી ઓળખાય છે, એ સૌમાં પ્રથમ સ્થાન લે છે. આ ગ્રંથ માંહેના એના કોઈ એક વિષયનું વિચારપૂર્વક અધ્યયન માત્ર તેને સારમૂળક અને સર્વગ્રાહ્ય હોવાનું વગર વિલંબે સાબિત કરે છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં વચનામૃતો આ પૃથ્વી પર ક્યાંથી શ્રવણગોચર થઈ શકે? એ તો પોતે કૃપા કરી નરનાટક ધરી પૃથ્વી પર પધારી આશ્રિત જનોને શ્રવણ મનોહર વચનામૃતો સંભળાવે ત્યારે જ બની શકે. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમે વચનામૃતો સંભળાવ્યાં તો ખરાં, પરંતુ અનાદિ મુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક પાંચ સદગુરુઓએ મુમુક્ષુઓ પર દયા કરી તે વચનામૃતોનો સંગ્રહ કરી રાખ્યો ન હોત તો તે લાભ આપણને ક્યાંથી મળત? સદગુરુઓએ તે કાર્ય પણ કર્યું અને તે સંગ્રહ તેમણે પૂર્ણ પુરુષોત્તમને બતાવી તેમનો આશીર્વાદ પણ મેળવ્યો. આ પૃથ્વી પર જ્ઞાનના અનેક ગ્રંથો છે તેમાં વચનામૃત સર્વના મુકુટ સ્થાને વિરાજે છે. તે સરળ સાદી ગુજરાતી ભાષામાં હોવા છતાં જ્ઞાનના ગહન વિષયો પણ તેમાં સમાયેલા છે. શ્રી વચનામૃતની આમ ટૂંકમાં સર્વોત્કૃષ્ટતા બતાવ્યા પછી એટલું કહેવાની જરૂર જણાય છે કે, આ ગ્રંથની અસલ પ્રતની હસ્તલિખિત જૂજ નકલો માત્ર મોટાં મોટાં મંદિરોમાં જ રહેલી અને વંચાતી, પરંતુ સમય જતાં આ પુસ્તકની માંગ દિન-પ્રતિદિન વધવા લાગી અને તેને પહોંચી વળવા મુદ્રિત કરેલ પ્રતો સંપ્રદાયમાં ફેલાવા પામી. આ વચનામૃતના મૂળસ્વરૂપમાં કોઈ પણ ફેરફાર થવા ન પામે એ હેતુથી અમોએ સદગુરુઓના હાથથી લખાયેલ મૂળ પ્રતને આ પ્રમાણભૂત સ્વરૂપે છાપી સત્સંગ સમક્ષ રજૂ કરવા પ્રયાસ કર્યો છે. આશા છે કે સૌ કોઈ વાચકો એને આવકારી એનો લાભ લેવો ચૂકશે નહિ. શ્રી વચનામૃત જેવા દિવ્ય ગ્રંથમાં વાચક વર્ગની સગવડતા જાળવવાનો હેતુ અમારા લક્ષ્ય બહાર ન હોઈ, ગ્રંથ માંહેલા પ્રશ્ન, બાબત અને વિષય તથા એક એક વચનામૃતમાં શું શું વિષય પર શા શા પ્રશ્નોત્તર થયા છે, તે સંપૂર્ણ રીતે અને સહેલાઈથી જોઈ શકાય, એ હેતુથી એક એક પાનામાં બબ્બે હાંસિયા પાડવામાં આવ્યા છે. અને તેની અંદર એક તરફ પ્રશ્ન અને બીજી તરફ બાબતના આંક આપવામાં આવ્યા છે. વચનામૃતના અંક નીચે અથવા પ્રશ્નના અંક નીચે જે અંક હોય તે બાબતનો જાણવો.
