[raw]
ગઢડા મધ્ય : ૮
સંવત 1878ના શ્રાવણ સુદિ 12 દ્વાદશીને દિવસ પ્રાત:કાળને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પરમહંસ તાળ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજ સંતો પ્રત્યે બોલ્યા જે,
એટલી વાત કરીને શ્રીજીમહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યાં. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે,
અને અંર્તદૃષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે અંર્તદૃષ્ટિ તે શું? તો તેનો ઉત્તર એ છે જે બહાર અથવા માંહીલી કોરે ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી એ જ અંર્તદૃષ્ટિ છે અને તે વિના તો અંર્તદૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્યદૃષ્ટિ જ છે, માટે બહાર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનનાં કથા-કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંર્તદૃષ્ટિ છે અને એ સર્વે જ્ઞાનયજ્ઞ થાય છે અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન-વંદનાદિક જે જે કરવું તે પણ અંર્તદૃષ્ટિ છે ને જ્ઞાનયજ્ઞ છે, માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાનયજ્ઞ થાય છે અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થાતી તે તો પરમેશ્વરની ઇચ્છાએ કરીને એમ રહ્યું છે અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઈ વતે કરીને એમ રહ્યું છે અને કોઈક મૂર્ખ લોક છે તે એમ કહે છે જે, ગોપિકાના અંગનાં કીર્તન હોય તે રહેવા દ્યો ને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ તથા જે ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરાં, ગધેડાં ઇત્યાદિક સર્વે નિર્ગુણ કહેવાય, માટે એ તો મૂર્ખની સમજણ છે, અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે, ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે અને જે જે કથા-કીર્તનને વિષે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય અને જે કથા-કીર્તનને વિષે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉઘાડા ફરે તો પણ નિર્ગુણ ન કહેવાય અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય, માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે અને તે જે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહિ અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્યે કરીને થાતો નથી; એ તો શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે:– अनेक जन्म संसिद्धस्ततो याति परां गतिम् ॥ એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે તેણે કરીને જે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે તે પરમપદ તે શું જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. અને વળી શ્રીકૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે:– ममैवांशो जीवलोके जीवभूत: सनातन:। मन: षष्ठानींद्रियाणि प्रकृतिस्थानि कर्षति॥ એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચજ્ઞાન ઇંદ્રિયો તેને પંચવિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇંદ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લેઈ જાય છે, માટે આપણ સર્વે ઇંદ્રિયોના દોર્યા દોરાતા નથી તો જો ભગવાનના અંશ છીએ, એવું જાણીને અતિશે આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વે ઇંદ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થાતું નથી; અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ ને નારદ પંચરાત્ર એ આદિક સર્વે સત્શાસ્ત્રનો એ જ સિદ્ધાંત છે જે, યજ્ઞ રહિતનું કલ્યાણ થાતું નથી, માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાનયજ્ઞ કરતા રહેજ્યો અને એમ ને એમ જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાનયજ્ઞનું ફળ છે, એવી રીતે જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો; અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું, અને નિરન્નમુક્ત જેવા થાવાની અતિશે ઇચ્છા રાખવી પણ શ્રદ્ધા રહિત થાવું નહિ અને પોતાને વિષે અપૂર્ણપણું માનવું નહિ ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને ને સાવધાન થઈને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 8 || (141)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે એકાદશીનું વ્રત કરવાની વિક્તિ કહી છે. (1) બીજામાં ઇંદ્રિયોને પાછાં વાળીને આત્માને વિષે રાખે તે યોગયજ્ઞ છે અને આત્મામાં મૂર્તિ દેખાય એ યોગયજ્ઞનું ફળ છે. (2) અને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેને વિષે પરબ્રહ્મ એવા જે અમે તે અમારો સાક્ષાત્કાર થાય તે જ્ઞાનયજ્ઞનું ફળ છે અને પોતાના આત્માને વિષે અમારું દર્શન થાય ત્યારે જ જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ પૂરો જાણવો એમ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ (2/3 બીજા પ્રશ્નમાં) અમારી મૂર્તિ ધાર્યા વિના અંર્તદૃષ્ટિ કરીને બેઠો છે તો પણ બાહ્યદૃષ્ટિ જ છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે મૂર્તિ વિના અંતર્વૃત્તિએ બીજું શું જોતો હશે? અને બહાર અથવા માંહી મૂર્તિ સામું જોઈ રહેવું એ અંર્તદૃષ્ટિ કહી તે બહારમાંહી કેવી રીતે મૂર્તિ જોવી?
ઉ.૧ ઉપાસના વિનાનો કેવળ આત્મનિષ્ઠ હોય તે આત્માને જોવાની ઇચ્છાથી ધ્યાન કરતો હોય તે પણ બાહ્યદૃષ્ટિવાળો છે, કેમ જે મૂર્તિની ઉપાસના વિના આત્મા પણ દેખાય નહિ અને મૂર્તિથી બહાર રહીને મૂર્તિ જોવી અથવા મૂર્તિને અંદર રહીને જોવી એ પરભાવની અંર્તદૃષ્ટિ છે અને આત્માને માંહી ને આત્માથી બહાર મૂર્તિ જોવી તે અવરભાવની અંર્તદૃષ્ટિ છે.
પ્ર.૨ ઇંદ્રિયોના દોર્યા ન દોરાય તેને ભગવાનના અંશ કહ્યા તે અંશ કેવી રીતે જાણવા?
ઉ.૨ ભગવાન સ્વતંત્ર છે તે સ્વતંત્રપણાનો અંશ જેમાં આવે તે ઇંદ્રિયો-અંતઃકરણને વશ રાખે એવા ભક્ત થાય માટે અંશ કહ્યા છે.
પ્ર.૩ જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો એમ કહ્યું અને વળી નિરન્નમુક્ત જેવા થવાની ઇચ્છા રાખવી એમ કહ્યું તે નિરન્નમુક્ત તો વાસુદેવના ભક્ત છે અને આપણે તો તેથી પર જે અક્ષરકોટી ને તેથી પર જે શ્રીજીમહારાજના મુક્ત છે તેવું થાવું છે અને શ્વેતદ્વીપના મુક્ત જેવું થાવું એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૩ જે શ્વેતદ્વીપનાં મુક્ત વાસુદેવ ભગવાનની મૂર્તિને સદાય દેખે છે તેમ તમે સર્વે તમારા આત્માને વિષે અમારી મૂર્તિ દેખો ત્યારે તમારું પૂરું થયું એમ માનજ્યો એમ કહ્યું છે.
|| ——-x——- ||
[/raw]