[raw]
વરતાલ : ૨
સંવત 1882ના કાર્તિક સુદિ 13 તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પીળા તાસતાનો સુરવાળ પહેર્યો હતો, તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી, તથા મસ્તક ઉપર જરકસી છેડાની કસુંબલ પાઘ બાંધી હતી, તથા જરકસી છેડાનું કસુંબલ શેલું ખભે નાખ્યું હતું, અને પાઘને ઉપર ચંપાના પુષ્પના હાર વિરાજમાન હતા, ને કંઠને વિષે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો.
પછી ગામ બુવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 2 || (202)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં અમને અરૂપ ને અકર્તા કહે ને અમારા વિના બીજા કાળાદિકને કર્તા કહે તે અમારી ચંદન-પુષ્પાદિકે પૂજા કરે, તો પણ તે અમારો દ્રોહી છે, અને અમને મૂર્તિમાન ને સર્વ કર્તા-હર્તા સમજે તે સેવા માનીએ છીએ ને રાજી થઈએ છીએ. (1) અને પરોક્ષ શાસ્ત્રને દૃષ્ટાંતે કરીને તે શાસ્ત્રનાં નામપૂર્વક પોતાના સ્વરૂપને સમજવાની રીત કહી છે, જે વેદમાં ભગવાનનું સ્વરૂપ નારાયણે કહ્યું, પણ સમજાય એવું નથી અને સાંખ્ય શાસ્ત્રે ચોવીશ તત્વથી પર પરમાત્માને કહ્યા છે અને યોગ શાસ્ત્રે તત્વથી પર જીવ-ઈશ્વરને કહીને તેથી પર પરમાત્માને કહ્યા છે, પણ યથાર્થ જ્ઞાન થયું નથી, અને પંચરાત્ર શાસ્ત્રે ભગવાનને સાકાર મૂર્તિમાન અક્ષરધામમાં પાર્ષદોએ સહિત છે. અને સર્વ અવતારનું ધારણ કરે છે એમ કહ્યું છે, માટે અમારા ભક્તોએ અમને જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તે સર્વેથી પર સમજવા તે સાંખ્ય વિચાર જાણવો અને યોગશાસ્ત્ર જીવ-ઈશ્વરથી પર પરમાત્માને કહે છે તેમ પ્રધાનપુરુષ સુધી જીવ અને મૂળઅક્ષર સુધી ઈશ્વર ને તેથી પર અમારા તેજરૂપ બ્રહ્મ, તે બ્રહ્મથી પર અમને જાણીને અમારું ધ્યાન કરવું, અને વેદ કોઈક ભગવાન છે એમ કહે છે તે અમે આ પ્રત્યક્ષ છીએ, એમ જાણવું. અને પંચરાત્રશાસ્ત્ર સદા સાકાર ને સર્વ કર્તા કહે છે તેવી રીતે અમને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વના કર્તા-હર્તા ને સર્વ અવતારો માત્રના અવતારી, સર્વને સુખદાતા સર્વોપરી સમજવા. અને અમારી ભક્તિ કરવી અને અમારી પ્રતિમાની પૂજા-આરતી કરવી ને થાળ જમાડવા, પોઢાડવા એવી રીતે સેવા કરવી. આવી રીતે સમજે તે જ જ્ઞાની ભક્ત છે ને તે ઉપર અમે રાજી થઈએ છીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં કાળ-કર્માદિકને કર્તા જાણે તેને દ્રોહી કહ્યો તે કેવી રીતે સમજે તો કાળાદિકને કર્તા જાણ્યા કહેવાય?
ઉ.૧ પ્રલયના કર્તા કાળને જાણે, પણ શ્રીજીમહારાજની પ્રેરણાથી કરે છે એમ ન જાણે તેણે કાળને કર્તા જાણ્યો કહેવાય. અને આ જગતની ઉત્ત્પત્તિકર્તા માયાને જાણે, પણ શ્રીજીમહારાજની પ્રેરણાથી કરે છે એમ ન જાણે તેણે માયાને કર્તા જાણી કહેવાય. અને કર્મે કરીને જ સુખ-દુઃખ ભોગવાય છે, ને મોક્ષ થાય છે, એમ જાણે, પણ શ્રીજીમહારાજને કર્મફળપ્રદાતા ને મોક્ષ કર્તા ન જાણે તેણે કર્મને કર્તા જાણ્યું કહેવાય. અને આ જગતની ઉત્ત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તે સ્વાભાવિક જ થયા કરે છે એમ જાણે પણ તેના કર્તા શ્રીજીમહારાજને ન જાણે તેણે સ્વભાવને કર્તા જાણ્યો કહેવાય.
