સંવત 1876ના મહા સુદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઘોડશાળની ઓસરીએ ગાદલું નખાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો, ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત સામું જોઈને ઝાઝીવાર વિચારી રહ્યા ને પછી એમ બોલ્યા જે,
અને વળી શ્રીજીમહારાજે બીજી વાર્તા કરી જે, સાચો ત્યાગી કેને કહીએ તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય, જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થાતો નથી તેમ સંકલ્પ ન થાય. ત્યાં શુકજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે જે ॥ त्यज धर्म मधर्मं च…॥ એ શ્લોકનું હાર્દ એ છે જે, એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગી કહીએ; અને જે ગૃહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું જે, આ મારી મિથિલા નગરી બળે છે, પણ તેમાં મારું કાંઈ બળતું નથી, ત્યાં શ્લોક છે જે:
॥ मिथिलायां प्रदीप्तायां न मे दह्यति किंचन ॥
એમ સમજે ને ગૃહમાં રહેતો હોય તે ગૃહસ્થ હરિભક્ત ખરો કહેવાય, અને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગૃહસ્થ ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય, અને મોરે કહ્યો એવો જે હોય તે તો એકાંતિક ભક્ત કહેવાય, એવી રીતે વાર્તા કરી.(બા.૨)
પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) દેહ, ઇંદ્રિયો તથા અંત:કરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે, દેહ ને ઇંદ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને સર્વેથી જુદો છે એને જીવ કહીએ, અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદાં જુદાં સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ, એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે એવી રીતે વાર્તા કરી.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 38 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પોતાના મનનો નિરંતર તપાસ કરવો તથા અમારી મૂર્તિમાં નિમગ્ન રહી ન શકે તેને અમારાં લીલા-ચરિત્ર સંભારવાં, તથા અમારી મૂર્તિનું ચિંતવન કરવું, તથા બીજાના ઘાટને ટાળી નાખે એવા અમારા સમર્થ મુક્તનો સંગ કરવો ને પોતપોતાના ધર્મમાં રહેવું, અને અમારો મહિમા સમજીને નિર્વાસનિક થાવું. (1) અને અમારા વિના બીજો સંકલ્પ જ ન થાય ને આત્માપણે વર્તે ને અમારી ઉપાસના કરે તે સાચો ત્યાગી છે, અને અમારા વિના બીજું કાંઈ પોતાનું મનાય જ નહિ તે ખરો હરિભક્ત છે. (2) બીજા પ્રશ્નમાં જે સમજાવી શકે ને સમજી શકે તે જીવનું સ્વરૂપ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં જેને ઘાટ થતા હોય ને જેને ઘાટ ન થતા હોય ને જે બીજાના ઘાટ ટાળી નાખે તેને કેવા જાણવા?
ઉ.૧ જેને ઘાટ થાતા હોય તે પ્રાકૃત ગુણબુદ્ધિવાળા જાણવા, અને જેને ઘાટ ન થાતા હોય તેને એકાંતિક સંત જાણવા, અને બીજાના ઘાટને ટાળી નાખે તેને સિદ્ધદશાવાળા જાણવા.