[raw]
શ્રીજીમહારાજના વચનામૃતનો પરથારો
पातुं धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्ति धर्माङ्गतो
जातायोत्तरकोशलेषु दयया सर्वेश्वरेशाय च ।
तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजैर्निजानां मुहुः
तस्मै श्रीहरयेऽनमोस्तु सहजानंदाय सद्वर्णिने ॥१॥
ज्ञानेन धर्मेण युतां विरक्त्या माहात्म्यबोधेन च यो निजस्य ।
प्रवर्त्तयामास भुवि स्वभक्तिं स श्रीहरिर्नोऽस्तु मतिप्रदाता ॥ २ ॥
अज्ञान संज्ञं गहनांधकारं निजाश्रितस्वान्तगुहागतं यः ।
अपाहरज्ज्ञानदिवाकरः श्री धर्माङ्गजन्मा जयति प्रभुः सः ॥३॥
प्रोक्तानि यानीह वचोऽमृतानि श्रीस्वामिना तेन निजाश्रितेभ्यः ।
तेषां लिखामः कतिचित्तदीय तुष्ट्यै यथा बुद्धि श्रुतं च ॥४॥
तत्रादौ श्रीहरेस्तस्य जन्मादि चरितं शुभं
कथयामः समासेन तदीयानंददायकम् ॥५॥
શ્રી ગોલોકના મધ્યને વિષે ભગવાનનું અક્ષરધામ છે, તે કેવું છે તો કોટી કોટી સૂર્ય, ચંદ્ર ને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે, ને દિવ્ય છે, ને અત્યંત શ્વેત છે, ને સચ્ચિદાનંદરૂપ છે, અને જેને બ્રહ્મપુર કહે છે, અમૃતધામ કહે છે, પરમપદ કહે છે, અનંત અપાર કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ કહે છે.(બા.૧)
એવું જે એ અક્ષરધામ તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે, તે કેવા છે તો જેને પુરુષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ કહે છે. અને વળી તે ભગવાન કેવા છે તો ક્ષર-અક્ષર થકી પર છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ છે, નિર્ગુણ છે, સ્વપ્રકાશ છે, સ્વતંત્ર છે, અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત, તેમને ઉપાસના કરવા યોગ્ય છે, અને અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તે રૂપ છે લીલા જેમની એવા છે, અને પ્રકૃતિપુરુષ, કાળ, પ્રધાનપુરુષ ને મહત્તત્ત્વાદિક એ જે પોતાની શક્તિઓ તેના પ્રેરક છે, અને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, સદાય કિશોરમૂર્તિ છે, ને કોટી કોટી કંદર્પ સરખા સુંદર છે, ને નવીન મેઘ સરખો શ્યામ છે વર્ણ જેમનો એવા છે, અને અમૂલ્ય ને દિવ્ય એવાં જે નાના પ્રકારનાં વસ્ત્ર ને આભૂષણ તેણે યુક્ત છે, અને કાનને વિષે મકરાકાર કુંડળ ધરી રહ્યા છે, ને મસ્તકને વિષે નાના પ્રકારના રત્ને જડિત એવો મુગટ તેને ધરી રહ્યા છે, અને શરદૠતુનું જે કમળ તેની પાંખડી સરખાં અણિયાળાં છે નેત્રકમળ જેમનાં એવા છે, અને રૂડું એવું જે સુગંધીમાન ચંદન તેણે કરીને ચર્ચ્યાં છે અંગ જેમનાં એવા છે, અને મધુરે સ્વરે કરીને વેણુને વજાડે છે અને રાધિકાજી ને લક્ષ્મીજી તેમણે પૂજ્યા છે, અને મૂર્તિમાન એવાં જે સુદર્શનાદિક આયુધ તથા નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે અસંખ્ય પાર્ષદ તેમણે સેવ્યા છે, અને કોટી કોટી સૂર્ય-ચંદ્ર સરખા પ્રકાશે યુક્ત છે મૂર્તિ જેમની એવા છે, અને અનંત કોટી એવા જે કલ્યાણકારી ગુણ તેણે યુક્ત છે, અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યાદિક જે ઐશ્વર્ય તથા અણિમાદિક જે સિદ્ધિઓ તેમણે સેવ્યાં છે ચરણકમળ જેમનાં એવા છે, અને મૂર્તિમાન એવા જે ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે, અને વાસુદેવાદિક જે ચતુર્વ્યૂહ, તથા કેશવાદિક જે ચોવીશ મૂર્તિઓ તથા વારાહાદિક અવતાર એ સર્વના ધરનારા છે. એવા જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તે જે તે આ જે પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેણે યુક્ત થકા પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવવાને અર્થે શ્રી નરનારાયણ ૠષિને રૂપે કરીને પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિષે પ્રગટ થતા હવા, અને પછી શ્રી નરનારાયણ જે તે પૃથ્વીને વિષે મનુષ્ય જે તેમના કલ્યાણને અર્થે તપ કરવા સારુ ધર્મના આશ્રમ થકી બદરિકાશ્રમ પ્રત્યે જતા હવા, અને તે બદરિકાશ્રમને વિષે સનાતન એવા ને લોકોના સ્વામી એવા ને અતિશે કૃશ એવા, ને નાડીએ કરીને વ્યાપ્ત છે શરીર જેમનું એવા, ને પોતાનું જે તેજ તેણે કરીને દેવતા જે તેમણે પણ દુઃખે કરીને દર્શન કરવા યોગ્ય એવા, ને મુનિનાં છે રૂપ જેમનાં એવા, ને પરમ ઉદાર એવા, ને ભરતખંડની સમગ્ર જે પ્રજા તેને સુખના દેનારા એવા, ને અતિશે દયાળુ એવા જે શ્રી નરનારાયણ તે જે તે અતિશે ઉગ્ર એવું જે તપ તેને કરીને, તે તપનું જે ફ્ળ તેને સમગ્ર એવી જે ભરતખંડની પ્રજા તેને આપે છે, અને વળી તેના તે જ સમગ્ર એવું જે જગત તેના આધાર એવા જે શ્રી નરનારાયણ તે જે તે પૃથ્વીનો જે ભાર તેને ઉતારવાને અર્થે દ્વાપર ને કળિની સંધિને વિષે યદુકુળ ને કુરુકુળને વિષે પ્રગટ થતા હવા. તેમાં નારાયણ જે તે મથુરાને વિષે વસુદેવ થકી દેવકીને વિષે પ્રગટ થયા, અને નર જે તે કુરુકુળને વિષે પ્રગટ થયા, અને એ બે ભાઈ જે તે પૃથ્વીનો ભાર ઉતારીને ભક્તજનને મનવાંછિત એવાં જે સુખ તેને દેતા હવા, અને વળી તેના તે જ નરનારાયણ જે તે પોતાના એકાંતિક ભક્ત જે ધર્મ, ભક્તિ ને મરીચ્યાદિક ૠષિ તેમની રક્ષા કરવાને અર્થે, ને તેમને સુખ આપવાને અર્થે, અને અનેક જીવોના કલ્યાણ કરવાને અર્થે, અને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે કોશળ દેશને વિષે પ્રગટ થતા હવા.(બા.૨)
હવે એ નારાયણ ૠષિ જેવી રીતે પ્રગટ થયા છે તે સંક્ષેપે કરીને કહીએ છીએ. એક સમયે મરીચ્યાદિક ૠષિ જે તે બદરિકાશ્રમને વિષે નરનારાયણ ભગવાનનાં દર્શન કરવા સારુ આવતા હવા. તે વાતને સાંભળીને ધર્મદેવ પણ પોતાની સ્ત્રી જે મૂર્તિ તેણે સહિત થકા, શ્રી નરનારાયણનાં દર્શન કરવા આવ્યા પછી તે ૠષિની સભાને વિષે ઉદ્ધવે સહિત બેઠા એવા જે શ્રી નરનારાયણ ૠષિ તેનું દર્શન કરીને શ્રી નરનારાયણે માન્યા થકા ધર્મદેવ જે તે, તે સભાને વિષે બેસતા હવા, અને મરીચ્યાદિક ૠષિએ શ્રી નરનારાયણ ૠષિ આગળ પ્રથમ કરી હતી જે ભરતખંડના વૃત્તાંતની વાર્તા તેને શ્રી નરનારાયણ ૠષિના મુખારવિંદ થકી એકાગ્રચિત્ત થઈને ધર્મદેવ જે તે સાંભળતા હતા, તથા તે ૠષિ ને ઉદ્ધવ તે પણ તે વાર્તાને એકાગ્રચિત્ત થઈને સાંભળતા હતા, તે સમયમાં કૈલાસ પર્વત થકી દુર્વાસા ૠષિ જે તે શ્રી નરનારાયણ ૠષિને દર્શને આવ્યા તેનું કોઈથી સન્માન થયું નહિ. માટે તે દુર્વાસા ૠષિ તો એ ધર્માદિક સર્વેને શાપ દેતા હવા જે, મારા અપમાનના કરનારા જે તમે સર્વે તે ભરતખંડને વિષે મનુષ્યપણાને પામો, ને ત્યાં અસુર થકી અપમાન ને કષ્ટને પામો. એવા શાપને સાંભળીને ધર્મદેવે ઘણી પ્રકારના વિનયયુક્ત વચને કરીને શાંતિ પમાડ્યા, એવા જે દુર્વાસા ૠષિ તે બોલ્યા જે, તમે સર્વે શ્રી નારાયણ ૠષિની વાર્તા સાંભળવાને વિષે આસક્ત હતા માટે મને ન દેખ્યો ને મારું સન્માન ન થયું, એની મને ખબર નહોતી તે સારુ મેં તમને શાપ દીધો પણ તે મારો શાપ તો નિવારણ નહિ થાય પણ તે શાપ ભેળો હું તમને અનુગ્રહ કરું છું જે, હે ધર્મદેવ! તમે ને આ તમારી સ્ત્રી મૂર્તિ તે બ્રાહ્મણના કુળને વિષે મનુષ્ય દેહ ધરશો, ને ત્યાં આ શ્રી નારાયણ ૠષિ જે તે તમારા પુત્ર થશે, તે તમને ને આ ૠષિઓને મારા શાપ થકી મુકાવશે ને અસુરના કષ્ટ થકી તમારી સર્વેની રક્ષા કરશે. એમ કહીને દુર્વાસા ૠષિ તો પાછા કૈલાસ પર્વતમાં ગયા.
