[raw]
લોયા : ૧૪
સંવત 1877ના માગશર વદિ 11 એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી, તથા ધોળો ખેસ પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,
તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઊતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બેય સરખા જણાય છે અને એ ત્રણે અવતાર કરતાં કોટીગણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે ને એમ જાણીએ છીએ જે બીજા સર્વે અવતાર કરતાં આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને આમાં અવતાર-અવતારી એવો ભેદ નથી જણાતો અને બીજા જે મચ્છ-કચ્છાદિક તે ભગવાનના જ અવતાર છે પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે ને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે, ને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરૂષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા તે નારાયણનાં દર્શન કરે છે, એવા જે મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનને વિષે તેજનું અતિશેપણું છે તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થાતાં ત્યારે અમને અતિશે કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિનાં દર્શને કરીને જ અતિ સુખ થાય છે, અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે, તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે એ બહુ ઠીક કરે છે.(બા.૨)
અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે, જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષ્યા, દંભ, કપટ ઇત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠ્યા-ઊઠ્યાની સુવાણ થાય છે અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહિ; તેની તો ઉપેક્ષા રહે છે.(બા.૩)
અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ, માન, ઈર્ષ્યા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે, કાં જે કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધ, માન ને ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જાતા દેખાય છે, માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે, તે માન તે શું તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહિ.(બા.૪)
અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે, જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તે બ્રહ્મને અમે પોતાનું સ્વરૂપ જાણીએ છીએ, તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર-અક્ષરથી પર જે પુરૂષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરૂષોત્તમ ભગવાનને વિષે તો અમારે ઉપાસના છે, તથા ગોપીઓના જેવી તો એ પુરૂષોત્તમ ભગવાનને વિષે અમારે ભક્તિ છે, તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે ને આત્મનિષ્ઠા છે, એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુએ તો જે બુદ્ધિમાન હોય તેના જાણ્યામાં આવે છે, એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી અને પોતે તો સાક્ષાત્ પુરૂષોત્તમ નારાયણ છે.(બા.૫)
ઇતિ વચનામૃતમ્ || 14 || (122)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને ત્યાગ ગમે છે પણ વૈભવ ભોગવવા ગમતા નથી. (1) અને અમારા ઘણા અવતાર થયા છે તેમાં દત્ત-કપિલથી ઋષભદેવ અધિક છે અને તેથી શ્રીકૃષ્ણ કોટીગણા અધિક છે અને આ અવતાર એટલે અમે બહુ સમર્થ છીએ ને અમારે વિષે અવતાર અવતારી ભેદ નથી; સર્વેના ઉપરી છીએ, અને સર્વેથી પર પરિમાણે રહિત ને અનંત એવો તેજનો સમૂહ છે તેના મધ્ય ભાગને વિષે દિવ્ય સિંહાસન ઉપર અમે દિવ્યમૂર્તિ વિરાજમાન છીએ અને ચારે કોરે અનંતકોટી મુક્ત અમારાં દર્શન કરે છે તે મુક્તે સહિત અમારાં દર્શન થાય ત્યારે જ સુખ માનવું ને અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું. એવી રીતે અમારી ઉપાસના ને ભક્તિ કરવી. (2) અને કામાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્ર જે સત્સંગીજીવન તેમાં કહ્યા તે પ્રમાણે ધર્મ પાળતો હોય ને અમારી ભક્તિએ યુક્ત હોય તેનો સંગ રાખવો ને એવો ન હોય તેની ઉપેક્ષા રાખવી, (3) અને કામી કરતાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય તેના ઉપર અમારે બહુ અભાવ રહે છે. (4) અને શંકર સ્વામી અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કરે છે તે મૂળપુરુષનું તેજ છે, ને તેથી પર વાસુદેવબ્રહ્મનું તેજ છે, ને તેથી પર મૂળઅક્ષરનું તેજ છે, ને તેથી પર ને સર્વેનું આધાર, સર્વેનું કારણ ને અદ્વૈત એવું જે અમારા તેજરૂપ બ્રહ્મ તેને પોતાનું સ્વરૂપ માનવું. ને ક્ષર–અક્ષરથી પર પુરૂષોત્તમ ભગવાન જે અમે તે અમારી સાકારપણે ઉપાસના ને ભક્તિ કરવી, ને અમારા વિના બીજેથી વૈરાગ્ય ને આત્મનિષ્ઠા રાખવી એમ કહ્યું છે. (5) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમમાં તપ કરવું તે સારું લાગે છે પણ બીજા લોકના વૈભવ નથી ગમતા એમ કહ્યું તે લોક ને વૈભવ કિયા જાણવા?
ઉ.૧ ઈંદ્રથી લઈને પ્રકૃતિપુરુષના સ્થાન સુધી સર્વે લોક જાણવા, તે લોકોમાં જે માયિક સુખ છે તે વૈભવ જાણવા, તે ગમતા નથી એમ કહ્યું છે.
પ્ર.૨ બીજી બાબતમાં ઋષભદેવ વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, એમ કહ્યું તે વાસુદેવ કિયા જાણવા?
ઉ.૨ આ ઠેકાણે મૂળપુરુષને વાસુદેવ કહ્યા છે તેના ઋષભદેવ અવતાર હતા ને એને વિષે એકાત્મતાને પામ્યા હતા.
પ્ર.૩ ઋષભદેવ કરતાં શ્રીકૃષ્ણને વિષે અધિક હેત કહ્યું તેનું શું કારણ હશે?