આ શ્રી વચનામૃતરૂપ દિવ્ય ગ્રંથ ઉપર શ્રી કચ્છદેશમાં આવેલ વૃષપુર (બળદિયા) નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપાએ આપણા ઉદ્ધવ સંપ્રદાયના તત્વજ્ઞાનની ઘણી જ અલૌકિક, સૂક્ષ્મ અને આધ્યાત્મિક બાબતો કે જેના અર્થો સામાન્ય લોક સમૂહના જાણવા બહાર છે, અને જેને લઈ સ્વરૂપનિષ્ઠાની જોઈએ તેવી સમજણ પડતી નહિ હોવાથી, શ્રી વચનામૃતની એકવાક્યતા જાળવી શ્રીજીમહારાજના પ્રગટ સ્વરૂપના આધ્યાત્મિક રહસ્યની બાબતો ઉપર સાદી અને સરળ ભાષામાં, ‘રહસ્યાર્થ પ્રદીપિકા’ નામે ટીકા કરેલ છે. યદ્યપિ શ્રીજીમહારાજે આ વચનામૃતથી અતિરિક્ત કંઈ કહેવાનું બાકી રાખ્યું નથી, તો પણ દેશકાળાદિકને ધ્યાનમાં લઈને કેટલીક વાતો બીજરૂપે, તો કેટલીક પરોક્ષભાવમાં કહી છે. વળી શ્રીજીમહારાજે ક્યાંક પોતાને ભક્ત તરીકે તો ક્યાંક અવતાર તરીકે અને ક્યાંક તો વળી સર્વના અવતારી તરીકે પણ પોતાને જાહેર કર્યા છે. આથી મુમુક્ષુને શ્રીહરિના સ્વરૂપ-નિર્ણય સંબંધમાં મૂંઝવણ થાય છે ખરી, તેથી અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાએ કૃપા કરી શ્રીજીમહારાજના સર્વોપરી દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આ ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા’ દ્વારે આપ્યું છે. મૂળ વચનામૃતમાં કોઈક સ્થળે કોઈ નિમિત્ત વચનો શ્રીજીમહારાજે પરોક્ષભાવમાં ભલે કહ્યાં હોય, પરંતુ આપણે જો તેમના સર્વ અવતારના અવતારીપણાનાં મુખ્ય વાક્યો તરફ જોઈશું તો ખાતરી થશે કે શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી કારણમૂર્તિ છે. આ રહ્યાં તેમાંનાં કેટલાંક અવતરણો:-
‘એવાં અનંત આશ્ચર્ય છે તે સર્વે મુને મળ્યા એવા જે ભગવાન તેનાં કર્યાં જ થાય છે. એમ સમજે, પણ પ્રકટ પ્રમાણ જે આ ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનાર છે એમ માને નહિ.’ (પ્ર. ૨૭-૧-૧) ‘આજ સર્વે હરિભક્ત છે તે એમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા ભક્તિ કરે છે.’ (પ્ર. ૩૧-૨-૩) ‘ગમે તેવો પાપી હોય ને અંત સમે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમહોલને વિષે નિવાસ કરે એવો ભગવાનનો પ્રતાપ મોટો છે.’ તથા ‘જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રકટ ભગવાન છે તે જ એક રહે છે.’ (પ્ર. ૫૬-૩-૪) ‘અક્ષરાતીત ને મન-વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની-અજ્ઞાની એવાં જે મર્ત્યલોકનાં મનુષ્ય તે સર્વે મુને દેખો, એમ ધારીને સત્યસંકલ્પ એવા જે આ ભગવાન તે કૃપાએ કરીને મર્ત્યલોકનાં સર્વ મનુષ્ય દેખે એવા થાય છે.’ (પ્ર. ૭૮-૯-૯) ‘જે ભક્ત એમ સમજે જે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક ને બ્રહ્મપુર તેના નિવાસી છે, તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ ધામ છે.’ (પ્ર. ૭૮-૧૧-૧૧) ‘જે સાધુ એમ સમજતો હોય જે મારા ચૈતન્યને વિષે આ ભગવાન સદા વિરાજમાન છે.’ (સા. ૧૦-૨-૪) ‘સર્વના સ્વામી જે પુરુષોત્તમ તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે અખંડ વિરાજમાન છે.’ (સા. ૧-૨-૨) ‘પોતાના ઇષ્ટદેવ જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ તેનો ભક્ત તેને વિષે જે કાંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે નહિ.’ (કા. ૯-૨-૨) ‘જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રકટ પ્રમાણ એવા જે શ્રી સ્વામિનારાયણ તેમનું જ કર્યું સર્વ થાય છે.’ (કા. ૧૦-૧-૨) ‘જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઊંચે સ્વરે નિર્લજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરવું. અને હે દીનબંધો! હે દયાસિંધો! એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેનાં નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય.’ (લો. ૬-૧૪-૧૭) ‘સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારેકોરે પ્રમાણે રહિત છે ને અનંત છે, ને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે. તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારેકોરે અનંતકોટી મુક્ત બેઠા થકા તે નારાયણનાં દર્શન કરે છે.’ (લો. ૧૪-૧-૨) ‘બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે, અને આ અવતારે કરીને સંપૂર્ણ એશ્વર્ય, શક્તિઓ જણાવી છે. માટે આ અવતાર સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. એવી રીતે જો ઉપાસનાની દૃઢતા આ ભગવાનને વિષે રાખશો તો કદાચિત્ કાંઈક અવળું વર્તાઈ જાશે તો પણ અંતે કલ્યાણ થાશે.’ (પં. ૬-૧-૨) ‘એવા મર્મને જાણનારા છે તે આ ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્ય-સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશ માત્ર ફેર સમજતા નથી.’ (પં. ૭-૧-૨) ‘ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જોઈએ. સર્વોપરી જે ભગવાનનું સ્વરૂપ છે, તે જ મુને પ્રાપ્ત થયું છે.’ (મ. ૯-૧-૧) ‘તેજને વિષે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજ્યો.’ (મ. ૧૩-૧-૩)
तत्तेजःपुंजमध्यस्थ एवाऽध्याहं वदामि च । युष्मानपि च निषण्णांस्तत्र सर्वशः ।। २५ ।।
भूरितेजसि यः प्रोक्तो भगवान् दिव्यविग्रहः । मावेव तं तु जानीन स्थितमत्र नराकृतिम् ।। ६३ ।।
(હરિવાક્ય-સુધાસિન્ધુ તરંગ) હ. સુ. તરંગ || ૧૪૬ ||
‘આ તમે સર્વે છો તે મુને ભગવાન જાણો છો તે અમે જ્યાં જ્યાં ઉચ્છવ-સમૈયા કર્યા હોય એ આદિક જે અમારાં ચરિત્ર-લીલા તેને કહેવાં ને સાંભળવાં ને તેનું મનમાં ચિંતવન કરવું. માટે એવાં જે અમારાં સર્વે ચરિત્ર-ક્રિયા તથા નામ-સ્મરણ તે કલ્યાણકારી છે.’ (મ. ૩૫-૧-૪)
सांप्रतं त्विह सर्वेषां भवतां सुद्रढा मतिः । मय्येवकृष्णोयमिति तत्कार्या मदुपासना ।। ३२ ।।
मच्चरित्राणि ज्ञेयानि श्रोतव्यानि च सादरम् । मम ध्यानं विधातव्यं स्मर्तव्या मत्कृतोत्सवाः ।। ३४ ।।
एवं विदधतो यूयं मद्भक्तेस्तु प्रतापतः । देहांते परमं धामं मदीयं प्राप्स्यथ ध्रुवम् ।। ३६ ।।
सध्य शान्तिं ततः प्राप्य देहं हित्वा स भौतिकम् । मद्धाम प्राप परमं यूयं भजत मां ततः ।। २९ ।।
હ. સુ. તરંગ || ૧૬૮ ||
‘તમારો સર્વનો આચાર્ય, ગુરુ, ઉપદેષ્ટા ને ઇષ્ટદેવ એવો જે હું તે મારા દેહનાં જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું.’ (વ. ૧૮-૧-૧૪)
त्यागिनां गृहिणां ये तु धर्माः ।। सन्त्यौद्धवाध्वनि । तान्येव मम वाक्यानि पालनीयानि मच्छ्रितैः ।।
वर्तिष्यतेऽन्यथा यस्तु स मदीयो न कर्हिचित् । वार्तैषा ह्रदये धार्य सर्वेंः च कार्या सर्वतः ।। ४७ ।।
હ. સુ. તરંગ || ૨૧૮ ||
‘જે ભગવાન આ બ્રહ્માંડને વિષે વિરાજે છે તે જ ભગવાન સર્વના સ્વામી છે, તેને શરણે અસંખ્ય જીવ થાય છે તેણે કરીને અક્ષરધામમાં શ્રી પુરુષોત્તમના ચરણારવિંદને ઘણાક જીવ પામે છે.’ (અ. ૫-૨-૨)
तमुवाच हरिः साक्षाज्जातः कृष्णोऽत्र योऽस्ति सः । धृत्वाऽवतारं चरित ब्रह्मांडेष्वखिलेष्वपि ।। १२ ।।
प्रपध्यंते जना ये तं शरणं द्रढ निश्चयाः । ब्रह्मधाम नयत्येव स तु तानखिलानपि ।। १३ ।।
अनंतकोटि-ब्रह्मांडाधारः कर्मफलप्रदः । ईश्वराणामीश्वरोऽसौ देवानामपि देवता ।। ८ ।।
હ. સુ. તરંગ || ૨૨૪ ||
‘આ સત્સંગને વિષે ભગવાન વિરાજે છે તે જ ભગવાનમાંથી ચોવીશ અવતાર થયા છે ને પોતે તો અવતારી છે, સર્વે જીવોના અંતર્યામીરૂપ છે, ને અક્ષરધામને વિષે તેજોમય છે, ને સદા સાકાર છે, ને અનંત ઐશ્વર્યે યુક્ત છે. અને એ જ રાજાધિરાજ અનંત બ્રહ્માંડના છે, ને અક્ષરબ્રહ્મના પણ કારણ છે. ને જેટલા અવતાર થયા છે, તે આમાંથી થયા છે, ને તમને સર્વને આજ ભગવાન મળ્યા છે તે તો સર્વના કારણ છે ને સર્વ અવતારના અવતારી છે ને અક્ષરધામના ધામી છે.’ (અ. ૬-૧-૧)
योऽत्रास्ति भगवान् कृष्णस्तस्मादेवाऽखिलाअपि । अवतारा हि संजाता अवतारी स्वयं त्विह ।। ८ ।।
अंतर्याम्येष एवास्ति सर्वेषामपि देहिनाम् । एष एवाऽक्षरस्थश्च तेजस्वी पुरुषोत्तमः ।। ९ ।।
अनंतकोटिब्रह्मांड राजराजो महेश्वरः । अनंतैश्वर्यसंपन्नः सर्वकारण कारणम् ।। १० ।।
હ. સુ. તરંગ || ૨૨૬ ||