પછી શ્રી નારાયણ ૠષિ જે તે ધર્માદિક સર્વે પ્રત્યે બોલતા હવા જે, અપરાધ વિના જે આ શાપ તમને થયો તેને જો હું ટાળવાને ઇચ્છુ તો હું સમર્થ છું, તે ટળી જાય પણ હમણાં ભરતખંડને વિષે કળિયુગના બળને પામીને અધર્મ ને અસુર તે બહુ વૃદ્ધિને પામ્યા છે તેમના નાશને અર્થે મારી ઇચ્છાએ કરીને જ એ શાપ થયો છે તે મેં અંગીકાર કર્યો છે. માટે હે ધર્મદેવ! હું જે તે હરિકૃષ્ણ નામે તમારો પુત્ર થઈને તે અસુરનો ને અધર્મનો નાશ કરીશ, ને તમારી સર્વેની રક્ષા કરીશ, ને પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ, માટે તમે કાંઈ ચિંતા રાખશો મા ને પૃથ્વીને વિષે સર્વે મનુષ્ય દેહને ધારો. એવાં વચન સાંભળીને શ્રી નારાયણ ૠષિને નમસ્કાર કરીને ધર્માદિક સર્વે જે તે મનુષ્ય દેહ ધરવાને અર્થે પૃથ્વી પ્રત્યે જતા હવાં.(બા.૩)
ને હવે ધર્મ ને મૂર્તિ જેવી રીતે પ્રગટ થયાં છે તે કહીએ છીએ. જે કોશળ દેશને વિષે ઇટાર નામે પુર છે તેમાં સરવરિયા બ્રાહ્મણ સામવેદી પાંડે બાળશર્મા નામે હતા તે થકી ભાગ્યવતી નામે જે તેની પત્ની તેને વિષે ધર્મદેવ જે તે સંવત ૧૭૯૬ સત્તરસો ને છન્નુના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસે મધ્યાહ્ન પછી પ્રગટ થતા હવા, અને પિતા જે તે વિધિએ કરીને તેમના જાત-કર્માદિક સંસ્કારને કરતા હવા, ને બારમે દિવસે દેવશર્મા એવું નામ ધરતા હવા. અને તે કોશળ દેશને વિષે જ છપૈયા નામે ગામમાં ત્રવાડી કૃષ્ણશર્મા નામે બ્રાહ્મણ તે થકી ભવાની નામે જે તેની પત્ની તેને વિષે મૂર્તિ જે તે સંવત ૧૭૯૮ સત્તરસો અઠ્ઠાણુંના કાર્તિક સુદિ ૧૫ પૂનમને દિવસે સાયંકાળે પ્રગટ થતાં હવાં. તે પછી દિવસે દિવસે મોટાં થયાં ને શ્રીકૃષ્ણ ભગવાનની અતિશે ભક્તિ કરવા લાગ્યાં માટે ‘ભક્તિ’ એવા નામને પામતાં હવાં. પછી એ ભક્તિના પિતા કૃષ્ણશર્મા તે જે તે પોતાની પુત્રી જે ભક્તિ તેનો ધર્મના અવતાર જે દેવશર્મા તે સાથે યથાવિધિ વિવાહ કરતા હવા, ને એ જે પોતાના જમાઈ તેને પોતાના ગામમાં પોતાને ઘેર રાખતા હવા. પછી તે દેવશર્મા જે તે ભક્તિ જે પોતાની પત્ની તેણે સહિત ગૃહસ્થાશ્રમના જે ધર્મ તેને આશરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરતાં હવાં અને પોતે ધર્મને વિષે અતિ દ્રઢપણે વર્ત્યા તેને જોઈને સર્વે લોક જે તે ‘ધર્મ’ એવે નામે કરીને જ બોલાવતા હવા. પછી એ ધર્મભક્તિને અસુર થકી અતિશે કષ્ટ થયું, તેના નિવારણને અર્થે તે ધર્મભક્તિ જે તે વૃદાવનમાં જઈને મરીચ્યાદિક ૠષિએ યુક્ત થકાં શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના કરતાં હવાં. તેણે કરીને તે ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા ને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને ધર્મભક્તિ પ્રત્યે બોલતા હવા જે, હે ધર્મભક્તિ! તમને કષ્ટના દેનારા જે અસુર તેમને પૂર્વે મેં કૃષ્ણાવતારને વિષે માર્યા હતા તે મારા ઉપર એમને વૈર છે, માટે તમને મારા જાણીને પીડે છે. તે અસુરના નાશને અર્થે હું જે તે નારાયણ ૠષિરૂપે તમથકી પ્રગટ થઈને, હરિકૃષ્ણ નામે વિખ્યાત થઈશ, ને તમારી ને ૠષિની અસુરના કષ્ટ થકી રક્ષા કરીશ, ને તમને દુર્વાસાનો શાપ થયો છે તે ભેળો મને પણ શાપ થયો છે, માટે તમને તે શાપ થકી મુકાવીશ ને અસુરનો ને અધર્મનો ઉચ્છેદ કરીશ, ને પૃથ્વીને વિષે એકાંતિક ધર્મ પ્રવર્તાવીશ. એમ કહીને શ્રીકૃષ્ણ ભગવાન જે તે અંતર્ધાન થઈ જતા હવા. પછી ધર્મભક્તિ અતિ આનંદને પામીને ત્યાંથી પાછાં પોતાને ગામ આવીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિને કરતાં હવાં અને એવી રીતે એ ધર્મને ભગવાન પ્રસન્ન થયા માટે સર્વે જન જે તે તેમને ‘હરિપ્રસાદ’ નામે કરીને બોલાવતા હવા.(બા.૪)
પછી કરુણાનિધિ એવા ને ભગવાન કહેતાં સમર્થ એવા જે શ્રી નરનારાયણ તે જે તે જીવ જે તેમના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે મનુષ્યપણાને અંગીકાર કરવાને જ્યારે ઇચ્છતા હવા ત્યારે નરનારાયણ એવા જે એ ભગવાન તે જે તે પોતાની ઇચ્છાએ કરીને ધર્મના હૃદયકમળને વિષે વિરાજમાન થતા હવા. પછી કેટલાક માસ ગયા કેડે તે હરિપ્રસાદજી થકી ભક્તિને વિષે શ્રી પુરુષોત્તમ એવા જે નારાયણ મુનિ જે તે સંવત ૧૮૩૭ અઢારસો ને સાડત્રીશના ચૈત્ર સુદિ ૯ નવમીની રાત્રિ દશ ઘડી ગઈ ત્યારે પ્રગટ થતા હવા તે સમયમાં હરિપ્રસાદજીના ઘરને વિષે મોટો ઉચ્છવ થતો હવો અને ઇંદ્રાદિક દેવ જે તે જય જય શબ્દને કરતા થકા ને દુંદુભિને વજાડતા થકા, પુષ્પનો વરસાદ કરતા હવા અને અપ્સરાઉં જે તે નૃત્ય કરતી હવી ને ગંધર્વ જે તે ગાન કરતા હવા, અને મુનિ જે તે આશીર્વાદ દેતા હવા, અને દેવતા ને સાધુનાં જે મન તે અતિ પ્રસન્ન થતાં હવાં, અને અસુરનાં જે મન તે તત્કાળ ત્રાસને પામતાં હવાં, અને તે ગામમાં રહેનારી જે સ્ત્રીઓ તે મંગળ ગાતી હવી ને બાળરૂપ એવા જે હરિ તેને આશિષ દેતી હવી અને તે સમયને વિષે મંદ સુગંધ ને શીતળ એવા જે વાયુ તે વાતા હવા અને તારાગણે સહિત આકાશ જે તે અતિશય નિર્મળ થતું હવું, અને તે શ્રીહરિના જન્મથી તે છપૈયાપુર અક્ષરધામ તુલ્ય થતું હવું, તે વાર પછી તે હરિપ્રસાદજી જે તે, તે પોતાના પુત્રનું જે જાતકર્મ તે બ્રાહ્મણ પાસે યથાવિધિ કરાવીને બ્રાહ્મણને ઘણીક પ્રકારનાં દાન આપતા હવા. પછી જન્મથી છઠ્ઠા દિવસને વિષે કોટરા આદિક બાળગ્રહ જે તે બાળસ્વરૂપ એવા જે ભગવાન તેમને મારવા સારુ આવ્યા, તેને ભગવાન જે તે પોતાની દ્રષ્ટિમાત્રે કરીને બાળીને ભગાવી દેતા હવા. પછી ભગવાન સવાત્રણ મહિનાના થયા ત્યારે માર્કંડેય ૠષિ જે તે બ્રાહ્મણને વેષે તે હરિપ્રસાદજીને ઘેર આવતા હવા. ત્યારે હરિપ્રસાદજી જે તે, તે ૠષિનું અતિશે સન્માન કરીને તેમને જ્યોતિષી જાણીને કહેતા હવા જે, તમે અમારા પુત્રનું નામકરણ કરો, પછી તે ૠષિ જે તે રાજી થઈને નામકરણ કરતા થકા બોલ્યા જે, હે હરિપ્રસાદજી! આ તમારા પુત્ર જે તે તમારી સર્વે આપદાને હરશે, તથા જે જન એમના આશ્રિત થશે તેમની સર્વ આપદાને હરશે અને કર્ક રાશિને વિષે એમનો જન્મ છે માટે એમનું ‘હરિ’ એવું નામ થશે, અને વળી આ જે તમારા પુત્ર તેમના દેહનો કૃષ્ણવર્ણ છે તથા પોતાના આશ્રિત જનનાં જે મન તેને પોતાની મૂર્તિને વિષે તાણી લેશે તથા ચૈત્ર માસમાં જન્મ છે માટે ‘કૃષ્ણ’ એવે નામે વિખ્યાત થશે, અને એ બે નામ નોખાં નોખાં છે તો પણ એ બે ભેળાં મળીને ‘હરિકૃષ્ણ’ એવું ત્રીજું નામ પણ થશે અને આ તમારા પુત્ર જે તે ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ ને યોગ એ પાંચ ગુણે કરીને તો શિવજી જેવા થશે માટે ‘નીલકંઠ’ એવે નામે કરીને લોકને વિષે પ્રસિદ્ધ થશે અને આ જે તમારા પુત્ર તેમના હાથને વિષે પદ્મનું ચિહ્ન છે તથા પગને વિષે વજ્ર, ઊર્ધ્વરેખા ને કમળ તેનાં ચિહ્ન છે તે માટે આ તમારા પુત્ર જે તે લક્ષાવધિ મનુષ્યના નિયંતા થશે, અને આ તમારા પુત્ર જે તે કલ્યાણકારી એવા અનંતગુણેયુક્ત થશે ને તમારી સમગ્ર કષ્ટ થકી રક્ષા કરશે. એમ કહીને વિરામ પામ્યા એવા જે માર્કંડેય ૠષિ તેને હરિપ્રસાદજી જે તે ઘણીક દક્ષિણા ને ભારે ભારે નવાં વસ્ત્ર ને આભૂષણ તે આપતા હવા. પછી તે ૠષિ જે તે એક દિવસ ત્યાં રહીને પ્રયાગ તીર્થની યાત્રા કરવા સારુ ચાલી નીસરતા હવા અને તે પછી તે હરિપ્રસાદજી ને ભક્તિમાતા જે તે પોતાના પુત્રના ગુણને સાંભળીને બહુ પ્રસન્ન થતાં હવાં. પછી તે શ્રીહરિ જે તે પોતાની બાળલીલાએ કરીને પોતાનાં માતા-પિતાને ને સંબંધી જનને બહુ આનંદ ઉપજાવતા થકા બાળચંદ્રની પેઠે વૃદ્ધિને પામતા હવા. અને તે પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમે મહિને પ્રથમ પૃથ્વી ઉપર બેસારતા હવા અને સાતમે મહિને કાનને વીંધાવતા હવા. તથા એ સાતમા મહિનાને વિષે જ પ્રથમ અન્ન જમવા શીખવતા હવા અને ત્રીજું વરસ બેઠું ત્યારે ચૌળ સંસ્કાર જે ગર્ભના કેશ ઉતરાવવા તે કરાવતા હવા, અને એ જ દિવસે માયાવી એવો જે કાળીદત્ત નામે અસુર તે ભગવાનને મારવાને આવ્યો તેને ભગવાને પોતાની દ્રષ્ટિએ કરીને મોહ પમાડ્યો, તે વૃક્ષોને વિષે અથડાઈ અથડાઈને મરી જાતો હવો, અને તે પછી હરિપ્રસાદજી જે તે અસુરના ઉપદ્રવ થકી છપૈયા ગામનો ત્યાગ કરીને પોતાના કુટુંબે સહિત થકા અયોધ્યાપુરીમાં નિવાસ કરીને રહેતા હવા, અને પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમા વર્ષને વિષે પ્રથમ અક્ષર ભણવા શીખવતા હવા અને આઠમા વર્ષને વિષે ભારે ભારે સામગ્રીઓને ભેગી કરીને પોતાના પુત્રને યજ્ઞોપવીત દેતા હવા અને તે શ્રીહરિ જે તે પોતાના પિતા થકી યજ્ઞોપવીતને પામીને નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મને વિષે રહ્યા થકા વેદાધ્યયનને કરતા હવા, અને પોતાના પિતા પાસે વેદશાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર એ સર્વે ગ્રંથનું પોતે અધ્યયન કરીને તથા શ્રવણ કરીને તે સર્વેનું જે રહસ્ય તેને યથાર્થ જાણતા હવા અને એ સર્વેમાંથી પોતે ચાર સાર કાઢતા હવા; તેમાં શ્રીમદ્ ભાગવત પુરાણ થકી તો પંચમ સ્કંધ ને દશમ સ્કંધ એ સાર કાઢ્યો તથા સ્કંદપુરાણથકી વાસુદેવ માહાત્મ્ય એ સાર કાઢ્યો તથા ઇતિહાસ જે મહાભારત તે થકી ભગવદ્ગીતા, વિદુરનીતિ ને વિષ્ણુસહસ્રનામ એ સાર કાઢ્યો તથા સર્વે ધર્મશાસ્ત્ર થકી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ સાર કાઢ્યો. એવી રીતે ચાર સાર કાઢીને તેનો ગુટકો લખાવીને પોતાની પાસે નિત્યે રાખતા હવા.(બા.૫)
પછી તે શ્રીહરિ જે તે જન્મથકી અગિયાર વર્ષના થયા ત્યારે પોતાની માતા જે ભક્તિ તેને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય સહિત એવી જે ભક્તિ તેનો ઉપદેશ કરીને દિવ્ય ગતિને આપતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા અને તે પછી કેટલાક માસ ગયા તે કેડે તે શ્રીહરિ જે તે પોતાના પિતા જે હરિપ્રસાદજી તેમને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને દિવ્ય ગતિને પમાડતા હવા, ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા, અને એવી રીતે ભક્તિ-ધર્મ જે તે દિવ્ય ગતિને પામીને પછી દિવ્ય દેહે કરીને નિરંતર તે શ્રીહરિની પાસે રહેતાં હવાં.(બા.૬)