ઉ.૩ જે સર્વેથી મોટા હોય તેમને વિષે હેત કરવું એમ કહ્યું છે તે દત્ત-કપિલથી ઋષભદેવ મોટા છે ને તેથી શ્રીકૃષ્ણ અતિ મોટા છે અને પોતે તે સર્વેથી અતિશય મોટા છે તે સર્વ અવતાર કરતાં આ અવતાર બહુ મોટો ને બહુ સમર્થ છે એમ પોતાને સર્વેથી અત્યંત મોટા કહ્યા છે તે માટે પોતાને વિષે જ હેત કરવું એમ સૂચવ્યું છે.
પ્ર.૪ અમારે વિષે અવતાર-અવતારી એવો ભેદ નથી એમ શ્રીજીમહારાજે કહ્યું તેમાં શું સમજવાનું હશે?
ઉ.૪ જેમ બીજા અવતારો છે તે પોતાના ઉપરીના અવતાર છે ને પોતાના નીચેના જે અવતાર તેના અવતારી છે, તેમ અમે અવતાર નથી; અમે તો અવતારી જ છીએ પણ અવતાર-અવતારી એવા બે ભેદ અમારે વિષે નથી એમ કહ્યું છે. તે મચ્છ-કચ્છાદિકથી લઈને મૂળઅક્ષર સુધી સર્વે અવતાર કહેવાય અને અવતારી પણ કહેવાય, તેમાં મચ્છથી લઈને રામાવતાર સુધી સર્વે શ્રીકૃષ્ણના અવતાર કહેવાય ને શ્રીકૃષ્ણ એમના અવતારી કહેવાય અને વાસુદેવબ્રહ્મના શ્રીકૃષ્ણ અવતાર કહેવાય અને વાસુદેવબ્રહ્મ તે શ્રીકૃષ્ણના અવતારી કહેવાય અને મૂળઅક્ષરના અવતાર વાસુદેવને કહેવાય, ને મૂર્તિમાન મૂળઅક્ષરને વાસુદેવબ્રહ્મના અવતારી કહેવાય અને શ્રીજીમહારાજના અવતાર મૂળઅક્ષરને કહેવાય, ને શ્રીજીમહારાજ સર્વેના અવતારી કહેવાય, પણ કોઈના અવતાર નથી એટલે કોઈ અમારો ઉપરી નથી એમ કહ્યું છે.
પ્ર.૫ અક્ષરધામમાં સિંહાસન કહ્યું તે શી વસ્તુ હશે?
ઉ.૫ શ્રીજીમહારાજની મૂર્તિનું તેજ છે તે સિંહાસનરૂપે શોભા આપે છે.
પ્ર.૬ ચોથી બાબતમાં કામ કરતાં ક્રોધ, માન ને ઈર્ષ્યા એ ત્રણને ભૂંડાં કહ્યાં ને (પ્ર. 76/2માં) એ ત્રણે કરતાં કામને ભૂંડો કહ્યો તેનું શું કારણ હશે?
ઉ.૬ સત્સંગમાં ક્રોધ-માનાદિક ન રાખે તે કરતાં કામીને ભૂંડો કહ્યો છે અને શ્રીજીમહારાજના ભક્ત આગળ માન, ક્રોધ ને ઈર્ષ્યા રાખે તેથી કામી સારો કહ્યો છે, કેમ જે માનીથી શ્રીજીમહારાજ તથા એમના ભક્તનો દ્રોહ થઈ જાય એવા માનીને કામી કરતાં ભૂંડો કહ્યો છે.
પ્ર.૭ પાંચમી બાબતમાં શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તે બ્રહ્મને શ્રીજીમહારાજે પોતાનું સ્વરૂપ માનવાનું કહ્યું ને રામાનુજે ક્ષર-અક્ષરથી પર પુરૂષોત્તમ કહ્યા તે પુરૂષોત્તમની ઉપાસના કરવાની કહી તે શંકર સ્વામીએ જે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તે બ્રહ્મ તો મૂળપુરુષનું તેજ છે અને રામાનુજાચાર્યે પણ મૂળપુરુષને જ પુરૂષોત્તમ કહ્યા છે અને શ્રીજીમહારાજે તે અદ્વૈતબ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવાનું કહ્યું ને રામાનુજાચાર્યે જેને પુરૂષોત્તમ કહ્યા તેની ઉપાસના કરવી એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૭ જેમ શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મથી પર કોઈ નથી એમ જાણીને તેનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાચાર્યે મૂળપુરુષથી પર કોઈ નથી એમ જાણીને એમને પુરૂષોત્તમ માનીને એમની ઉપાસના કરવાનું કહ્યું છે, તેમ અમારા ભક્તોએ અમારા તેજરૂપ બ્રહ્મને મૂળઅક્ષરાદિક સર્વેથી પર જાણીને તે બ્રહ્મરૂપ પોતાને માનવું અને અમને એ બ્રહ્મથી પર ને એ બ્રહ્મના કારણ પરબ્રહ્મ પુરૂષોત્તમ જાણીને અમારી ઉપાસના કરવી. અને જેમ ગોપીઓને શ્રીકૃષ્ણનેવિષે પ્રીતિ હતી તેવી પ્રીતિ અમારે વિષે કરવી, અને જડભરત તથા શુકજીએ સર્વેથી પર શ્રીકૃષ્ણને જાણીને તે વિના બીજેથી વૈરાગ્ય પામીને પ્રીતિ ટાળી નાખી હતી અને આત્મારૂપે વર્તતા હતા, તેમ અમારા ભક્તોએ અમને સર્વેથી પર ને સુખદાયી જાણીને અમારા વિના બીજેથી પ્રીતિ ટાળીને વૈરાગ્ય દૃઢ કરવો.
|| ——-x——- ||
[/raw]