‘સર્વ થકી પર એવું જે શ્રી પુરૂષોત્તમનું ધામ તેમાં ગયા ત્યાં પણ હું જ પુરષોતમ છું, પણ મારા વિના બીજો મોટો દેખ્યો નહિ.’ તથા ‘જે જે જીવ મારા શરણે આવ્યા છે અને આવશે ને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ, ને સર્વે ને અંતર્યામી જેવા કરીશ, ને બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિક કરે એવા શરણાગતને કરવા છે.’ (અ. ૭-૧-૧,૨)
आज्ञाप्यतं चैक एव ह्यगमं ब्रह्मधाम वै । तत्र मत्तः परतरो न द्रष्टः पुरुषोत्तमः ।।
मामेव पूजयामासुः सर्वेब्रह्मांडनायकाः ।। १७ ।।
अहमेवाखिलांडानां जन्मादेर्हेतुरस्मि वै । मत्तः परतरः कश्चिन् नास्त्येव भगवान् क्वचित् ।।
मत्तेजसैव सूर्याध्याः सन्ति तेजस्विनोऽखिलाः ।। ११ ।।
मदिच्छयैव ब्रह्मांडस्थितिरस्ति न चान्यथा ।। २० ।।
હ. સુ. તરંગ || ૨૨૭ ||
‘પ્રત્યક્ષ નરનારાયણ તમારી સભામાં નિત્ય વિરાજે છે.’ (જે. ૪-૧-૩)
नारायणऋषिः सोऽयं प्रत्यक्ष मिलितोऽस्ति वः । अतस्तमेव भजत निश्चिन्ताः सर्वदा द्रढम् ।।
હ.સુ. તરંગ ||૨૩૩||
‘અમે તો ભગવાન જે શ્રી નરનારાયણ તે છીએ, અને અમારે આશરે આવશે ને ધર્મ-નિયમમાં રહેશે, તેને અમે અંતકાળે દર્શન દઈને અક્ષરધામને પમાડીએ છીએ.’ (જે. ૫-૧-૧) ‘પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ તેમાં લગાર પણ ભેદ નથી, તેમાં ને આમાં એક રોમનો પણ ફેર ન જણાય, ધામને વિષે જે મૂર્તિ છે તે જ મૂર્તિ આ પ્રત્યક્ષ છે.’ (છે. ૩૧-૧-૧)
अतोयोऽस्त्यक्षरे धाम्नि गुनातीते हरिः स्वयम् । स एवास्त्यत्र प्रत्यक्षो नास्त्यल्पाऽपि तयोर्भिदा ।। १९ ।।
मनुष्याकृतिरप्येव कृष्णो भक्ति निर्गुणः । अक्षरस्थ इवेत्येव विज्ञयं सूक्ष्मदर्शिभिः ।। २० ।।
હ. સુ. તરંગ || ૨૬૪ ||
‘તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિષે સદા સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે; અનેક કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અલૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે ને માયાના ગુણ થકી રહિત છે એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનને જાણીને ભગવાન વિના જે બીજા સર્વે માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે.’ (છે. ૩૨-૨-૨)
ઉપરનાં અવતરણો-પ્રમાણોથી શ્રી સહજાનંદ સ્વામીના પુરુષોત્તમપણામાં-સર્વોપરીપણામાં કશો સંદેહ રહેતો નથી. શ્રીજીમહારાજ સર્વ અવતારોના અવતારી કારણ મૂર્તિ છે એટલું જ નહિ, પરંતુ તેમની સાથે આવેલા પાંચસો પરમહંસો પણ અક્ષરધામના દિવ્ય મુક્તો જ હતા, તે પણ નીચે પ્રમાણે શ્રીમુખે કહ્યું છે જે:-
‘ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે, ત્યારે પોતાનું અક્ષરધામ, અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે.’ (પ્ર. ૭૧-૫-૫)
यदा प्रादुर्भवत्यत्र कृपया नृणाम् । तदा सह स्वधाम्ना च परिवारेण जायते ।। २८ ।।
नृत्वदिव्यत्वयोर्भेदस्तेषां नास्त्येव सर्वथा । यत्तानेव समाधिस्थान् दिव्यरूपान्विचक्षते ।। ३० ।।
હ. સુ. તરંગ || ૭૧ ||
‘જે ભક્ત એમ સમજે જે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક ને બ્રહ્મપુર તેના નિવાસી છે. તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે.’ (પ્ર. ૭૮-૧૧-૧૧)
अयं कृष्ण इमे संतः सर्वे ब्रह्मनिवासिनः । यत्र कृष्णोऽस्ति तत्रैव तद्धामास्तीति वेत्तियः ।। ३० ।।
महद्भाग्यमिदं मे यदेभिः सह मम स्थितिः । एवं च वेत्ति यस्तस्य चित्रं वर्त्तेत चेतसि ।। ३१ ।।
હ. સુ. તરંગ || ૭૮ ||
‘જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાનના આ સંત છે, તેનો મારે સમાગમ મળ્યો છે.’ (પ્ર. ૭૮-૧૮-૧૮)
तमुवाच हरिर्योऽत्र भगवान् वर्तते भुवि । सर्वाऽवतारधर्त्ताऽसौ सर्वजीवोधृतिक्षमः ।। ६२ ।।
तस्य साक्षात्प्रभोः संत एते सन्त्यात्मवत्प्रियाः । स च स्वसद्गुणैरेभिःसर्वथा हि वशीकृतः ।। ६३ ।।
ममाप्यहो महद्भाग्यं संगमेषां यदाप्तवान् । एवं विदो भवेत्साधु माहात्म्यज्ञानमंजसा ।। ६४ ।।
હ. સુ. તરંગ || ૭૮ ||