તે વાર પછી તે શ્રીહરિ જે તે પોતાનાં જે સંબંધી તેમને પૂછ્યા વિના જ નિત્યસ્નાનને મિષે કરીને તીવ્ર વૈરાગ્યના વેગ થકી પોતાના ઘરનો ત્યાગ કરીને પોતે એકલા જ ઉત્તર દિશાને વિષે તપ કરવા સારુ ચાલી નીસરતા હવા. તે પોતે કેવા છે તો બહિર્વાસે સહિત જે કૌપીન તેને ધારી રહ્યા છે ને મૃગચર્મ ધાર્યું છે ને પળાશનો દંડ ધાર્યો છે, અને શ્વેત એવું જે યજ્ઞોપવીત તેને ધાર્યું છે, ને કંઠને વિષે તુલસીની બેવડી માળા ધારી છે, ને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલકનું ચિહ્ન તે ધાર્યું છે. ને મસ્તક ઉપર જટાને ધારી રહ્યા છે, ને કેડને વિષે મુંજની મેખળા ધારી છે, ને હાથને વિષે જપમાળા, કમંડળુ, ભિક્ષાપાત્ર ને જળગરણું એટલાં વાનાંને ધારી રહ્યા છે ને શાળગ્રામ ને બાળમુકુંદનો જે બટુવો તેને ગળાને વિષે ધારી રહ્યા છે, ને ચાર સારનો જે ગુટકો તેને ખભાને વિષે ધારી રહ્યા છે, એવા વેષને ધરતા થકા શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે સરયૂ નદીને તરીને ઉત્તર દિશામાં જતા હવા. તે ચાલતે ચાલતે કેટલેક દિવસે કરીને હિમાળા પર્વતની તળેટીમાં જે એક મહા મોટું વન આવ્યું તેને પામતા હવા. પછી ત્યાંથી ચાલ્યા તે કેટલેક દિવસે કરીને હિમાળા પર્વતને પામ્યા, ને તે પર્વતને વિષે ચાલતા થકા કેટલેક દિવસે કરીને મુક્તનાથ પ્રત્યે આવીને ઉગ્ર તપ કર્યું, ને તે તપે કરીને સૂર્યનારાયણને પ્રસન્ન કરતા હવા અને ત્યાં કેટલાક માસ રહીને પછી ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલ્યા તે હિમાળા પર્વતની તળેટીમાં એક મહા ઘોર વન આવ્યું તેને વિષે બાર માસ સુધી વિચરતા હવા. પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે, તે વનને વિષે વડના વૃક્ષ તળે બેઠા ને તપને કરતા એવા જે ગોપાળયોગી તેને દેખતા હવા, ને તે યોગી પાસે રહીને અષ્ટાંગ યોગને શીખતા થકા એક વરસ સુધી રહ્યા ને તે યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને સિદ્ધ ગતિને પમાડતા હવા. અને પછી ત્યાંથી ઉત્તર મુખે ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે આદિવારાહ નામે જે તીર્થ તેને પામ્યા અને ત્યાંથી ચાલ્યા તે બંગાળ દેશને વિષે સીરપુર નામે જે શહેર તેને પામતા હવા, અને તે શહેરનો રાજા સિદ્ધવલ્લભ નામે મહા ધાર્મિક હતો તેણે પ્રાર્થનાને કર્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે ચોમાસાના ચાર મહિના સુધી ત્યાં રહેતા હવા, અને તે શહેરને વિષે કાળી ને ભૈરવ તેના ઉપાસક ને સિદ્ધપણાનું છે અભિમાન જેને એવા જે અસુર તેના મદને હરતા હવા ને પોતાનો સેવક જે ગોપાળદાસ નામે સાધુ તેની અસુરના અભિચાર થકી પોતાને સામર્થ્યે કરીને રક્ષા કરતા હવા. અને વળી તે શહેરને વિષે વેદ-શાસ્ત્ર-પુરાણનો ભણેલો એવો તૈલંગ દેશનો કોઈક બ્રાહ્મણ હતો. તેણે તે રાજા થકી હસ્તિ આદિકનું મહાદાન લીધું તેણે કરીને તે બ્રાહ્મણ ગૌરવર્ણ હતો પણ શ્યામવર્ણ થઈ ગયો. પછી તે બ્રાહ્મણ પોતાના પાપની શાંતિને અર્થે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને શરણે આવ્યો, તેને પોતાના સામર્થ્યે કરીને તે પાપ થકી મુકાવ્યો ત્યારે કાળો મટીને પ્રથમના જેવો ગૌરવર્ણો થાતો હવો. પછી ત્યાંથી ચાલ્યા જે શ્રીહરિ તે જે તે કામાક્ષી દેવીને સમીપે કોઈક ગામ હતું તેને પામ્યા, ને તે ગામમાં મહાકાળીનો ઉપાસક એક બ્રાહ્મણ હતો તે પોતાના ગામમાં જે કોઈ સાધુ તથા બ્રાહ્મણ તીર્થવાસી આવે તેને અભિચારે કરીને જીતીને પોતાના શિષ્ય કરે એવો અભિમાની હતો, તે બ્રાહ્મણ આવીને શ્રીહરિને ઉપર પોતાનું જંત્ર-મંત્ર-અભિચાર સંબંધી જે ઘણુંક સામર્થ્ય તેને કરતો હવો, પણ તેણે કરીને પોતે કાંઈ પરાભવ પામ્યા નહિ ને પોતાના સામર્થ્યે કરીને તે બ્રાહ્મણનો સમગ્ર મદ ઉતારીને પોતાનો આશ્રિત કરતા હવા. પછી શ્રીહરિ જે તે ત્યાંથી ચાલ્યા થકા નવલખા પર્વતને પામ્યા, ને તે નવલખા પર્વતને વિષે નવ લાખ સિદ્ધનાં સ્થાનક છે ને નવ લાખ ઠેકાણે અગ્નિની જ્વાળા નીસરે છે તથા પાણીના કુંડ છે, તે પર્વતને વિષે રહ્યા જે સિદ્ધ તેમને પોતાનું દર્શન આપીને તે પર્વતથી ઊતર્યા તે બાળવા કુંડ નામે જે તીર્થ તેને પામતા હવા, અને ત્યાંથી ચાલ્યા જે શ્રીહરિ તે ગંગાસાગરના સંગમને પામીને, ને ત્યાં સ્નાન કરીને પછી તે સમુદ્રની ખાડીને વહાણમાં બેસીને ઊતર્યા ને કપિલાશ્રમને પામતા હવા, ને ત્યાં નિત્યે કપિલજીનાં દર્શન કરતા થકા એક માસ સુધી રહ્યા, અને પછી ત્યાંથી ચાલ્યા તે જગન્નાથપુરી પ્રત્યે ગયા, ને ત્યાં કેટલાક માસ નિવાસ કરીને પૃથ્વીના ભારરૂપ એવા જે ઘણાક અસુર તેમને પરસ્પર વૈર કરાવીને યુદ્ધે કરીને નાશ કરાવી નાખતા હવા. પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે ત્યાંથી દક્ષિણ દિશા પ્રત્યે ચાલ્યા તે આદિકૂર્મ નામે જે તીર્થક્ષેત્ર તેને પામ્યા, ને પછી ત્યાંથી મહાવનને વિષે ચાલતા થકા માનસપુરને પામ્યા, ને તે પુરનો સત્રધર્મા નામે રાજા હતો તે પોતાનો આશ્રિત થયો, ને તે રાજા દ્વારે અસુરનો પરાભવ કરાવતા હવા, અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે વેંકટાદ્રિને પામ્યા. ને ત્યાંથી શિવકાંચી અને વિષ્ણુકાંચીને પામ્યા. ને ત્યાંથી શ્રીરંગમાં જઈને બે માસ સુધી રહેતા હવા, ને ત્યાં વૈષ્ણવ સંગાથે સંવાદ કરતા થકા તેમને વિષે રહ્યો જે દુરાચાર તેનો પોતાને પ્રતાપે કરીને ત્યાગ કરાવતા હવા. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે સેતુબંધ નામે જે તીર્થ તેને પામીને સમુદ્રને વિષે સ્નાન કરીને નિત્યે રામેશ્વર મહાદેવનાં દર્શન કરતા થકા બે માસ સુધી ત્યાં રહેતા હવા, અને પછી ત્યાંથી ચાલ્યા તે સુંદરરાજ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરીને ત્યાંથી ચાલતા થકા માર્ગને વિષે એક ઘોર વન આવ્યું તેમાં પાંચ દિવસ સુધી ચાલ્યા પણ ક્યાંય અન્નજળને ન પામ્યા, પછી છઠ્ઠે દિવસે મધ્યાહ્ન સમે વનમાં એક કૂપ આવ્યો. તેમાંથી કમંડળુએ કરીને જળને કાઢીને સ્નાન કર્યું, ને પછી વડના વૃક્ષ તળે બેસીને પોતાનો નિત્યવિધિ કરતા થકા શાળગ્રામની સેવા કરવા લાગ્યા ત્યારે તે શાળગ્રામને પાત્રમાં મૂકીને કમંડળુની ધારે કરીને સ્નાન કરાવવા માંડ્યું, તે જેટલું પાણી રેડ્યું તેટલું શાળગ્રામ પી ગયા, તે એમ કરતાં કરતાં પાંચ સાત કમંડળુ રેડ્યાં તેને પી ગયા. પછી જળ પીને તૃપ્ત થયા જાણીને તે શાળગ્રામને ચંદનાદિકે કરીને પૂજતા હવા, અને એમ વિચાર કરવા લાગ્યા જે શાળગ્રામને આટલી તરસ લાગી ત્યારે ભૂખ પણ લાગી હશે ખરી પણ આપણી પાસે કાંઈ નૈવેદ્ય ધર્યાનું નથી, માટે વિષ્ણુને શું જમાડીએ? એમ વિચાર કરે છે તેટલામાં શિવજી ને પાર્વતી પોઠિયા ઉપર બેસીને કાપડીને વેષે ત્યાં આવીને પ્રથમથી જ ઊભાં હતાં, તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને એવી રીતે શાળગ્રામની પૂજા કરતા જોઈને, તેમને સાથવો ને મીઠું આપતાં હવાં, પછી તે સાથવાને જળમાં ચોળીને વિષ્ણુને નૈવેદ્ય ધરીને પોતે જમતા હવા, અને પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ભૂતપુરીને પામ્યા ને ત્યાં રહી જે રામાનુજ આચાર્યની પ્રતિમા તેનું દર્શન તથા પૂજન કરીને ત્યાંથી કુમારિકા ક્ષેત્ર પ્રત્યે આવ્યા, ને ત્યાંથી પદ્મનાભ ગયા, ને ત્યાંથી જનાર્દન ગયા, ને ત્યાંથી આદિકેશવ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરીને મળયાચળ નામે જે કુલગિરિ તેને પામતા હવા, અને ત્યાં સાક્ષીગોપાળ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરતા થકા પાંચ દિવસ રહેતા હવા, અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે પંઢરપુર ગયા, ને ત્યાં વિઠ્ઠલનાથ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરતા થકા બે માસ સુધી રહેતા હવા. પછી તે વિઠ્ઠલનાથને ભેટીને ત્યાંથી ચાલ્યા તે દંડકારણ્યને પામ્યા, ને તે દંડકારણ્યની પ્રદક્ષિણા કરી ને નાસિકપુર પ્રત્યે આવ્યા ને ત્યાં ત્ર્યંબકેશ્વર મહાદેવનાં દર્શન કરીને તાપી નદી પ્રત્યે આવ્યા ને ત્યાંથી ચાલ્યા તે નર્મદા નદીને ઊતરીને મહી નદીને પામ્યા ને મહીને ઊતરીને તથા સાભ્રમતિ નદીને ઊતરીને ભાલ દેશને ઓલંઘીને ભીમનાથ આવતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ગોપનાથ નામે શિવજીનાં દર્શન કરીને પંચતીર્થી કરતા કરતા માંગરોળ બંદરમાં આવતા હવા. એવી રીતે તીર્થયાત્રાને કરતા એવા જે શ્રી હરિકૃષ્ણ ભગવાન તે જે તે જે જે તીર્થમાં પોતે ગયા તે તે તીર્થને વિષે રહ્યો જે અધર્મ તેનો ઉચ્છેદ કરતા હવા ને એકાંતિક ધર્મનું સ્થાપન કરતા હવા. અને તે તીર્થમાં રહેનારા જે જન તેમને પોતાનાં દર્શન આપીને તથા તેમનું અન્ન-જળાદિક ગ્રહણ કરીને તેમને સંસારના બંધન થકી છોડાવતા હવા.(બા.૭)
અને પછી ત્યાંથી ચાલ્યા, જે નીલકંઠ બ્રહ્મચારી તે જે તે સંવત ૧૮૫૬ અઢારસો છપ્પનના શ્રાવણ વદિ ૬ છઠ્યને દિવસે લોજપુરમાં આવતા હવા. અને તે લોજપુરમાં ઉદ્ધવના અવતાર એવા જે શ્રી રામાનંદ સ્વામી તેના શિષ્ય જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ તેમને દેખતા હવા ને તેમને સાધુ લક્ષણે યુક્ત એવા શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત જાણીને તે ભેળા પોતે રહેતા હવા. અને કેટલાક માસ ત્યાં રહીને પછી ત્યાંથી તે સાધુ ભેળા ચાલ્યા તે ગિરનાર પર્વતની છાયામાં જે પીપલાણું ગામ તેમાં રહ્યા જે નરસિંહ મહેતા નામે બ્રાહ્મણ તેના ઘરને વિષે વિરાજમાન એવા જે શ્રી રામાનંદ સ્વામી તેનાં દર્શન સંવત ૧૮૫૬ અઢારસો ને છપ્પનના જ્યેષ્ઠ વદિ ૧૨ દ્વાદશીને દિવસે કરતા હવા. તે રામાનંદ સ્વામી કેવા છે તો ગૌર અને પુષ્ટ છે મૂર્તિ જેમની એવા છે, ને શ્વેત વસ્ત્ર પહેર્યાં છે ને નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશને ધરી રહ્યા છે, એવા જે સ્વામી તેને સાષ્ટાંગ નમસ્કાર કરીને ને મળીને સ્વામીની પાસે બેસતા હવા. પછી તે સ્વામી જે તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને જોઈને બહુ આનંદ પામતા હવા ને તેમનું જે સર્વે વૃત્તાંત તેને પૂછતા હવા. પછી તે શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે પોતાનું જન્મસ્થાન, કુળ, માતાપિતા, ગોત્ર, વેદ, પ્રવર, ગુરુ, ઇષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હવા તથા પોતાનો જે વૈરાગ્ય તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા તથા પોતે જેમ નાના પ્રકારે તપશ્ચર્યા કરી તથા પોતે જેમ અષ્ટાંગયોગ સાધ્યો તથા પોતે જેમ તીર્થ યાત્રા કરી તથા તે તીર્થમાં રહેનારા જે પાખંડી ગુરુ તેનો પોતે જેમ પરાજય કર્યો એ આદિક જે સર્વે પોતાનું વૃત્તાંત તેને અનુક્રમે કરીને વિસ્તારે સહિત કહેતા હવા. ત્યારે તે વાર્તાને સાંભળીને સ્વામી જે તે અતિશે પ્રસન્ન થયા ને શ્રી નીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે, ‘હે બ્રહ્મચારી! તમે તો અમારા છો કેમ જે તમારા પિતા જે ધર્મ તે પ્રથમ પ્રયાગક્ષેત્રને વિષે અમથકી જ ભાગવતી દીક્ષાને પામ્યા હતા. ને અમારી આજ્ઞાએ કરીને મુમુક્ષુજનને ધર્મે સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કોશળ દેશમાં રહ્યા હતા. તે ધર્મના તમે પુત્ર છો ને ગુણે કરીને તો તમારા પિતા થકી પણ અધિક છો.’ એવી રીતનાં જે સ્વામીનાં વચન તેને સાંભળીને શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે અતિશે પ્રસન્ન થયા થકા તે સ્વામી પાસે રહેતા હવા. પછી સંવત ૧૮૫૭ અઢારસો સત્તાવનના કાર્તિક સુદી ૧૧ એકાદશીને દિવસે તે સ્વામી થકી ભાગવતી દીક્ષાનું ગ્રહણ કરતા હવા. ત્યારે તે સ્વામીએ ‘સહજાનંદ’ એવું પોતાનું નામ ધાર્યું તથા બીજું ‘નારાયણ મુનિ’ એવું નામ ધાર્યું. પછી પોતે અતિશે પ્રીતિએ કરીને તે સ્વામીને સેવતા હવા. પછી તે સ્વામી જે તે સર્વ સાધુ ગુણે સંપન્ન ને અતિ સમર્થ એવા જે નારાયણ મુનિ તેમને જોઈને અને પોતાની જે ધર્મધુર તે નારાયણમુનિને સોપીને પોતે સંવત ૧૮૫૮ અઢારસો અઠ્ઠાવનના માગશર સુદિ ૧૩ તેરસને દિવસે દેહત્યાગ કરીને પાછા બદરિકાશ્રમને વિષે જાતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાતા હવા.(બા.૮)