પ્ર.૨ બીજી બાબતમાં વેદમાં ભગવાનનું સ્વરૂપ નારાયણે કહ્યું છે એમ કહ્યું તે નારાયણ કિયા જાણવા? અને ભગવાન કિયા જાણવા?
ઉ.૨ આ ઠેકાણે મૂળપુરુષને નારાયણ કહ્યા છે. અને તેમણે પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું છે, અને વેદમાં તેમને જ ભગવાન કહ્યા છે.
પ્ર.૩ વાસુદેવ ભગવાને પંચરાત્રતંત્ર કર્યું એમ કહ્યું તે વાસુદેવ કિયા જાણવા? અને તેમણે શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ ભગવાન કહ્યા તે ભગવાન કિયા જાણવા? અને તેમનું અક્ષરધામ કહ્યું તે કિયું જાણવું?
ઉ.૩ મૂળપુરુષના ઉપરી જે વાસુદેવબ્રહ્મ છે તેમણે પંચરાત્રતંત્ર કર્યું છે અને શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ ભગવાન તે પોતાને જ કહ્યા છે. અને (અ. 7/1માં) જે બ્રહ્મપુર નામે ધામ કહ્યું છે તેને જ આ ઠેકાણે અક્ષરધામ નામે કહ્યું છે. અને એ જ વાસુદેવ પોતે બ્રહ્મપુરમાં રહ્યા થકા નિરન્ન મુક્તોને શ્વેતદ્વીપમાં પાંચ વખત દર્શન આપે છે. અને રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે, અને વાસુદેવાદિક ચતુર્વ્યૂહ રૂપે વર્તે છે એમ કહ્યું છે તે તો મહત્તત્વ જે વાસુદેવ ને તેથી ઉત્પન્ન થયા જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ તે રૂપે થાય છે એટલે તેમાં અંતર્યામી શક્તિદ્વારે પ્રવેશ કરે છે એમ કહ્યું છે, અને વાસુદેવ કોને કોને કહેવાય છે? તેનો ખુલાસો (પં. 2ના 4 પ્રશ્નોત્તરમાં) છે.
પ્ર.૪ વાસુદેવબ્રહ્મને શ્રીકૃષ્ણથી પર ને તેના કારણ આમાં તો કહ્યા પણ બીજે ક્યાં કહ્યા હશે?
ઉ.૪ (કા. 10ના 1/4 પહેલા પ્રશ્નમાં) પ્રકૃતિપુરુષથી પર બ્રહ્મ કહ્યા છે તે વાસુદેવને કહ્યા છે ને (લો. 12ના પહેલા પ્રશ્નમાં) શ્રીકૃષ્ણ જેવા શ્રીજીમહારાજને જાણે તેનો નિર્વિકલ્પમાં કનિષ્ઠ નિશ્ચય કહ્યો છે, અને શ્વેતદ્વીપપતિ વાસુદેવ જેવા જાણે તેને નિર્વિકલ્પમાં મધ્યમ કહ્યો છે. અને (પં. 6/1માં) શ્રીકૃષ્ણના અવતારી વાસુદેવને કહ્યા છે. અને એમનું ધામ ગોલોક ધામથી પર બ્રહ્મપુર નામે (અ. 7/1માં) કહ્યું છે, માટે વાસુદેવબ્રહ્મ શ્રીકૃષ્ણના અવતારી, કારણ ને નિયંતા છે.
પ્ર.૫ નારાયણ નામે કોને કોને કહેવાતા હશે?
ઉ.૫ વિષ્ણુથી લઈને વૈરાજપુરુષ, પ્રધાનપુરુષ, મૂળપુરુષ, નરનારાયણ, વાસુદેવ, મૂળઅક્ષર, એ સર્વેને નારાયણ કહેવાય, એ સર્વેના સ્વામી શ્રીજીમહારાજ છે, માટે શ્રીજીમહારાજને સ્વામિનારાયણ કહેવાય છે.
પ્ર.૬ બીજી બાબતમાં વાસુદેવ ભગવાને પંચરાત્ર શાસ્ત્ર કર્યું તેમાં વાસુદેવનું જ પ્રતિપાદન છે એમ કહ્યું અને પછીથી પાંચે શાસ્ત્ર શ્રીકૃષ્ણનું પ્રતિપાદન કરે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૬ પાછળથી પણ શ્રીકૃષ્ણનારાયણ અને વાસુદેવનું પ્રતિપાદન એ પાંચ શાસ્ત્ર કરે છે એમ ભેળું કહ્યું છે તેમાં પંચરાત્ર વાસુદેવનું પ્રતિપાદન કરે છે, ને બીજા ચાર શાસ્ત્ર શ્રીકૃષ્ણનું પ્રતિપાદન કરે છે એમ સમજવું.
|| ——-x——- ||
[/raw]