‘એવી રીતનો જે સંત તે તો જેવા શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે, અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે.’ (સા. ૧૦-૨-૪)
ईद्रशाः कृष्णभक्ता ये श्वेतमुक्तैः समा हि ते । तद्दर्शनं भगवद्दर्शनेन समं मतम् ।। २८ ।।
अनीद्रशातु ये भक्तास्तेऽप्येतेषां समागमम् । यदि कुर्युर्द्रढं तर्हि तत्समाः स्युरसंशयम् ।। २९ ।।
હ. સુ. તરંગ || ૮૮ ||
‘જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે.’ (સા. ૧૧-૧-૨) ‘આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો તે સંતને પ્રતાપે પામ્યો છું.’ (લો. ૧૦-૬-૭) ‘આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે, તે ભગવાનનું રૂપ ને ભક્તનાં રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે. એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે કૃપા કરીને પોતાની સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે.’ (પં. ૭-૧-૨)
स प्रभुः कृपया सर्वदेहिनां श्रेयसे नृषु । स्वशक्तिपार्षदैश्चर्यैःसहाविर्भवतीह वै ।। ४६ ।।
अतः साक्षाद्धरेरुपं रूपं यच्चाऽक्षरस्थितम् । तयोर्ये न विदुर्भेदं ज्ञानिभक्तास्त उत्तमाः ।। ४७ ।।
साक्षात् कृष्णं विदु-र्येंऽत्र सर्वकारणकारणम् । नराकृतिः परंब्रह्म ते ज्ञेया ब्रह्मवित्तमाः ।। ५० ।।
હ. સુ. તરંગ || ૧૩૩ ||
‘અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું.’ (મ. ૧૩-૧-૧)
तत्तेजः पुंजमध्यस्थ एवाऽध्यार्हं वदामि च । युष्मानपि च पश्यामि निषण्णां स्तत्र सर्वशः ।। २५ ।।
હ. સુ. તરંગ || ૧૪૬ ||
વળી પોતાના મુક્તોને મહિમા તથા તેમની સેવા-સમાગમ કરનારની પ્રાપ્તિ વર્ણવતા શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘સાધુ થકી કાંઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય, અને જેવો રાજાનો હુકમ ચાલે, તેવો જ રાણીનો પણ હુકમ ચાલે, તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે, તેવો એ સાધુનો પણ પ્રતાપ છે.’ (મ, ૨૨-૩-૫)
एवं विधाः साधवो ये ते हि सर्वाधिकामताः । तेभ्यः परं भगवतो न किंचिदपि विध्यते ।। ३६ ।।
याद्रक् प्रतापो कृष्णस्य तद्भक्तानां च ताद्रशः प्रतापो जायते नूनमाज्ञाऽप्रतिहता तथा ।। ४० ।।
ब्रह्मांडानामीश्वरा ये ब्रह्मरुद्रादयश्च ते । श्रीकृष्णाय यथा तद्वद् बलीस्तेभ्योर्पयंति हि ।। ४२ ।।
હ. સુ. તરંગ || ૧૫૫ ||
‘સૂર્ય-ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે.’ (મ. ૪૫-૨-૪)
ब्रह्मांडे सुखिनो ये ये संति लोकाश्चराचराः । ते सर्वे कृष्णतद्भक्तप्रीणनादितिगम्यताम् ।। ३२ ।।
હ. સુ. તરંગ || ૧૭૮ ||
‘એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધનથકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે.’ (મ. ૫૪)
तथैव यस्य सत्सु स्यात् स्नेहबुद्धिः सुनिश्चला । आत्मबुद्धिर्मता सैव या न प्रतिहता क्वचित् ।। १० ।।
इयं यस्य भवेत्सत्सु तेन ज्ञातो हि सर्वतः । सत्संगोऽधिक इत्येव यूयं जानीत निश्चितम् ।। ११ ।।
आत्मबुद्धिर्भवेघस्य सत्सु तस्यैव सर्वथा । स्वधीश्च पूज्यधीस्तेषु स्याच्च तीर्थमति ध्रुवम् ।। १२ ।।
एता न मतयो यस्य सत्सु जाता नृदेहिनः । अन्यत्र च भवेयुस्ताः स तु प्रोक्तः पशुर्बुधैः ।। १३ ।।
હ. સુ. તરંગ || ૧૮૯ ||
‘જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થી તે એ ભક્તની પણ તેવી જ થાય છે.’ (મ. ૬૭)
कृष्णभक्ताः कालकर्ममायाऽऽवरणवर्जिताः । ब्रह्मीभूता ब्रह्मधाम्नि वसंति हरिसन्निधौ ।। ८ ।।
હ. સુ. તરંગ || ૨૦૦ ||
‘ભગવાનની ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દશ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે, એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.’ (વ. ૫-૪-૪)
यथा भगवतः कुर्याद् बाह्याभ्यंतर-पूजनम् । तथा द्रव्यैस्तदुच्छिष्टैरर्चेद्भक्तान् स उत्तमान् ।। ३४ ।।
भगवंतमिव प्रीत्या सदन्नैस्तांरश्य भोजयेत् । द्रव्यव्ययं च कृष्णार्थमिव कृर्यात्तदर्थकम् ।। २४ ।।