પછી શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના ગુરુની જે દેહક્રિયા તેને યથાવિધિ કરીને ધર્મધુરને ઉપાડી લેતા હવા ને શ્રી રામાનંદ સ્વામીના આશ્રિત જે સાધુ, બ્રહ્મચારી ને ગૃહસ્થ હતા તેમની સત્શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા. અને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમના ચિત્તને તાણી લેતા હવા. તે વાર પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ જે તે પોતાના શિષ્ય જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા કેટલાક ગૃહસ્થ સત્સંગી તેમણે વીંટાણા થકા સોરઠ, હાલાર, કચ્છ, ઝાલાવાડ, દંઢાવ્ય, કાઠિયાવાડ, ભાલ, ગુજરાત એ આદિક જે સર્વે દેશ તેમને વિષે પોતાના પ્રતાપને વિસ્તારતા થકા ને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યે યુક્ત જે ભક્તિ તેને પ્રવર્તાવતા થકા ને અધર્મનો ઉચ્છેદ કરતા થકા ને અધર્મી એવા જે પાખંડી અસુરાંશ ગુરુ તેમનો પરાભવ કરતા થકા વિચરતા હવા. અને શ્રીજીમહારાજ જે તે જે જે દેશને વિષે વિચર્યા તે તે દેશના જે જન તે શ્રીજીમહારાજના અલૌકિક ઐશ્વર્યને જોઈને ઘણાક આશ્રિત થતા હવા ને શ્રીજીમહારાજનું પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. પછી શ્રીજીમહારાજ જે તે તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દ્રઢતાને અર્થે પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હવા; તેમાં કેટલાક મનુષ્યને તો ગોલોકને મધ્યે જે અક્ષરધામ તેને વિષે લક્ષ્મી, રાધિકા ને શ્રીદામાદિક પાર્ષદે સહિત શ્રીકૃષ્ણરૂપે પોતાનું દર્શન દેતા હવા, અને કેટલાકને તો વૈકુંઠ લોકને વિષે લક્ષ્મી ને નંદસુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો શ્વેતદ્વીપને વિષે નિરન્ન મુક્તે સહિત મહાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો અવ્યાકૃત ધામને વિષે લક્ષ્મી આદિક શક્તિઓ ને પાર્ષદે સહિત ભૂમાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો બદરિકાશ્રમને વિષે મુનિએ સહિત શ્રી નરનારાયણરૂપે પોતાનું દર્શન દેતા હવા અને કેટલાકને તો ક્ષીર સમુદ્રને વિષે લક્ષ્મી ને શેષનાગે સહિત યોગેશ્વરરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો સૂર્યના મંડળને વિષે હિરણ્યમય પુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો અગ્નિમંડળને વિષે યજ્ઞપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો પ્રણવનો જે નાદ તેને તત્કાળ સંભળાવતા હવા. અને કેટલાકને તો કોટી કોટી સૂર્ય સરખું જે પોતાનું તેજ તેને દેખાડતા હવા, અને કેટલાકને તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું ને દ્રષ્ટા છે નામ જેનું એવું જે બ્રહ્મ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો બ્રહ્માંડના આધાર ને પુરુષસુક્તને વિષે કહ્યા એવા જે વિરાટપુરુષ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા, અને કેટલાકને તો ભૂગોળ ને ખગોળને વિષે રહ્યાં જે દેવતાનાં સ્થાનક ને ઐશ્વર્ય તેને દેખાડતા હવા, અને કેટલાકને તો આધારાદિક જે છ ચક્ર તેને વિષે રહ્યા એવા જે ગણેશ આદિક દેવતા તેમને પૃથક્ પૃથક્ દેખાડતા હવા, અને ક્યારેક તો સો એ સો ગાઉને છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમને પ્રત્યક્ષ પ્રમાણ પોતાનું દર્શન દેતા હવા, અને ક્યારેક તો છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમણે પોતાના ઘરને વિષે શ્રીજીમહારાજની પ્રતિમાને આગળ ધર્યું જે નૈવેદ્ય તેને પોતાના ભક્તને વિસ્મય પમાડતા થકા જમતા હવા અને ક્યારેક તો દેહ ત્યાગને કરતા એવા જે પોતાના ભક્ત તેમને પોતાના ધામ પ્રત્યે લઈ જવાને ઇચ્છતા થકા ત્યાં પોતે આવીને તે ભક્તના ગામને વિષે રહ્યા એવા જે બીજા ભક્ત અથવા અભક્ત તેમને પણ પોતાનું સાક્ષાત્ દર્શન દેતા હવા, એવી રીતે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહિ એવા જે જન તેમને પોતાના અલૌકિક ઐશ્વર્યને દેખાડતા હવા એવા જે શ્રી સહજાનંદજી મહારાજ તેને જોઈને અતિશે વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્ય તે પોતપોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને, ને શ્રીજીમહારાજનો અનન્ય આશ્રય કરીને, પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા, પછી ઘણાક જે મતવાદી તે શ્રીજીમહારાજ સંગાથે વિવાદ કરવા આવ્યા પણ વાદે કરીને શ્રીજીમહારાજને જીતવાને કાજે કોઈ સમર્થ ન થયા. પછી તે સર્વે મતવાદી જે તે શ્રીજીમહારાજના અલૌકિક ઐશ્વર્ય-પ્રતાપને દેખીને નમસ્કાર કરીને બોલ્યા જે, હે મહારાજ! તમે તો પરમેશ્વર છો માટે અમારા જે જે ઇષ્ટદેવ છે તેનાં દર્શન અમને કૃપા કરીને કરાવો. એવી રીતે જે તેમનું પ્રાર્થના વચન તેને સાંભળીને તે સર્વેને બેસાડીને, ને પોતાના પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વે જે તે શ્રીજીમહારાજને દર્શન માત્રે કરીને ખેંચાઈ ગયાં છે નાડી-પ્રાણ જેમનાં એવા થકા પોતપોતાના હૃદયને વિષે પોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને દેખતા હવા; તેમાં જે વલ્લભકુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તથા નિમાનંદી હતા તથા માધવી સંપ્રદાયના હતા એ ત્રણ તો ગોપીના ગણે વીંટાણા ને વૃંદાવનને વિષે રહ્યા ને બાળલીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા, અને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદસુનંદ ને વિશ્વકસેન ને ગુરુડાદિક પાર્ષદે સહિત લક્ષ્મીનારાયણરૂપે દેખતા હવા, અને જે રામાનંદી હતા તે તો સીતા, લક્ષ્મણ ને હનુમાને યુક્તથકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રી રામચંદ્રજી તે રૂપે દેખતા હવા, અને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મજ્યોતિરૂપે દેખતા હવા, અને જે શૈવી હતા તે તો પાર્વતી ને પ્રથમ ગણે સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા અને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળને વિષે રહ્યા જે હિરણ્યમય પુરુષ તે રૂપે દેખતા હવા, અને જે ગણપતિના ઉપાસક હતા તે તો ગણપતિ રૂપે દેખતા હવા, અને જે દેવીના ઉપાસક હતા તે તો દેવી રૂપે દેખતા હવા, અને જે જૈન હતા તે તો તીર્થંકર રૂપે દેખતા હવા, અને જે યવન હતા, તે તો પેગંબર રૂપે દેખતા હવા. એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને જોઈને, ને સર્વના કારણ જાણીને પોતપોતાના મતનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો દ્રઢ આશ્રય કરતા હવા. ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. એવી રીતે શ્રી સહજાનંદજી મહારાજ જે તે પોતાના પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિષે નાશ પામ્યો એવો જે એકાંતિક ધર્મ તેનું રૂડે પ્રકારે સ્થાપન કરતા હવા.(બા.૯)
અને વળી ધનાઢ્ય એવા જે પોતાના ભક્ત ગૃહસ્થ સત્સંગી તે પાસે ઘણાંક અન્નસત્ર કરાવતા હવા, તથા હિંસાએ રહિત એવા જે વિષ્ણુયાગ, મહારુદ્ર ને અતિરુદ્રાદિક યજ્ઞ તેને કરાવતા હવા, અને તે યજ્ઞને વિષે હજારો બ્રાહ્મણોને મિષ્ટ અન્ને કરીને તૃપ્ત કરાવતા હવા. અને તે બ્રાહ્મણને બહુ પ્રકારનાં દાન દેવરાવતા હવા. અને સાધુ, બ્રાહ્મણ અને દેવતા તેમનું જે પૂજન તથા ભોજને કરીને તૃપ્તિ તેને વારંવાર કરતા હવા તથા અધર્મ ને પાખંડ તેનો વારંવાર ઉચ્છેદ કરતા હવા.(બા.૧૦)
અને વળી દેશદેશમાં મોટાં મોટાં શિખરબંધ મંદિર કરાવીને તેમને વિષે નરનારાયણ, લક્ષ્મીનારાયણ, ભક્તિ, ધર્મ ને રાધાકૃષ્ણ એ આદિક મૂર્તિઓનું સ્થાપન કરતા હવા, અને તે મૂર્તિઓ દ્વારે અનંત ભક્તજનને ચમત્કાર જણાવતા હવા. અને શ્રીજીમહારાજ પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં રહ્યા જે પોતાના ભક્તજન તેમની આગળ વર્ણાશ્રમનો ધર્મ તથા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા પોતાના સ્વરૂપનું જ્ઞાન તથા પોતાની માહાત્મ્યે સહિત ભક્તિ એમના જે બહુ પ્રકારના ભેદ તેને વિસ્તારે કરીને યથાર્થપણે કહેતા હવા. એવી રીતે નિત્ય પ્રત્યે પોતાના ભક્તજનને આનંદ પમાડતા એવા જે શ્રીજીમહારાજ તે જે તે શ્રી ગઢડાનગરને વિષે પોતાના ભક્ત એવા જે અભય નામે રાજા ને તેમની પુત્રીઓ ને તેમના પુત્ર એ સર્વેની ભક્તિને વશ થઈને એમના ઘેર પોતે નિવાસ કરીને રહેતા હવા, અને ત્યાં રહ્યા થકા જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધિની એકાદશી, હુતાશની ને અન્નકૂટ એ આદિક જે ઉત્સવના દિવસ તેને વિષે ભારે ભારે
સામગ્રીઓ મગાવીને મોટા મોટા ઉત્સવ કરાવતા હવા. અને તે ઉત્સવને વિષે પરમહંસ તથા બ્રહ્મચારી તથા દેશદેશના જે હરિભક્ત સત્સંગી તે શ્રીજીમહારાજનાં દર્શન કરવાને અર્થે વારંવાર આવતા હવા અને નાના પ્રકારનાં વસ્ત્ર-આભૂષણ, ચંદન-પુષ્પ એ આદિક જે પૂજાની સામગ્રીઓ તેણે કરીને શ્રીજીમહારાજને પૂજતા હવા. અને તે ઉત્સવને વિષે શ્રીજીમહારાજ જે તે નાના પ્રકારની ભોજન સામગ્રીઓ કરાવીને હજારો સાધુને તથા બ્રાહ્મણને ઘણાક પ્રકારે વારંવાર તૃપ્ત કરતા હવા.(બા.૧૧)
બા.૧૨ એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તેમની મૂર્તિનાં જે ચિહ્ન તે પ્રથમ લિખિએ છીએઃ
ચિહ્ન
તિલ
શ્રીજીમહારાજના બે ચરણારવિંદના તળામાં ઊર્ધ્વરેખા છે તે કેવી છે તો અંગૂઠાની પાસેની જે આંગળી તેની બેયકોરાં નીકળે છે, ને પાનીની બેયકોરાં નીકળી છે
।। ૧ ।।
અને જમણા પગના અંગૂઠાના થડમાં ઊર્ધ્વરેખાને મળતું જવનું ચિહ્ન છે
।। ૨ ।।
એ આદિક નવ (ઊર્ધ્વરેખા, જવ, કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક ને જંબુફ્ળ.) ચિહ્ન તે જમણા પગના તળામાં છે, અને જમણા પગના અંગૂઠાના નખમાં ચિહ્ન છે
।। ૧૧ ।।
અને એ જ અંગૂઠાને બહારલે પડખે એક તિલ છે
।। ૧ ।।
અને એ અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાની કોરનું પડખું તેમાં એક તિલ છે.
।। ૨ ।।
અને જમણા પગની છેલ્લી આંગળીના બહારના પડખામાં નખની પાસે એક તિલ છે
।। ૩ ।।
અને ડાબા પગની ઊર્ધ્વરેખાની ડાબી કોરે શ્યામ એવાં બે ચિહ્ન પાસે પાસે છે
।। ૧૨ ।।
અને વળી એ ઊર્ધ્વરેખાને મળતું જ ફણાના થડમાં (વ્યોમ, ધનુષ, કળશ, મત્સ, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર.) એ આદિ સાત ચિહ્ન તે ડાબા પગના તળામાં છે
।। ૧૯ ।।
અને બે પગનાં તળાં રક્ત છે ને બે પગના અંગૂઠા ને આંગળીઓના જે નખ તે રક્ત છે ને ઊપડતા છે, અને બે પગના અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણા ઝીણા રોમનાં ચિહ્ન છે
।। ૨૯ ।।
અને બે પગનાં અંગૂઠા ને તેની પાસેની બે આંગળીઓ તે ઉપર ચાખડીના ઘસારાનાં ચિહ્ન છે
।। ૩૧ ।।
અને બે પગની જે બહારની ઘૂંટીઓ તેથી હેઠે આસનના ઘસારાનાં ચિહ્ન છે
।। ૩૩ ।।
અને જમણા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક નાનો તિલ છે
।। ૪ ।।
અને એ પગના સાથળને બહારલી કોરે એક મોટું ચિહ્ન છે
।। ૩૪ ।।
અને ડાબા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક મોટો તિલ છે
।। ૫ ।।
ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે
।। ૬ ।।
અને એ પગના ઢીંચણને બહારલે પડખે એક ચિહ્ન છે
।। ૩૫ ।।
અને કટી ભાગને વિષે બે કોરે ધોતિયું પહેર્યાના ઘસારાના શ્યામ ચિહ્ન છે
।। ૩૭ ।।
અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે
।। ૩૮ ।।
અને ઊંડી ને ગોળ એવી જે નાભિ તેને બે કોરે તિલ છે; તેમાં જમણી કોરે તો નાભિના કાંઠા ઉપર છે ને ડાબી કોરે જરા છેટે છે
।। ૮ ।।
અને જમણી કુખમાં એક મોટો તિલ છે
।। ૯ ।।
ને બીજો નાનો તિલ છે
।। ૧૦ ।।
અને નાભિથી ઉપર બે તસુ છેટે ત્રણ તિલ છે; તેમાં બે નળ ઉપર એક એક છે, ને એક વચ્ચે છે
।। ૧૩ ।।
અને તે વચલા તિલથી બે તસુ ઉપર એક તિલ છે
।। ૧૪ ।।
અને ડાબે પડખે કુખથી ઊંચે ને બગલથી હેઠે મોટા ચાર તિલની એક ઊભી હાર છે
।। ૧૮ ।।
તેની પાસે બહારલી કોરે એક બીજી નાના ચાર તિલની ઊભી હાર છે
।। ૨૨ ।।
અને તે જ બગલ નીચે ત્રણ તિલની એક ઊભી હાર છે
।। ૨૫ ।।
અને હૃદયને વિષે રોમનું શ્રીવચ્છનું ચિહ્ન છે
।। ૩૯ ।।
અને છાતીની વચ્ચે અર્ધચંદ્રને આકારે પાંચ તસુ પહોળું ને જરાક રાતું એવું મોટું એક ચિહ્ન છે તે જમણી કોરે કાંઈક વિશેષે ચડતું છે.