एवमुत्तमभक्तानां सेवनं कृष्णवत्तु यः । अतिप्रीत्याऽऽचरेन्नित्यं सोऽत्रैव स्यात् खलूत्तमः ।। २६ ।।
अन्यथा तु कनिष्ठोऽसौ बहुभिर्जन्मभिर्हरिम् । भजन्नुत्तमतां यायादिति प्रश्नोत्तरं तव ।। ३७ ।।
હ. સુ. તરંગ || ૨૦૫ ||
‘ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનના મળેલા સાધુ તેનો આશરો કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.’ (વ. ૧૦-૧-૨)
प्रत्यक्षो भगवान्न स्याध्यदा भुवि तदा तु ये । संतस्तं मिलितास्तेषामाश्रयादपि तद् भवेत् ।। १६ ।।
साधुलक्षणसंपन्नास्तेऽपि न स्युर्यदा तदा । कृष्णप्रतिकृतिर्भक्त्या तत्स्याद्धर्मयुजाद्रढम् ।। १७ ।।
‘માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન ને ભગવાનના મળેલા સંત તેની જ્યારે જીવને પ્રાપ્તિ થાય છે ત્યારે તે સર્વ (કર્મ ને માયા) ઉલ્લંઘાય છે.’ (જે. ૧-૧-૧)
‘તમ જેવા સંત જે ધર્મ-નિયમેયુક્ત હોય તેની તો વાત જ નોખી છે. તમને કોઈક ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય ને તે અંતે મોક્ષને પામે છે, ને તમારા ચરણનો કોઈક સ્પર્શ કરશે તેનાં કોટિ જન્મનાં પાપ નાશ પામશે, તમને ભાવે કરીને જે વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે અને તમે જે જે નદી-તળાવને વિશે પગ બોળો છો તે તે સર્વ તીર્થરૂપ થાય છે, તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે જે વૃક્ષનું ફળ જમ્યા હો તે તે સર્વનું રૂડું થાય છે, અને તમારાં કોઈક ભાવે કરીને દર્શન કરે છે ને તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તેનાં સર્વ પાપનો ક્ષય થાય છે, અને વળી જેને તમે ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે.’ (જે. ૪-૧-૩)
मदुक्तेषु स्वधर्मेषु द्रढस्थितिमतां तु वः । भिन्नैव प्रक्रियास्तीति यूयं सर्वोत्तमा मताः ।। १२ ।।
दर्शनात्स्पर्शनाद्वापि भवतां भोज्यदानतः । वस्त्रपात्रादि दानाच्च भवेत् पुण्यमनंतकम् ।। १३ ।।
फलं चानेकयज्ञानां सर्वपापविनाशकम् । स्याद् भवत्सेविनामत्रपुरुषाणां न संशयः ।। १४ ।।
भवन्मुखोक्तवार्तायाः श्रवणान्नमनाच्च वः । आश्रयाद्वा नराणां स्यान्मुक्तिरेव हि संसृतेः ।। १५ ।।
तीर्थानि पावनानिस्युश्चरणस्पर्शतो हि वः । तरुणामपि मुक्ति स्यात्तच्छायाफलसेवनात् ।। १६ ।।
सर्वाप्यस्ति हि युष्माकं क्रिया श्रेयस्करी नृणाम् । यतो नारायणऋषिः साक्षादस्त्येव वोंतरे ।। १७ ।।
प्रतापात्तस्य सामर्थ्यं भवतां चास्ति वै महत् । सर्वजीवाशयज्ञत्वमैश्वर्यं नास्ति दुर्लभं ।। १८ ।।
सर्वसिद्धाधिपत्यं च निधीशत्वं तथैव च । ब्रह्मादीनां क्रियाश्चापि भवति सुलभाः खलु ।। १९ ।।
किंतु सर्वं तदैश्वर्यं प्रत्यक्ष्यस्य प्रभोरिह । सुखाप्तयेऽस्ति गूढं वै नारायणऋषिच्छया ।। २० ।।
હ. સુ. તરંગ || ૨૩૩ ||
‘જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક-વૈકુંઠ લોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત-સભાના સમ છે.’ (છે. ૨-૧-૨)
श्वेतद्वीपे च वैकुंठे गोलोके बदरीवने । याद्रश्यस्ति सभा तस्या अप्येषास्त्यधिकाऽधुना ।। २६ ।।
अति तेजस्विनो भक्ता सर्वान् विक्ष इमानहम । अत्र नास्त्येव संदेहो यथा द्रष्टं ब्रवीमियत् ।। २७ ।।
હ. સુ. તરંગ || ૨૩૬ ||
‘જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે.’ (છે. ૧૧-૨-૨)
आत्मबुद्धया द्रढप्रीतिः स्वदेहेऽस्ति यथा तथा । साक्षात् कृष्ने च कार्श्नेंषु तर्हि शांतिस्तथा भवेत् ।। १० ।।
भक्तस्य तद्वतो न स्यात् पातः श्रेयोऽध्वनः क्वचित् । असद्देशादि योगेऽपि निर्विघ्नः सोऽस्ति सर्वथा ।। ११ ।।
હ. સુ. તરંગ || ૨૪૫ ||
‘જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક, તેને વિષે ભગવાનના પાર્ષદ છે, તે જેવા જ આ સર્વે સત્સંગી છે, ને અમે તો જેવા માયા પર જે દિવ્ય ધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે થકી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.’ (છે. ૨૧-૧-૬)
अलौकिका भवंत्येते मुनष्याकृतयोऽपि वै । श्वेतवैकुंठगोलोककृष्णपार्षदसन्निभाः ।। ३५ ।।
अहं तु ब्रह्मधामस्थ कृष्णपार्षदयूथतः । आधिक्येनैव जानामि भक्तानेतान् स्वचेतसि ।। ३६ ।।
હ. સુ. તરંગ || ૨૫૫ ||
‘સત્સંગમાંથી મન પાછું હઠે નહિ, એવા જે દૃઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાંવહાલાં છે, ને તે જ અમારી નાત્ય છે, ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. ને ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે.’ (છે. ૨૧-૧-૭)
‘જે પ્રત્યક્ષ ભગવાનને વિષે નિષ્ઠા રાખે છે તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાના એશ્વર્ય છે ને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે.’ (પ્ર. ૯-૧-૨) ‘એવાં જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહ મેલીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે. તેનું દર્શન તો ભગવાનનાં દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.’ (પ્ર. ૩૭-૧-૫)
भक्त एवं विधो ज्ञानी देहंते चिन्मयाकृतिः ब्रह्मधामैव संप्राप्य सेवायां वर्तते हरेः ।। २८ ।।
तद्दर्शनं पातकसंघहर्तृ कृष्नेक्षया तुल्यमिहेति वित्त ।।
હ. સુ. તરંગ || ૩૭ ||
‘જેમ ભગવાન સર્વે પ્રકારે નિર્બંધ છે ને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.’ (પ્ર. ૬૨-૧-૧)
कृष्णवच्च ततो भक्तो निर्बन्धः सन्निजेप्सितम् । कार्यंविधातु शक्नोति स्वतंत्रस्तत्प्रसादतः ।। १५ ।।
હ. સુ. તરંગ || ૬૨ ||
‘જ્યારે સર્વે કર્મ ને માયા તેના નાશ કરનારા ને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા ભગવાનના મળેલા સંત તેની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તે સર્વને ઉલ્લંઘાય છે.’ (જે. ૧-૧-૧)
अतो मायापरस्यैव कृष्णस्यात्र नराकृतेः । आश्रयाद्वा तदीयानांतस्या उल्लंघनं भवेत् ।। १२ ।।
હ. સુ. તરંગ || ૨૨૦ ||
‘અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે….જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય ને તેની મર્યાદા રાખે, તેમ તે મૂર્તિની પણ રાખી જોઈએ અને તેમ જ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ….પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું.’ (પ્ર. ૬૮-૧-૧)
समाधिनिष्ठा अत्रापि संति वत्तर्मनि भूरिशः । येऽन्यदेहं प्रविश्यैव विध्युम्तद्धार्द्दमंजसा ।। ७ ।।
कृष्नो महांतः संतश्च प्राप्तयोगमहोदयाः । इच्छा स्वस्य भवेध्यत्र तत्र कुर्युः प्रवेशनम् ।। ९ ।।
अतः साक्षाद् भवतो मर्यादा पाल्यते यथा । तथैव पालनीयाऽत्र तस्या अपि च पूजकैः ।। ११ ।।
संतां च ह्रदये साक्षाद्धरिराविश्य वर्तते । तेषामपि तत्तः पाल्या मर्यादा ताद्रशी सदा ।। १२ ।।
હ. સુ. તરંગ || ૬૮ ||
ઉપર પ્રમાણે શ્રીજીમહારાજે પોતાનું સર્વોપરીપણું તેમ જ સંત-હરિભક્તોનો મહિમા સમજાવવામાં કંઈ પણ કચાશ રાખી નથી. સર્વોપરીપણાનાં તેમ જ સંત-મહિમાનાં ઉપરનાં અવતરણો મુમુક્ષુને જેટલાં ઉપકારક અને કલ્યાણકારી છે તેટલાં જ શ્રીજીમહારાજનાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક સાધન પરત્વે ઉચ્ચારેલાં વચનો પણ ઉપયોગી છે. પણ આ સ્થળે ધર્મ, જ્ઞાનાદિની મહત્તાપ્રતિપાદક શ્રીજીમહારાજનાં વચનો અવતરણરૂપે સ્થળ સંકોચને લઈને આપવામાં આવ્યાં નથી, તો પણ અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાએ આ બધાં વચનામૃતોનો સમન્વય કરી ‘રહસ્યાર્થ પ્રદીપિકા’ ટીકામાં દરેક સ્થળે મુમુક્ષુ એકદેશી સમજણમાં ઉતરી ન જાય તેવી કાળજી રાખી પૂર્વાપર વચનામૃતો સાથે રાખી, શ્રીજીમહારાજની મૂળ શૈલી પ્રમાણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્ય જ્ઞાને યુક્ત ભક્તિ સહિતની પરમ એકાંતિકની તથા અનાદિમુક્તની સમજણ પ્રવર્તાવેલી છે. આ ટીકામાં જે બાબતો લખવામાં આવી છે તે વચનામૃતને આધારે જ લખવામાં આવી છે. આ ટીકાના વાંચનથી અનેક સત્સંગીઓનો આત્યંતિક મોક્ષ સધાય, અને શ્રીજીમહારાજની સ્વરૂપનિષ્ઠાનું બળ વૃદ્ધિ પામે, એ હેતુથી આ વચનામૃત પરની ટીકા પ્રથમ અમોએ છપાવી પ્રસિદ્ધ કરેલ છે.