।। ૪૦ ।।
અને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે
।। ૨૬ ।।
અને એ તિલથી ડાબી કોરે બે આંગળને છેટે એક તિલ છે
।। ૨૭ ।।
ને તેથી ડાબી કોરે બે તસુને છેટે ડાબા સ્તનથી ઉપર એક તિલ છે
।। ૨૮ ।।
અને બે સ્તનથી ઉપર બે છાપનાં ચિહ્ન છે
।। ૪૨ ।।
અને જમણી ભુજાને પાસે માંહેલી કોરે ઊભી ઓળે ચાર તિલ છે
।। ૩૨ ।।
અને જમણી ભુજાના મૂળથી ઉપર ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે
।। ૪૩ ।।
અને તે છાપના ચિહ્નની પડખે બહારલી કોરે ચાર નાના તિલ છે
।। ૩૬ ।।
અને જમણી કોણીથી હેઠા ને કાંડાથી ઊંચાં બે તિલ છે
।। ૩૮ ।।
અને જમણા હાથની ટચલી આંગળીથી ઉપર અર્ધા આંગળને છેટે એક નાનો તિલ છે
।। ૩૯ ।।
અને ડાબી ભુજાના મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે
।। ૪૪ ।।
અને ડાબી કોણીથી બે તસુ હેઠો હાથને ઉપલે ભાગે એક તિલ છે
।। ૪૦ ।।
અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ બે આંગળીઓની વચ્ચે એક તિલ છે
।। ૪૧ ।।
અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માંહેલી કોરે એક નાનો તિલ છે
।। ૪૨ ।।
અને ડાબા હાથના પોંચા ઉપર એક તિલ છે
।। ૪૩ ।।
અને બે હાથના જે નખ તે રક્ત છે ને ઊપડતા છે ને તે નખના જે અગ્ર ભાગ તે અતિ તીક્ષ્ણ છે. અને બે હાથનાં જે તળાં રક્ત છે ને તે તળામાં જે રેખાઉં તે થોડી થોડી શ્યામ જણાય છે અને બે હથેળીના મૂળથી ઉપર આઠ તસુ ઊંચાં બે છાપનાં ચિહ્ન છે
।। ૪૬ ।।
અને બે કોણીઓ શ્યામ છે. અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે
।। ૪૪ ।।
ને એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે
।। ૪૫ ।।
અને ડાઢીથી હેઠો એક તિલ છે
।। ૪૬ ।।
અને ડાબા ખભાથી બે આંગળ હેઠો વાંસામાં રોમે સહિત એક મોટો તિલ છે
।। ૪૭ ।।
ને એ તિલથી હેઠે એક તિલ છે
।। ૪૮ ।।
ને વળી તેને હેઠે બીજો તિલ છે
।। ૪૯ ।।
ને કરોડની જમણી કોરે ડોકથી બે તસુ હેઠો એક તિલ છે
।। ૫૦ ।।
અને જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે
।। ૫૧ ।।
અને કરોડથી ઉપર જમણી કોરે વાંસાની મધ્યે ચાર તિલ છે
।। ૫૫ ।।
અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે
।। ૫૬ ।।
અને એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે
।। ૫૭ ।।
અને બે નેત્રની જે હેઠલી ને ઊપલી પાંપણ્યું તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે, અને નાસિકાને ઉપર ઝીણાં ઝીણાં શીળીનાં ચાઠાનાં ચિહ્ન છે
।। ૪૭ ।।
અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમ દાઢ તેમાં શ્યામ ચિહ્ન છે
।। ૪૮ ।।
તથા જીભ ઉપર પણ શ્યામ ચિહ્ન છે
।। ૪૯ ।।
અને ડાબા કાનને માંહેલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે
।। ૫૦ ।।
અને વિશાળ ને ઊપડતું એવું જે લલાટ તેને વિષે તિલકને આકારે ઊભી બે રેખા છે
।। ૫૧ ।।
અને વળી લલાટને વિષે જમણી કોરે કેશથી હેઠું એક ચિહ્ન છે
।। ૫૨ ।।
અને જમણા કાનની બુટી ઉપર એક નાનો તિલ છે
।। ૫૮ ।।
અને તાળવાની ઉપર એક મોટો તિલ છે
।। ૫૯ ।।
અને શિખાથી આગળ સમીપે એક તિલ છે
।। ૬૦ ।।
અને શિખાથી પછવાડે જમણી કોરે ત્રણ તિલ છે
।। ૬૩ ।।
અને એ વિના બીજા પણ ઝીણાં ઝીણાં તિલ શરીરમાં કેટલાક છે. આવી રીતે શ્રીજીમહારાજની મૂર્તિનાં જે ચિહ્ન તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યાં છે, અને શ્રીજીમહારાજની મૂર્તિનાં જે કર, ચરણ આદિક સર્વે અંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવાં કહ્યાં છે તેવાં છે.
• ‘ચિહ્ન’ શબ્દની વાંસે ચિહ્નની ગણત્રીના આંક છે, અને ‘તિલ’ શબ્દની વાંસે તિલની ગણત્રીના આંક છે. એકંદર (૫૨) ચિહ્ન છે અને (૬૩) તિલ છે.
હવે શ્રીજીમહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે લખીએ છીએ જે શ્રીજીમહારાજ સહેજે બેઠા હોય ત્યારે તુલસીની માળા ફેરવે છે, અને ક્યારેક તો રમત્યની પેઠે તે માળાને બેવડી કરીને બે બે મણકા ભેળા ફેરવે છે, અને ક્યારેક તો વાર્તા કરતા થકા તે માળાને ભેળી કરીને બે હાથના તળાં વચ્ચે રાખીને ઘસે છે. અને ક્યારેક તો નેત્રકમળને મીંચીને ધ્યાન કરતા થકા બેસે છે, અને ક્યારેક તો નેત્રકમળને ઉઘાડાં રાખીને ધ્યાન કરતા થકા બેસે છે, અને ક્યારેક તો ધ્યાન કરતા થકા ચમકીને જાગે છે, અને ક્યારેક તો પોતાની આગળ સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હોય, ત્યારે પોતે ધ્યાન કરીને બેસે છે, ને ક્યારેક તો ચપટી વજાડતા થકા તે સાધુ ભેળા ગાવા લાગે છે, અને ક્યારેક તો સાધુ તાળી વજાડીને કીર્તન ગાતા હોય તે ભેળા પોતે તાળી વજાડીને કીર્તન ગાય છે, અને ક્યારેક તો પોતાની આગળ વાજિંત્ર વજાડીને સાધુ કીર્તન ગાતા હોય તથા પોતાની આગળ કથા વંચાતી હોય તથા પોતે પોતાના ભક્તજનની આગળ વાર્તા કરતા હોય ત્યારે ખસીને તેને સમીપે જાય છે, અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત જે ભક્તિ તે સંબંધી જે વાર્તા તે પોતાના ભક્તજનની આગળ કરે છે, અને ક્યારેક તો સાંખ્ય, યોગ, પંચરાત્ર, વેદાંત ઇત્યાદિક જે શાસ્ત્ર તેના રહસ્યની વાર્તા કરે છે, અને ક્યારેક તો ઉત્સવને વિષે નાના પ્રકારના દેશથી આવ્યા જે પોતાના ભક્તજન તેમની પૂજાનું ગ્રહણ કરે છે અને ક્યારેક તો પોતાના ભક્તજનને સમાધિ કરાવે છે, અને ક્યારેક તો સમાધિમાંથી ઉઠાડે છે, અને ક્યારેક તો સભામાં બેઠા હોય ને કોઈક ભક્તજનને પોતાની પાસે તેડવો હોય ત્યારે નેત્રકમળની સાને કરીને અથવા અંગૂઠા પાસેની જે આંગળી તેની સાને કરીને તે ભક્તજનને બોલાવી લે છે, અને ક્યારેક તો વાર્તા કરતા થકા પુષ્પના ગુચ્છને અથવા કોઈક મોટા પુષ્પને બે હાથે કરીને ચોળી નાખે છે. અને ક્યારેક તો પુષ્પના હારને તથા લીંબુ આદિક જે ફ્ળ તેને શીતળ જાણીને પોતાની આંખે વારંવાર અડાડે છે, અને ક્યારેક તો પોતે રાજીપામાં વાર્તા કરતા હોય અથવા કથા વંચાવતા હોય અથવા કીર્તન ગવરાવતા હોય, અથવા કોઈક વિચારમાં બેઠા હોય ને તે વચમાં કોઈક જમ્યાનું પૂછવા આવે અથવા કોઈક પૂજા કરવા આવે અથવા હાર ચઢાવવા આવે તો તે ઉપર બહુ કચવાઈ જાય છે. અને કથા વંચાવતા હોય ત્યારે ‘હરે’ એવા શબ્દનો ઉચ્ચાર કરે છે. અને બીજી જે જે ક્રિયા કરતા હોય તેને વિષે પણ તે કથાને ભાને કરીને ક્યારેક તો અચાનક ‘હરે’ એવા શબ્દનો ઉચ્ચાર કરે છે, ને તેની સ્મૃતિ થાય છે ત્યારે પોતા પાસે જે ભક્તજન બેઠા હોય તેમની સામું જોઈને મંદ મંદ હસે છે. અને ક્યારેક તો ઢોલિયા ઉપર બેસે છે, ને ક્યારેક તો ગોદડું ઓછાડે સહિત પાથર્યું હોય તે ઉપર બેસે છે, ને ક્યારેક તો ગાદી ઉપર બેસે છે, અને ક્યારેક તો ચાકળા ઉપર બેસે છે, અને ક્યારેક તો ઢોલિયા ઉપર તકિયો પડ્યો હોય તે ઉપર બેસે છે, અને બેસે ત્યારે ક્યારેક તો પલાંઠી વાળીને બેસે છે અને ક્યારેક તો વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને બેસતા થકા પોતાને હસ્તે કરીને પગની આંગળીઓને ગ્રહણ કરીને ડોલે છે અને જ્યારે જ્યારે બેસે ત્યારે બહુધા તો તકિયાનું ઊઠીંગણ કરીને જ બેસે છે અને જીભને એક કોરના દાંત તળે દબાવવી એવો સહજ સ્વભાવ છે, અને છીંક ખાવી હોય ત્યારે પ્રથમથી રૂમાલ ખોળીને તે રૂમાલને મુખારવિંદ આગળ રાખીને છીંક ખાય છે, અને કાંઈક રમુજે કરીને અતિશે હસે છે ત્યારે રૂમાલને મુખારવિંદ આડો દઈને હસે છે, અને ક્યારેક તો વાર્તા કરતા થકા, હાથે કરીને રૂમાલના છેડાને વળ દેવો એવો સહજ સ્વભાવ છે, અને કોઈકને દુખિયો દેખીને તેની ઉપર દયાએ કરીને બહુ આકળા થઈ જાય છે. અને ચાલે છે ત્યારે પછેડીને ડાબા ખભા ઉપર આડસોડે નાખીને, જમણા હાથને હલાવતા થકા ચાલે છે, અને ક્યારેક તો, રૂમાલે યુક્ત જે જમણો હાથ તેને હલાવતા થકા ચાલે છે, અને ક્યારેક તો ડાબા હાથને કેડ ઉપર મૂકીને જમણા હાથમાં રૂમાલને લેઈને, તે જમણા હાથને હલાવતા હલાવતા ચાલે છે, અને સહેજે ઉતાવળું ચાલવાનો સ્વભાવ છે, અને સાધુને પીરસવું હોય ત્યારે ડાબે ખભે ખેસને નાખીને તે ખેસના છેડાને કેડ સંગાથે તાણી બાંધીને પીરસે છે, અને પીરસે ત્યારે લાડુ, જલેબી આદિક જે જમ્યાની જણસો તેનું વારંવાર નામ લેતા થકા પંક્તિમાં વારંવાર ફરે છે, ને સાધુ-હરિભક્તને જમાડવામાં તથા પીરસવામાં પોતાને શ્રદ્ધા-આદર સહિત પ્રસન્નતા તે ઘણી છે. અને પાછલી ચાર ઘડી અથવા ત્રણ ઘડી રાત્રિ રહે ત્યારે દાતણ કરવાનો સ્વભાવ છે, અને સ્નાન કરીને પછી કોરે વસ્ત્રે કરીને શરીર લૂઈને પછી ઊભા થઈને પહેર્યાના વસ્ત્રને બે સાથળ વચ્ચે ભેળું કરીને તેને બે હાથે કરીને નીચોવીને, પછી સાથળને, ને પગને લૂઈને સાથળ વચ્ચે રાખીને પછી કોરું વસ્ત્ર સારી પેઠે તાણીને પહેરે છે અને તે પછી બીજું ધોયેલું વસ્ત્ર ઓઢીને, ને ચાખડી ઉપર ચડીને જમવા પધારે છે, ને જમવા બેસે ત્યારે ઓઢવાના વસ્ત્રને કાનને પછવાડે રાખીને કાનને ઉઘાડા રાખીને જમવા બેસે છે. અને જમવા બેસે ત્યારે ડાબા પગની પલાંઠી વાળીને તે ઉપર ડાબા હાથની હથેળી મૂકીને, જમણો પગ ઊભો રાખીને તે ઉપર જમણા હાથની કોણી રાખીને જમે છે અને જમતાં જમતાં વારંવાર પાણી પીવાનો સ્વભાવ છે અને જમતાં જમતાં જે સારી સ્વાદુ જણસ પોતાને જણાય તે બીજા કોઈક શ્રેષ્ઠ હરિભક્ત પોતાને મનગમતા હોય તેને આપીને પછી પોતે જમે છે, અને જમતા થકા ઓડકાર ખાઈને પેટ ઉપર હાથ ફેરવવાનો સ્વભાવ છે, અને માથે ફેંટો બાંધે છે ત્યારે ફેંટાના છેડાનું છોગલું મૂકીને બાંધે છે તથા ફેંટાના એક આંટાનો પેચ ભૃકુટીની પાંપણ ઉપર લાવીને બાંધે છે, અને વર્ષાૠતુ તથા શરદૠતુને વિષે ઘેલા નદીનું નિર્મળ જળ જાણીને સાધુ તથા સત્સંગી સહિત ના’વા પધારે છે ને તે નદીના જળને વખાણતા થકા ત્યાં બહુ પ્રકારે ભક્તજન ભેળા જળક્રીડા કરે છે, અને સૂએ ત્યારે પ્રથમ જાગતા થકા હાથની જે બે આંગળીઓ તેને તિલક કરવાની પેઠે ભાલને વિષે ઊભી ફેરવે છે અને સૂવાનું હોય ત્યારે પોતાની માળાને માગીને જમણા હાથમાં લેઈને ફેરવતા થકા સૂએ છે. આવી રીતે શ્રીજીમહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે પોતાની સ્મૃતિને અનુસારે લખી છે ને બીજી પણ કેટલીક ચેષ્ટા છે, અને પ્રથમ લખ્યાં જે શ્રીજીમહારાજની મૂર્તિનાં ચિહ્ન તથા સ્વાભાવિક ચેષ્ટા તેને આવી રીતે સંભારીને નિત્યે ભક્તજને ધ્યાન કરવું. એવા જે શ્રીજીમહારાજ તેમણે શ્રી ગઢડામાં રહ્યા થકા પોતાના ભક્તજનના સંશય ટાળવાને અર્થે સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય, પોતાના સ્વરૂપનું જ્ઞાન ને પોતાની માહાત્મ્યે સહિત ભક્તિ એ પાંચ વાર્તા સંબંધી જે જે વચનામૃત કહ્યાં છે તથા શ્રી અમદાવાદને વિષે રહ્યા થકા જે જે વચનામૃત કહ્યાં છે તથા શ્રી વરતાલને વિષે રહીને કહ્યાં છે તથા ત્યાંથી બીજા ગામમાં જઈને જે જે વચનામૃત કહ્યાં છે તેમાંથી કેટલાક દિવસનાં જે વચનામૃત તે શ્રીજીમહારાજના જે એકાંતિક ભક્ત તેમની પ્રસન્નતાને અર્થે પોતાની સ્મૃતિ ને બુદ્ધિ તેને અનુસારે લિખિએ છીએ.(બા.૧૩)
અથ રહસ્યાર્થ પ્રદીપિકાટીકા પ્રારંભ્યતે
બા.૧ આ પરથારામાં બાબતો તેર છે, તેમાં પહેલીમાં શ્રીજીમહારાજે પોતાના અક્ષરધામનાં નામ તથા તેનું અપારપણું વર્ણન કર્યું છે.