આ ગ્રંથ સાથે ગ્રંથસ્થ વિષયોની એક વિશુદ્ધ અનુક્રમણિકા પણ જોડવામાં આવી છે. અભ્યાસીને આ અનુક્રમણિકા બહુ જ ઉપયોગી થઈ પડે તેવી છે, કેમ જે તેમાં સર્વે વચનામૃતોમાં તથા ‘રહસ્યાર્થ પ્રદીપિકા’ ટીકામાં જેટલા વિષયો-જેટલી બાબતો રહેલી છે, તે સર્વેનો અકારાદિ ક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વચનામૃતરૂપી મહાસાગરમાંથી અમૂલ્ય સિદ્ધાંતરૂપી રત્નો કાઢવા માટે કુશળ તારુની-મહાન અભ્યાસની આવશ્યકતા હંમેશાં રહેતી હતી, પરંતુ આ અનુક્રમણિકા પરથી ગમે તે જિજ્ઞાસુ ગમે તે બાબત ઘણી સહેલાઈથી શોધી શકે છે. આ અનુક્રમણિકામાં જે બાબત જે વચનામૃતમાં હોય છે, તે વચનામૃતનો આંક આપવા ઉપરાંત તે કિયા પ્રશ્ન તથા કઈ બાબતમાં છે તેના પણ આંક આપવામાં આવ્યા છે. વળી ટીકામાં રહેલા વિષયોની પણ જુદી અનુક્રમણિકા કરવામાં આવી છે. તેમાંથી પણ જે બાબત શોધવી હોય તે ટીકાની અનુક્રમણિકા જોવાથી કિયા વચનામૃતની ટીકાના કિયા પ્રશ્નોત્તરમાં છે તે ઘણી સરળતાથી જાણી શકાય છે.
આ પુસ્તકમાં વપરાયેલા શબ્દોની સંકેત સૂચી નીચે આપેલી છે :
પર. – પરથારો
પ્ર. – પ્રથમ પ્રકરણ
સા. – સારંગપુર પ્રકરણ
કા. – કારિયાણી પ્રકરણ
લો. – લોયા પ્રકરણ
પં. – પંચાળા પ્રકરણ
મ. – મધ્ય પ્રકરણ
વ. – વરતાલ પ્રકરણ
અ. – અમદાવાદ પ્રકરણ
અશ્લા. – અશ્લાલી પ્રકરણ
જે. – જેતલપુર પ્રકરણ
છે. – છેલ્લું પ્રકરણ
પ્રદી. – પ્રદીપિકા
આ પુસ્તક શોધવામાં તેમ જ અનુક્રમણિકા વગેરે તૈયાર કરવામાં સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજીની સાથે રહી પુરાણી ધર્મકિશોરદાસજીએ જે અમૂલ્ય સેવા બજાવી છે તે માટે શ્રીજીમહારાજ તથા તેમના અનાદિમુક્ત તથા સંત-હરિભક્તો તેમના પર પ્રસન્ન થાઓ એમ અમારી પ્રાર્થના છે. આ પ્રમાણે આ પુસ્તક તૈયાર કરવામાં અથાક પ્રયાસ લેવામાં આવ્યો છે, છતાં કોઈ કોઈ સ્થળે ખામી રહી જવા પામી હોય તો સુજ્ઞ વાચકો તેને હંસ-ક્ષીર ન્યાયે સુધારી વાંચશો એવી આશા છે. આ પુસ્તક વાંચી સૌ સંત હરિભક્તો દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજનો દિવ્ય આનંદ મને પ્રાપ્ત થાય એવા રૂડા આશીર્વાદ આપશો એવી પ્રાર્થના છે.
અમદાવાદ
સં. ૧૯૮૨
કાર્તિક સુદિ પૂર્ણિમા
મૂળ પ્રસિદ્ધકર્તા
સત્સંગ સેવક
પરીખ બળદેવદાસ વલ્લભદાસના
જય શ્રી સ્વામિનારાયણ
|| ——-x——- ||