બા.૨ બીજીમાં પોતાનાં નામ તથા પોતાનો મહિમા તથા શોભાનું અતિશયપણું વર્ણન કર્યું છે.
બા.૩ ત્રીજીમાં દુર્વાસાનો શાપ વર્ણન કર્યો છે.
બા.૪ ચોથીમાં ધર્મ-ભક્તિનો પ્રાદુર્ભાવ વર્ણન કર્યો છે.
બા.૫ પાંચમીમાં શ્રીજીમહારાજનો પ્રાદુર્ભાવ તથા નામકરણ તથા ઐશ્વર્ય તથા અધ્યયન કર્યું તે વર્ણન કર્યું છે.
બા.૬ છઠ્ઠીમાં પોતાનાં માતાપિતા જે ભક્તિ-ધર્મ તેમને દિવ્યગતિ આપી, તે વર્ણન કર્યું છે.
બા.૭ સાતમીમાં પોતે વનમાં તથા તીર્થોમાં વિચરીને, તીર્થોને સજીવન કર્યાં, અને અસુરોનો નાશ કર્યો અને અધર્મનો ઉચ્છેદ કરીને એકાંતિક ધર્મ સ્થાપન કર્યો, તે વર્ણન કર્યું છે.
બા.૮ આઠમીમાં રામાનંદ સ્વામીને મળ્યા ને તે થકી દીક્ષા લીધી ને રામાનંદ સ્વામી પોતાની ધર્મધુર સોપીને અંતર્ધાન થયા, તે વર્ણન કર્યું છે.
બા.૯ નવમીમાં સર્વેને સમાધિઓ કરાવીને પોતાનો અલૌકિક પ્રતાપ જણાવીને પોતાના આશ્રિત કર્યા. તથા મતવાદીઓને સમાધિ કરાવીને તેમના ઇષ્ટદેવરૂપે પોતે દર્શન આપીને તેમને પોતાના આશ્રિત કર્યા. ને જીવોનું મૂળ અજ્ઞાન ટાળીને, આત્યંતિક મોક્ષ કર્યો તે વર્ણન કર્યું છે.
બા.૧૦ દશમીમાં પોતે અન્નસત્ર તથા મોટા મોટા યજ્ઞ કર્યા, તે વર્ણન કર્યું છે.
બા.૧૧ અગિયારમીમાં મોટાં મોટાં શિખરબંધ મંદિરો કરાવી, તેમાં પોતાની મૂર્તિઓ પધરાવીને, તે તે મૂર્તિઓ દ્વારે ચમત્કાર જણાવ્યા, ને ઉત્સવ-સમૈયા કર્યા તથા સાધુ બ્રાહ્મણને તૃપ્ત કર્યા, તે વર્ણન કર્યું છે.
બા.૧૨ બારમીમાં શ્રીજીમહારાજનાં ચિહ્ન વર્ણન કર્યાં છે.
બા.૧૩ તેરમીમાં શ્રીજીમહારાજની સ્વાભાવિક ચેષ્ટા વર્ણન કરી છે.
પ્ર.૧ પહેલી બાબતમાં ગોલોકના મધ્યને વિષે અક્ષરધામ કહ્યું, અને (અ ૬ના બીજા પ્રશ્નમાં) અક્ષરધામને જ ગોલોક કહ્યું છે, તથાર્
(પ્ર. ૭/૧માં) અક્ષરબ્રહ્મથી ગોલોકધામને પર કહ્યું છે, અને (લો. ૧૭ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં તથા પં. ૧/૧માં તથા અ. ૭/૧માં) અક્ષરથી ગોલોકને નીચું તથા જુદું કહ્યું છે. તે પરસ્પર વિરોધ આવ્યો તે કેવી રીતે સમજવું?
ઉ.૧. આમાં ‘ગો’ શબ્દ કિરણ વાચક છે, ને ‘લોક’ શબ્દ સમૂહ વાચક છે, માટે ‘ગો’ જે કિરણ તેનો સમૂહ તેને ગોલોક કહ્યું છે, અને એ જે કિરણો તે શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશરૂપ જે અક્ષરધામ તેની છે માટે ગોલોકને મધ્યે એટલે કિરણોના મધ્યે અક્ષરધામ કહ્યું છે. અને (અ. ૬માં) એ અક્ષરધામનુ, અને એ ધામની કિરણોનું અભેદપણું કહ્યું છે, માટે ગોલોક શબ્દે કરીને અક્ષરધામને કહ્યું છે. અને (પ્ર. ૭માં) મૂળઅક્ષરને અક્ષરબ્રહ્મ કહ્યા છે, તે અક્ષરબ્રહ્મને વિષે શ્રીજીમહારાજ કિરણો દ્વારે વ્યાપક છે. તે અક્ષરધામની કિરણોરૂપી ગોલોકથી બ્રહ્મજ્યોતિ, જે શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ તેને પર કહ્યો છે, માટે ધામ તે સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. તે પ્રકાશરૂપ ધામમાં શ્રીજીમહારાજ પોતાના મુક્તોએ સહિત સદા દિવ્ય તેજોમય સાકારમૂર્તિ થકા વિરાજમાન છે. અને (લો. ૧૭માં તથા પ ૧માં તથા અ. ૭માં) પરોક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના ધામને ગોલોક કહ્યું છે, તેથી અક્ષરધામ પર છે.
પ્ર.૨. શ્રીજીમહારાજના પ્રકાશને અક્ષરધામ કહો છો તે કિયા વચનામૃતમાં કહ્યું છે?
ઉ.૨. (પં. ૧/૧માં) શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરધામ કહ્યું છે તે હરિવાક્ય-સુધાસિંધુના ૧૨૭મા તરંગમાં કહ્યું છે ત્યાં શ્લોક :-
सच्चिदानंदरूपं यद् ब्रह्म निर्गुणमक्षरम् ।
अंगप्रकाशम् तत्त्वस्य धाम चेत्युक्त मस्ति हि ॥ ११ ॥
સત, ચિદ્ ને આનંદમય એવું ને મોટું ને નિર્ગુણ એવું જે અક્ષર તે તો આ પ્રત્યક્ષ ભગવાનના અંગનો પ્રકાશ છે, અથવા એ અક્ષરને ધામ શબ્દથી કહેલ છે તથા ૬૬મા તરંગમાં પણ પોતાના તેજને પોતાનું ધામ કહ્યું છે. ત્યાં શ્લોક :-
माया गुणैः विहीनत्वान् निर्गुणः परमेश्वरः ।
निजधामस्थ एवाऽसौ सर्वत्र व्यापकोऽस्ति च ॥ १० ॥
मूत्तःर् सूर्यः स्वतेजोभि र्जगद् व्याप्याऽस्ति तत्पृथक् ।
यथा तथा सोऽपि मूर्त्तः कान्त्या व्याप्यास्ति तत्पृथक् ॥ ११ ॥
प्राकृतं नास्ति तद्रूपं यतोऽसौ दिव्यविग्रहः ।
अतोऽरूप इति प्रोक्तो निराकारश्च कुत्रचित् ॥ १२ ॥
कोटि कोट्यर्कवत् स्वाङ्ग तेजो व्याप्ततया स च ।
ज्योतिरूप इति प्रोक्तो दुर्ल्लक्ष्यांग त्वस्तथा ॥ १३ ॥
निराधारं न तेजःस्या-दिति सर्वत्र द्रश्यते ।
तदङ्ग कान्ति तेजोऽतो यद् ब्रह्मेत्युच्यतेऽक्षरम् ॥ १४ ॥
માયાના ગુણોએ રહિત, તે હેતુ માટે નિર્ગુણ એવા, ને પોતાના ધામને વિષે રહેલા એવા, આ પરમેશ્વર તે જે તે સર્વને વિષે વ્યાપક છે. ।। ૧૦ ।। ને પોતાના તેજ વડે કરીને મૂર્તિમાન સૂર્ય જે તે જગતને વિષે જે પ્રકારે વ્યાપક છે, ને તેથી પૃથક્ મૂર્તિમાન રહ્યા છે તે જ પ્રકારે આ પ્રત્યક્ષ મૂર્તિમાન ભગવાન, જે તે કાંતિ એટલે તેજ વડે કરીને વ્યાપીને રહ્યા છે, ને તેથી પૃથક્ મૂર્તિમાન પણ રહ્યા છે. ।। ૧૧ ।।
તે ભગવાનનું સ્વરૂપ પ્રાકૃત નથી, જે હેતુ માટે દિવ્ય છે દેહ જેમનો, એટલે દિવ્ય મૂર્તિમાન એવા આ પ્રત્યક્ષ ભગવાન છે, એ જ હેતુ માટે કોઈક સ્થાનકને વિષે અરૂપ, એ પ્રકારે કહ્યા છે અને કોઈક સ્થાનકને વિષે નિરાકાર પણ કહ્યા છે પણ વિશેષણોએ કરીને મૂર્તિમાનને જ કહ્યા છે. ।। ૧૨ ।। કોટાનકોટી સૂર્ય તુલ્ય એવું પોતાની મૂર્તિનું તેજ તેનું તે વ્યાપવાપણું તેણે કરીને તથા ધ્યાનના કરનારાને ઘણાક પ્રયાસે કરીને જણાવાપણું એ હેતુ માટે ભગવાન જે તે જ્યોતિરૂપ કહેલા છે, પણ વસ્તુગતે ભગવાન મૂર્તિમાન જ છે. ।। ૧૩ ।। તેજ જે તે નિરાધાર નથી રહેતું, એ પ્રકારે સર્વત્ર સૂર્યાદિકને વિષે દેખાય છે. એ હેતુ માટે તે ભગવાનનું અંગ જે મૂર્તિ, તેની કાંતિ જે પ્રકાશ તે જે તે અક્ષરબ્રહ્મ, કહેતાં અક્ષરધામ એ નામે કહેવાય છે. ।। ૧૪ ।। આ તેજને (પ્ર. ૪૫માં) સચ્ચિદાનંદ નામે કહ્યું છે. તથા (પ્ર. ૬૪/૧માં) આત્મા નામે કહ્યું છે. થા
(મ. ૧૩/૧માં) આત્મા, બ્રહ્મ તથા અક્ષરધામ એ ત્રણ નામે કહ્યું છે. તથા (મ. ૫૦/૧માં) એકરસ પરિપૂર્ણ બ્રહ્મસ્વરૂપ તથા અક્ષરબ્રહ્મ એ બે નામે કહ્યું છે, માટે ધામ તે શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ છે.
પ્ર.૩. આ અક્ષરધામનાં બ્રહ્મપુરાદિક છ વિશેષણ આપ્યાં તેનો અર્થ શો સમજવો?
ઉ.૩.
૧
બ્રહ્મ એવું શ્રીજીમહારાજનું નામ છે, માટે બ્રહ્મ જે શ્રીજીમહારાજ તેમને રહેવાનું ધામ છે તેથી બ્રહ્મપુર કહ્યું છે.
૨
અને અતિશય અવિનાશી સુખનું સ્થાન છે માટે અમૃતધામ કહ્યું છે.
૩
અને અતિશય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ છે, માટે પરમપદ કહ્યું છે.
૪
અને એનો અંત ને પાર નથી માટે અનંત ને અપાર કહ્યું છે.
૫
અને સર્વ ધામોથી મોટું છે, માટે બ્રહ્મ કહ્યું છે.
૬
અને મૂળપુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર એ સર્વેના પ્રકાશ તે ચૈતન્ય છે, તે સર્વનો આધાર એવો જે શ્રીજીમહારાજનો પ્રકાશ તે અતિશે ચૈતન્યરૂપ છે, માટે ચિદાકાશ કહેલ છે.
પ્ર.૪. શ્રીજીમહારાજને બ્રહ્મ નામે કહો છો તે કિયા વચનામૃતમાં છે?
ઉ.૪. આ પરથારાની બીજી બાબતમાં તથા (વ. ૧૩ના બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજને બ્રહ્મ નામે કહ્યા છે.
પ્ર.૫. બીજી બાબતમાં શ્રીજીમહારાજનાં શ્રીકૃષ્ણાદિક ૧૦ નામ કહ્યાં તેનો અર્થ શો સમજવો?
ઉ.૫.
૧
પોતાના આશ્રિતોને પોતાને વિષે આકર્ષણ કરે છે, તથા ચૈત્ર માસમાં જન્મ છે અને માર્કંડેય મુનિએ કૃષ્ણ એવું નામ ધારણ કર્યું, માટે કૃષ્ણ એવું નામ છે. અને મુક્તકોટી, અક્ષરકોટી, બ્રહ્મકોટી ને મૂળપુરુષ, ઈશ્વરકોટી તે સર્વેને શોભા આપવાપણું, તે શ્રીજીમહારાજને વિષે રાુ છે, માટે ‘શ્રી’ જે શોભા તેણે યુક્ત માટે શ્રીકૃષ્ણ એવું નામ શ્રીજીમહારાજનું છે.
૨
અને પુરુષ જે પોતાના મુક્તો તેમને વિષે ઉત્તમ માટે પુરુષોત્તમ કહ્યા છે.
૩
અને અક્ષરાદિક સર્વેને વિષે અન્વયપણે અતર્યામીરૂપે વાસ કરીને રહ્યા છે, માટે વાસુદેવ કહ્યા છે.
૪
અને નાર જે પોતાના મુક્તોનો સમૂહ તેના મધ્યે અયન એટલે નિવાસ કરીને રહ્યા છે, માટે નારાયણ કહ્યા છે.
૫
અને પોતાનું તેજ જે અક્ષરધામ તે ક્ષર-અક્ષરાદિક સર્વેનું આત્મા છે, તે પોતાના તેજરૂપ આત્માથી પર છે ને તેના પણ શરીરી છે, માટે પરમાત્મા કહ્યા છે.
૬
અને ક્ષર-અક્ષરાદિક સર્વેથી પોતાના તેજરૂપ જે અક્ષરધામ તે મૂર્તિમાન અક્ષરાદિક સર્વેથી મોટું છે, તેને બ્રહ્મ કહે છે. તે બ્રહ્મના પણ આધાર ને તેથી પણ મોટાઈ અધિક છે, માટે બ્રહ્મ કહ્યા છે.
૭
અને એ તેજરૂપ અક્ષરધામના પણ નિયંતા છે, ને તેથી પર છે, માટે પરબ્રહ્મ કહ્યા છે.
૮
અને જીવકોટી, માયાકોટી, ઈશ્વરકોટી, તેથી પર બ્રહ્મકોટી, તેથી પર મૂર્તિમાન મૂળઅક્ષરકોટી, અને તેથી પર મુક્તકોટી, તે સર્વેના નિયામક છે, માટે ઈશ્વર કહ્યા છે.
૯
અને મૂળપુરુષરૂપ જે ઈશ્વરકોટી જેના તેજને વેદાંતી બ્રહ્મ નામે કહે છે, ને જે બ્રહ્મ શુદ્ધ સત્ત્વગુણ ગ્રહણ કરે છે, તે ઈશ્વર કહેવાય એમ કહે છે, તથા જે બ્રહ્મ મલિન સત્ત્વગુણ ગ્રહણ કરે તે જીવ કહેવાય એમ કહે છે, તથા આકૃતિમાત્ર જેમાંથી ઉત્પન્ન થાય છે તેવા વિશેષણોથી જે બ્રહ્મને પ્રતિપાદન કરે છે, તે તેજના કારણ ને આધાર જે મૂળપુરુષરૂપ બ્રહ્મ, જેને આમાં ઈશ્વરકોટી નામે કહ્યા છે, તે ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી તે સર્વેને પોતે ઐશ્વર્ય આપ્યું છે, તેથી ઈશ્વર કહેવાય છે. તે સર્વેથી પર ને તેમના કારણ ને પ્રેરક ને તે સર્વેથી મોટા છે, માટે પરમેશ્વર કહ્યા છે.
૧૦
અને એ સર્વેને વિષે વ્યાપે છે, માટે વિષ્ણુ કહ્યા છે.
પ્ર.૬. શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ, પુરુષોત્તમ, વાસુદેવ, નારાયણ, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, પરમેશ્વર અને વિષ્ણુ એવે નામે કિયા કિયા વચનામૃતમાં કહ્યા છે?
ઉ.૬. પરથારાની ૨, ૪, ૮, ૯ બાબતમાં તથાઃ
વચ.
પ્રશ્ન
બાબત
ગઢડા પ્રથમ
૫
૧
૧
૭
૧
૧
૮
૧
૧
૯
૧
૧
૧૨
૨
૨
૧૩
૧
૧
૨૧
૧
૮
૭૮
૨૫
૨૫
લોયા
૧
૮
૮
૪
૨
૨
૭
૨
૬
પંચાળા
૨
૧
૧
૬
૧
૨
ગઢડા મધ્ય
૧૯
૧
૨
૨૯
૧
૧
૩૦
૧
૧
૩૫
૧
૧
૩૮
૧
૨
૩૯
૧
૧
૪૦
૧
૧
૬૪
૨
૨,૩
૬૫
૧
૧
વરતાલ
૧
૧
૧
૨
૧
૨
૧૩
૨
૨
અશ્લાલી
૧
૧
૧
ગઢડા છેલ્લુ
૫
૩
૩,૪
૨૦
૨
૨
૨૧
૧
૭
૩૧
૧
૧
આમાં મહારાજને શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નામે કહ્યા છે. (૧)
અને પરથારાની ૨ અને પાંચમી બાબતમાં તથા :-
ગઢડા પ્રથમ
૮
૨
૪
૧૨
૨
૨
૨૧
૧
૮
૪૧
૧
૧
૫૧
૧
૧
૬૪
૧
૧
૭૧
૩
૩
સારંગપુર
૧
૨
૨
કારિયાણી
૮
૧
૧
લોયા
૭
૨
૪
૧૨
૧
૧
૧૪
૧
૧
લોયા
૧૫
૫
૫
૧૮
૧
૨
પંચાળા
૭
૧
૧
ગઢડા મધ્ય
૮
૨
૧
૧૩
૧
૨,૩
૨૧
૪
૮
૩૧
૧,૨
૧,૫
૩૨
૧
૨
૪૨
૧
૧,૨
અમદાવાદ
૪
૧
૨
૫
૧,૨
૧,૨
૬
૨
૩
૭
૧
૧
અશ્લાલી
૧
૧
૧
જેતલપુર
૪
૧
૪
૫
૧
૧
ગઢડા છેલ્લુ
૨૭
૧
૧
૩૭
૧
૧
આમાં શ્રીજીમહારાજને પુરુષોત્તમ નામે કહ્યા છે. તથા:-
ગઢડા પ્રથમ
૨૧
૧
૭,૮
કારિયાણી
૧૨
૩
૩
લોયા
૨
૨
૨
૧૧
૨
૨
૧૨
૧
૧
૧૩
૨
૨
પંચાળા
૭
૧
૨
ગઢડા મધ્ય
૩
૧
૨
૪૨
૧
૧
અશ્લાલી
૧
૨
૨
આમાં શ્રીજીમહારાજને પુરુષોત્તમ નારાયણ નામે કહ્યા છે. તથા :-
ગઢડા પ્રથમ
૭
૧
૨
૨૦
૨
૨
૨૪
૨
૫
૩૧
૨
૩
૩૨
૪
૩
૩૩
૧
૧
૪૧
૧
૧
૪૫
૧
૧
૬૩
૩,૪
૩,૪,૫
૬૪
૧
૧,૨
૬૬
૧
૨
૭૧
૫
૫
૭૨
૨
૩
૭૩
૫
૬
૭૮
૧૬,૨૫
૧૬,૨૫
સારંગપુર
૪
૧
૧
૫
૨
૩
૧૨
૨
૩
કારિયાણી
૭
૪
૪
૮
૧
૪,૧૨
લોયા
૧
૮
૮
૧૪
૧
૨
ગઢડા મધ્ય
૯
૨
૨
૧૦
૧,૨
૧,૨
૧૩
૧
૨
૧૭
૨
૨
૧૯
૧
૧
૪૨
૧
૧,૨
૫૦
૧
૧
વરતાલ
૧૨
૧
૧
જેતલપુર
૧
૧
૧
ગઢડા છેલ્લુ
૨૬
૧
૧
૩૧
૧
૧
આમાં શ્રીજીમહારાજને પુરુષોત્તમ ભગવાન નામે કહ્યા છે. (૨)
કારિયાણી
૭
૪
૪
ગઢડા મધ્ય
૧૦
૧
૧
ગઢડા મધ્ય
૩૧
૧,૨
૧,૩,૪,૫
૩૨
૧
૨
૪૮
૧
૭
૫૭
૧
૧
વરતાલ
૫
૧
૧
અશ્લાલી
૧
૧
૧
ગઢડા છેલ્લુ
૩૩
૨
૩,૬
અને આમાં શ્રીજીમહારાજને વાસુદેવ નામે કહ્યા છે. (૩)
લોયા
૧૦
૬
૮
૧૩
૧,૨
૧,૨
૧૪
૧
૨
ગઢડા મધ્ય
૧૯
૧
૨
૫૭
૧
૧
અશ્લાલી
૧
૧
૧
અને પરથારાની ૪, ૫, ૮મી બાબતમાં તથાઃ-આમાં શ્રીજીમહારજને નારાયણ નામે કહ્યા છે. (૪)
ગઢડા પ્રથમ
૮
૨
૪
૧૨
૪
૬
સારંગપુર
૧
૨
૨
લોયા
૧૦
૬
૮
ગઢડા મધ્ય
૩૬
૧
૧
૫૭
૧
૧
૬૨
૩
૩
અમદાવાદ
૧
૧
૧
જેતલપુર
૩
૨
૪
આમાં શ્રીજીમહારાજને પરમાત્મા નામે કહ્યા છે. (૫)
પ્ર ૩૯ અને ૪૨ની બા ૧, પ્ર ૫૦, વ ૧૩ પ્રશ્ન ૨, અ ૪ની બા. ૧, એમાં બ્રહ્મ નામે કહ્યા છે. (૬)
ગઢડા પ્રથમ
૮
૨
૪
૭૧
૩
૩
૭૩
૫
૯
સારંગપુર
૧૨
૨
૩
લોયા
૭
૨
૪
૧૦
૬
૮
ગઢડા મધ્ય
૩
૧
૨
ગઢડા મધ્ય
૮
૨
૨,૩
૧૩
૧
૨
૩૦
૧
૧
૬૨
૩
૩
૬૫
૧
૧
અમદાવાદ
૬
૨
૩
અશ્લાલી
૧
૧
૧
આમાં પરબ્રહ્મ નામે કહ્યા છે. (૭)
અને પ્ર ૪૮-૧-૧,કા ૧૦ તથા છે ૧૦ પ્રશ્ન ૧માં ઈશ્વર નામે કહ્યા છે. (૮)
અને પરથારાની નવમી બાબત તથા:-
ગઢડા પ્રથમ
૨
૧
૧
૮
૨
૪
૧૮
૧
૧
૨૭
૧
૧
૩૦
૧
૧
૩૧
૧
૧,૨
૩૩
૧
૧
૩૪
૧
૧,૨,૩
૩૫
૧
૧
૩૬
૧
૧
૩૭
૧
૪
૩૯
૧
૧
૪૫
૧
૧
૪૭
૧,૨
૧,૨
૪૯
૧
૧
૫૩
૧
૧
૫૪
૨
૨
૫૫
૧
૨
૫૬
૩
૪
૫૮
૪
૫
૬૩
૫
૬
૬૫
૪
૪
૬૭
૧
૧
ગઢડા પ્રથમ
૭૦
૧,૪
૧,૪
૭૩
૬
૧૧
૭૮
૨
૧
સારંગપુર
૧
૨
૨
૨
૨
૩
૪
૧
૩
૫
૩
૪
૯
૪,૫
૪,૫
૧૦
૧
૧
૧૧
૧
૨
૧૩
૧
૧
કારિયાણી
૬
૪
૬
લોયા
૨
૧
૧
૧૦
૬,૮
૮,૧૦
૧૨
૧
૧
૧૭
૫
૭
પંચાળા
૫
૧
૧
ગઢડા મધ્ય
૭
૨
૨
૯
૧
૫
૧૦
૧,૨,૩
૧,૨,૩
૧૨
૧,૨
૧,૨
૧૬
૨
૨
૧૯
૧
૨
૨૧
૨
૪,૫
૨૬
૧
૧
૨૭
૩
૪
૩૪
૨
૨
૩૬
૧
૧
૩૭
૧
૧
૪૧
૧
૧
૫૩
૧
૨
૫૭
૧
૨,૪
૬૨
૩
૩
ગઢડા મધ્ય
૬૫
૧
૩
વરતાલ
૨
૧
૨
૫
૧
૧
૬
૧
૧,૨
૮
૧
૧
૧૧
૪
૫
૧૨
૧
૧,૨
૧૭
૨
૨
અમદાવાદ
૧
૧,૨
૧,૨
૨
૧
૧
૩
૧
૧
ગઢડા છેલ્લુ
૧
૧
૧
૨
૧
૧,૨
૪
૨
૨
૭
૧
૩
૯
૧
૧
૧૦
૧
૧
૧૪
૧,૧૧
૧,૧૧,૧૨
૧૮
૪
૪
૨૨
૨
૪
આમાં શ્રીજીમહારાજને પરમેશ્વર નામે કહ્યા છે. (૯)
અને પરથારાની બીજી બાબતમાં વિષ્ણુ નામે કહ્યા છે. (૧૦)
પ્ર.૭. મકરાકાર કુંડળ તથા રત્નેજડીત મુગટ તેને ભગવાન ધરી રહ્યા છે એમ કહ્યું, તે રત્ન તો માયિક વસ્તુ છે, તે અક્ષરધામમાં તો હોય નહિ માટે તે કેવી રીતે સમજવું?
ઉ.૭. જ્યાં શ્રીજીમહારાજ મનુષ્યરૂપે વિરાજમાન હોય તે અક્ષરધામ જાણવું. તે (મ. ૪૨/૨માં) ‘જ્યાં અમારી મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય છે,’ એમ કહ્યું છે. માટે અહીંની ને ત્યાની એકતા કરીને કહ્યું છે. અને
ચંદનવેણુ તે પણ અહીંનાં જ વર્ણન કર્યાં છે, કેમ જે જ્યાં ધામાધિપતિ વિરાજતા હોય ત્યાં જ ધામ કહેવાય.
પ્ર.૮. રાધિકા, લક્ષ્મી, મૂર્તિમાન આયુધ, નંદસુનંદ, શ્રીદામાદિક પાર્ષદ તથા અણિમાદિક સિદ્ધિઓ તેમણે સેવ્યા છે, અને ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે એમ કહ્યું, તે સર્વે અક્ષરધામમાં શ્રીજીમહારાજની સેવામાં હશે કે કેમ? અને વેદ સ્તુતિ કરતા હશે કે કેમ?
ઉ.૮. જ્યારે શ્રીજીમહારાજ દયા કરીને સર્વેનો મોક્ષ કરવા મનુષ્યરૂપે દર્શન આપે છે, ત્યારે પોતાના અવતારો તથા તે અવતારોના પાર્ષદો એ સર્વે પોતાના કલ્યાણને અર્થે અહીં આવે છે, તે સર્વે શ્રીજીમહારાજની સેવા કરે છે, તે (મ. ૫૮ના પહેલા પ્રશ્નોત્તરમાં) ચોથા હેતુમાં કહ્યું છે, અને વેદ પણ તેવી
જ રીતે સ્તુતિ કરે છે.
પ્ર.૯. વાસુદેવાદિક ચતુર્વ્યૂહ તથા કેશવાદિક તથા વારાહાદિક અવતાર એ સર્વેના ધરનારા શ્રીજીમહારાજને કહ્યા. તથા નરનારાયણરૂપે અને શ્રીકૃષ્ણ ને અર્જુનરૂપે પ્રગટ થયા એમ કહ્યું, તે શ્રીજીમહારાજ તો સર્વોપરી છે ને તે તે રૂપે કહ્યા તે કેમ સમજવું?
ઉ.૯. સર્વ અવતારોને વિષે શ્રીજીમહારાજનો આવિર્ભાવ છે; માટે એ અવતારો પોતાના જ છે, તેથી પોતે
પ્રગટ થયા એમ કહ્યું છે. તે (પ્ર. ૨૭/૧માં) ‘આગળ થઈ ગયાં ને હમણાં થાય છે, અને આગળ થાશે તે
સર્વે આર્ય અમારાં જાણવાં.’ એટલે એ સર્વ અવતારોમાં શ્રીજીમહારાજની સત્તા છે; માટે સર્વે અવતારના ધરનારા કહ્યા છે.
પ્ર.૧૦. ત્રીજી બાબતમાં બદરિકાશ્રમમાં નરનારાયણ અને ૠષિઓ રહ્યા છે. તેમને શાપ થયો, ને તે જ પૃથ્વી ઉપર પ્રગટ થયા એમ (૫) બાબતમાં કહ્યું છે ને તમે બીજી બાબતના (૯) પ્રશ્નોત્તરમાં નરનારાયણાદિક સર્વે અવતારોના અવતારી શ્રીજીમહારાજ પોતે પધાર્યા છે એમ કહ્યું, અને શ્રીજીમહારાજે પણ (પ્ર. ૩૧/૩માં) પોતાને અક્ષરાતીત કહ્યા છે; અને (૭૮ના નવમા પ્રશ્નમાં) ‘અમે કૃપા કરીને દર્શન દીધાં છે.’ એમ કહ્યું છે એમ જોતાં તો શ્રીજીમહારાજ પોતે જ પધાર્યા છે માટે તે પરસ્પર વિરોધ આવે છે તે કેમ સમજવું?
ઉ.૧૦. જે વખતે અક્ષરધામમાં શ્રીજીમહારાજે અનંત જીવોના ઉદ્ધારને અર્થે આ બ્રહ્માંડમાં પધારવાનો સકલ્ પ કર્યો, તે જ વખતે બદરિકાશ્રમમાં નરનારાયણને શાપ થયો માટે નરનારાયણને મિષે કરીને અક્ષરધામના પતિ શ્રી સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ પોતે શ્રી છપૈયા ધામને વિષે ભક્તિધર્મ થકી પ્રગટ થાતા હવા, તે (જે. ૪ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) ‘શ્રી પુરુષોત્તમ તે જે તે આજ તમને સર્વેને નરનારાયણ ૠષિરૂપે થઈને મળ્યા છે.’ તથા (૫./૧માં) અમે ‘અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ છીએ’ એમ કહ્યું છે; માટે શ્રીજીમહારાજે દયા કરીને દર્શન આપ્યાં છે તે વાત સાચી છે, અને નરનારાયણને શાપ થયો તે વાત પણ સાચી છે.
પ્ર.૧૧. અક્ષરધામને વિષે રહેલા શ્રીકૃષ્ણ ભગવાને વૃદાવનને વિષે ભક્તિધર્મને દર્શન આપ્યાં એમ ચોથી
બાબતમાં કહ્યું તે શ્રીકૃષ્ણ કિયા જાણવા? અને અક્ષરધામ કિયું જાણવું?
ઉ.૧૧. ભક્તિધર્મને શ્રીજીમહારાજે દર્શન આપ્યું છે માટે શ્રીકૃષ્ણ નામે શ્રીજીમહારાજને કહ્યા છે; ને અક્ષરધામ પણ શ્રીજીમહારાજનું કહ્યું છે.
પ્ર.૧૨. ભક્તિધર્મને શ્રીજીમહારાજે દર્શન આપ્યાં ત્યારે ‘મે પૂર્વે દૈત્યોને માર્યા હતા’ એમ કેમ કહ્યું?
ઉ.૧૨. પૂર્વે જે જે અવતાર થઈ ગયા છે, અને હવે જે જે થશે તે સર્વેને ઐશ્વર્ય આપનારા શ્રીજીમહારાજ છે, માટે પરોક્ષ અવતારોએ શ્રીજીમહારાજના ઐશ્વર્યના પ્રતાપે કરીને દૈત્યોને માર્યા છે, માટે શ્રીજીમહારાજે
માર્યા છે એમ જાણવું, તે (પ્ર. ૨૭/૧માં) ‘પૂર્વે જે જે આર્ય થઈ ગયાં ને આજ થાય છે, ને આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે’ એમ કહ્યું છે.
પ્ર.૧૩. રામાનંદ સ્વામીને ઉદ્ધવનો અવતાર આઠમી બાબતમાં કહ્યા તેનો અર્થ શો સમજવો?
ઉ.૧૩. ‘ઉત્’ એટલે ઉત્કૃષ્ટ એવા ‘ધવ’ કહેતાં સ્વામી, તે ઉદ્ધવ કહેવાય, એટલે ઉત્કૃષ્ટ સ્વામી એવા જે શ્રીજીમહારાજ તેમના અવતાર એટલે મુક્ત તે રામાનંદ સ્વામી હતા એમ કહ્યું છે.
પ્ર.૧૪. રામાનંદ સ્વામીને તમે શ્રીજીમહારાજના મુક્ત કહ્યા અને આઠમી બાબતમાં ‘રામાનંદ સ્વામી દેહોત્સવ કરીને બદરિકાશ્રમ જતા હવા, ને દુર્વાસાના શાપ થકી મુકાતા હવા.’ એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવ્યો તે કેમ સમજવું?
ઉ.૧૪. નરનારાયણના શાપ નિમિત્તે શ્રીજીમહારાજ પોતે પધાર્યા છે તેથી પોતાનું નામ નરનારાયણ કહ્યું છે. અને તેથી જ પોતાના અક્ષરધામને બદરિકાશ્રમ નામે કહ્યું છે. માટે અક્ષરધામમાં ગયા એમ સમજવું અને શાપ નિમિત્તે પધાર્યા હતા, તેથી શાપથી મુકાતા હવા એમ કહ્યું છે.
પ્ર.૧૫. નવમી બાબતમાં શ્રીજીમહારાજ પોતાના આશ્રિતોને લક્ષ્મી-રાધિકાદિક તથા શ્રીકૃષ્ણાદિક ઘણે રૂપે
પોતાનું દર્શન દેતા હવા. એમ કહ્યું તે શ્રીજીમહારાજ પોતે દેખાયા હશે કે શ્રીકૃષ્ણાદિક અવતારોને દેખાડ્યા હશે?
ઉ.૧૫. સર્વે અવતારો રૂપે તથા લક્ષ્મી-રાધિકા તથા સર્વે પાર્ષદો રૂપે પોતે દેખાયા છે. એમ એ જ બાબતમાં કહ્યું છે.
પ્ર.૧૬. શ્રીજીમહારાજ કોટી કોટી સૂર્ય સરખું પોતાનું તેજ દેખાડતા હવા તે તેજ કિયું જાણવું?
ઉ.૧૬. શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો સમૂહ છે, તે પ્રકાશને (પ્ર. ૭/૧માં) તથા (છે. ૩૬ના પહેલા પ્રશ્નમાં) બ્રહ્મજ્યોતિ કહ્યો છે. તે બ્રહ્મજ્યોતિની અનંત કિરણો છે તેમાંથી એક કિરણના કિંચિત્ પ્રકાશને દેખાડતા હવા, તેને કોટી કોટી સૂર્ય સરખો પ્રકાશ કહ્યો છે અને સમગ્ર પ્રકાશને અક્ષરધામ કહ્યું છે માટે ઉપર કહ્યો એટલા પ્રકાશે કરીને અક્ષરધામની કિરણનો કિંચિત્ પ્રકાશ સમજવો પણ સમગ્ર અક્ષરધામ ન સમજવું.
પ્ર.૧૭. દ્રષ્ટા એવું જે બ્રહ્મ તે રૂપે શ્રીજીમહારાજ પોતાનું દર્શન દેતા હવા એમ કહ્યું તે દ્રષ્ટા એવું જે બ્રહ્મ તે શું સમજવું?
ઉ.૧૭. દ્રષ્ટા એવું જે બ્રહ્મ કહ્યું તે મૂળપુરુષ ઈશ્વરને કહ્યા છે, તે મૂળપુરુષને (સા. ૬ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) અંતર્યામી, ફ્ળપ્રદાતા, દ્રષ્ટા, બ્રહ્મ, પરબ્રહ્મ એવે નામે કહ્યા છે, તે મૂળપુરુષ રૂપે પોતે દેખાતા હવા. તે (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) સચ્ચિદાનંદ કહ્યા છે.
પ્ર.૧૮. મૂળ અજ્ઞાન કહ્યું એ તે શું સમજવું?
ઉ.૧૮. કારણ શરીર છે તે જીવની માયા છે, તે મૂળ અજ્ઞાન છે તે (કા. ૧૨ના પહેલા પ્રશ્નમાં) કહ્યું છે, અને બીજુ શ્રીજીમહારાજ જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂર્તિમાન મૂળઅક્ષરકોટીથી પર છે, એવું ન સમજાય અને શ્રીજીમહારાજ વિના અન્ય દેવની ઉપાસના થઈ જાય તે પણ મૂળ અજ્ઞાન કહેવાય. તે (લો. ૧૭ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) કહ્યું છે જે અક્ષરાદિક સર્વેના સુખનું પરિમાણ કરીને ને અમારા સુખને સર્વેથી અધિક માનીને અમારી મૂર્તિમાં જોડાવુ, એવું ન સમજાય ત્યાં સુધી મૂળ અજ્ઞાન છે. તે મૂળ અજ્ઞાન ટાળવા સારુ શ્રીજીમહારાજ પધાર્યા છે, માટે મૂળઅક્ષરાદિક અન્ય દેવની ઉપાસના થઈ જાય એ જ મૂળ
અજ્ઞાન છે.
પ્ર.૧૯. બ્રહ્મની તથા અક્ષરની કોટીઓ કહો છો તે કિયા વચનામૃતમાં છે?
ઉ.૧૯. (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) ‘અમારા ભક્ત અમને ભજીને અમારા પ્રતાપે કરીને પ્રકૃતિપુરુષ
જેવા થાય અને બ્રહ્મ જેવા થાય તથા અક્ષર જેવા થાય પણ અમારા જેવા કોઈ ન થાય,’ એમ કહ્યું છે. માટે મૂળપુરુષ તથા બ્રહ્મ જે વાસુદેવ તથા અક્ષરાદિક અનંત થાય, માટે કોટીઓ છે એમ જાણવું.
પ્ર.૨૦. અગિયારમી બાબતમાં શ્રીજીમહારાજે મોટાં મોટાં શિખરબંધ મંદિરો કરાવીને તેમાં મૂર્તિઓ સ્થાપન કરી એમ કહ્યું, તે પરોક્ષ અવતારોની મૂર્તિઓ સ્થાપન કરવાનું શું કારણ હશે?
ઉ.૨૦. શ્રીજીમહારાજે પોતે અવતારો રૂપે દર્શન આપ્યાં હતાં, તે જ પોતાનાં સ્વરૂપ પધરાવ્યાં છે, પણ બીજા અવતારોને પધરાવ્યા નથી. માટે આપણા સંપ્રદાયનાં સર્વ મંદિરોમાં જે જે પરોક્ષ નામે મૂર્તિઓ છે, તે તે સર્વે રૂપે શ્રીજીમહારાજ પોતે જ છે, પણ બીજા અવતારો નથી પધરાવ્યા એમ જાણવું.
પ્ર.૨૧. શ્રીજીમહારાજે બીજા અવતારો રૂપે મતવાદીઓને પોતાનાં દર્શન આપ્યાં તે સ્વરૂપોને મંદિરોમાં પધરાવ્યાનું શું કારણ હશે?
ઉ.૨૧. એવે રૂપે શ્રીજીમહારાજનું દર્શન કરવાથી પરોક્ષના આશ્રિતોને હેત થાય તેથી દર્શને આવે, ને પછી સત્પુરુષનો સમાગમ કરે તેણે કરીને શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને શ્રીજીમહારાજના આશ્રિત થાય, ને તેનું મૂળ અજ્ઞાન ટળીને તેનો આત્યંતિક મોક્ષ થાય, માટે તે સ્વરૂપ પધરાવ્યાં છે.
પ્ર.૨૨. આપણા સંપ્રદાયનાં મંદિરોમાં જે સ્વરૂપ પધરાવ્યાં છે તે સર્વે સ્વરૂપ અક્ષરકોટીથી તથા મુક્તોથી પર જાણવાં કે ન્યૂન જાણવાં?
ઉ.૨૨. એ મૂર્તિઓ મૂળઅક્ષરથી તથા મુક્તોથી પર છે, કેમ જે શ્રીજીમહારાજનાં પોતાનાં સ્વરૂપ છે માટે શ્રીજીમહારાજ પોતે જ છે.
પ્ર.૨૩. એ મૂર્તિઓનું ધ્યાન થાય કે નહિ?
ઉ.૨૩. ઘણાક જીવોના સમાસને અર્થે એ રૂપ પધરાવ્યાં છે. પણ ધ્યાન કરવા સારુ પધરાવ્યાં નથી; ધ્યાન કરવા માટે તો સહજાનંદસ્વામી, હરિકૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, એવા નામની પોતાની ર્તિઓ પધરાવી છે, તે મૂર્તિઓનું જ ધ્યાન કરવું; તે (લો. ૧૧ના ૨/૪ બીજા પ્રશ્નમાં) ‘પોતાને મળી જે મૂર્તિ તેનું જ ધ્યાન કરવું પણ પરોક્ષ અવતારોનું ધ્યાન કરવું નહિ’ એમ કહ્યું છે માટે પરોક્ષરૂપે દેખાયા તે પણ ધ્યાન કરવું નહિ.
[/raw]