[raw]
ગઢડા પ્રથમ : ૨૭
સંવત 1876ના પોષ સુદિ 12 દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ દિવસ ઊગ્યા પહેલાં શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 27 ||
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમને સર્વે કર્તા-હર્તા જાણે, અને માન-અપમાન તથા સર્વ પદાર્થને વિષે સમભાવ થાય, તેના હૃદયમાં અમે નિવાસ કરીએ છીએ. પછી તે ભક્ત અમારે પ્રતાપે કરીને અનંત ઐશ્વર્યને પામે છે, ને અનંત જીવોના ઉદ્ધારને કરે એવો સમર્થ થાય છે. (1) અને ગરીબને બીવરાવે તથા સિદ્ધાઈ દેખાડીને લોકોને બીવરાવે તે માયાના જીવ છે, ને યમપુરીના અધિકારી છે. (2) અને રૂપવાન સ્ત્રી, સારી મેડી, સારું વસ્ત્ર તેમાં મોહ પામે એવા ગૃહસ્થ તથા સારી તુંબડી, સારું પાત્ર તેમાં મોહ પામે એવા ત્યાગી તે તુચ્છ બુદ્ધિવાળા છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ (પહેલી બાબતમાં) આગળ થઈ ગયાં ને આજ થાય છે ને આગળ થશે તે સર્વે આશ્ચર્ય અમારાં જાણવાં એમ શ્રીજીમહારાજે કહ્યું તે આગળ તો બીજા અવતારોએ આશ્ચર્ય કર્યાં છે, અને પછી થશે તે પણ બીજા અવતારો થશે તે કરશે તે બીજા અવતારોનાં કરેલાં આશ્ચર્ય તે શ્રીજીમહારાજનાં કેવી રીતે જાણવાં?
ઉ.૧ શ્રીજીમહારાજના આપેલાં ઐશ્વર્ય વડે કરીને સર્વે અવતારો આશ્ચર્ય જણાવે છે, માટે સર્વે આશ્ચર્ય શ્રીજીમહારાજનાં છે એમ જાણવું.
પ્ર.૨ જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યાદિક અનંત શુભ ગુણે સંપન્ન થાય અને તેમાં શ્રીજીમહારાજ નિવાસ કરે ત્યારે તે ભક્ત કેવો કહેવાય?
ઉ.૨ શ્રીજીમહારાજ નિવાસ કરે ત્યારે તે ઉત્તમ એકાંતિક ભક્ત કહેવાય.
પ્ર.૩ એ સંતને સર્વ જગતના આધારરૂપ કહ્યા તે આધાર કેવી રીતે સમજવા અને સર્વની ઇંદ્રિયોને સચેતન કરે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૩ આ ઠેકાણે આધારરૂપ એટલે સર્વ જીવમાત્રને આશ્રય કરવા રૂપ કહ્યા છે પણ ધારણ કરનાર કહ્યા નથી અને એવા એકાંતિકને વિષે શ્રીજીમહારાજ રહીને તેનો આશ્રય કરનારને પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવે ને એની ઇંદ્રિયોને વિષયને માર્ગેથી પાછી વાળીને પોતાને સન્મુખ ચાલવાની સામર્થી આપે છે એમ સચેતન કરે છે એમ કહ્યું છે.
પ્ર.૪ (બીજી બાબતમાં) ગરીબને દુ:ખાડે તો યમપુરીમાં જાય એમ કહ્યું અને (પ્ર. 72ના 1/2 પહેલા પ્રશ્નમાં) ગરીબને દુ:ખાડ્યાનું બ્રહ્મહત્યા જેટલું પાપ કહ્યું છે તથા (વ. 11ના પહેલા પ્રશ્નમાં) ગરીબને દુ:ખાડવાથી જીવ નાશ પામે છે એમ કહ્યું છે તે જે ગરીબને દુ:ખાડવાથી યમપુરીમાં જવાય તે ગરીબ કેવો જાણવો? અને જે ગરીબને દુ:ખવેથી બ્રહ્મહત્યા જેટલું પાપ થાય તે ગરીબ કેવો જાણવો? અને જે ગરીબને દુ:ખવેથી જીવ નાશ પામે તે ગરીબ કેવો જાણવો?
ઉ.૪ દબાઈને સામો થઈ શકે નહિ એવા ગરીબને દુ:ખવે તો યમપુરીમાં જાય અને પહોંચી શકે એવો હોય પણ સ્વભાવે ગરીબ હોય તેને દુ:ખવે તો બ્રહ્મહત્યા જેવું પાપ થાય અને સ્વભાવે ગરીબ હોય ને બ્રહ્મચર્ય-અહિંસાદિક ધર્મને વિષે અતિશે દૃઢતાવાળો હોય ને દુ:ખવનારનું ભૂંડું થવાનો સંકલ્પ પણકરે નહિ એવા ગરીબને દુ:ખવે તો જીવ નાશ પામી જાય.
પ્ર.૫ (ત્રીજી બાબતમાં) સંતતા કહી તે કેવી જાણવી? અને સંતના ગુણ કહ્યા તે કિયા જાણવા?
ઉ.૫ સર્વ પદાર્થને વિષે તથા માન-અપમાનને વિષે સમભાવ તથા સહનશક્તિ તે સંતતા જાણવીઅને આત્યંતિક કલ્યાણરૂપી પોષણ કરવાની સામર્થી તે સંતના ગુણ જાણવા.
પ્ર.૬ સત્સંગમાં પામર જેવો હોય તેનું પણ કલ્યાણ થાય છે એમ કહ્યું તે પામર જેવો કોને જાણવો? તથા વિષયી તથા મુમુક્ષુ તથા પતિતનાં કેવાં લક્ષણ હોય?
ઉ.૬ શ્રીજીમહારાજની બાંધેલી પંચ વર્તમાનની મર્યાદા યથાર્થ પાળે પણ સાર-અસારનો કાંઈ વિવેક ન હોય, ને પ્રમાદી હોય, ને સત્સંગની સેવા કાંઈ પણ કરે નહિ, અને ધ્યાન, ભજન આદિક સાધન કરે નહિ, એ પામર કહેવાય. અને જે પંચ વર્તમાનમાં રહીને નવધા ભક્તિ આદિક શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન કરે અને શ્રીજીમહારાજને પામવાની એટલે આત્માને વિષે દેખવાની ઇચ્છા રાખે, પણ તેનો ઉપાય ન કરે તે વિષયી કહેવાય. અને જે પંચ વર્તમાનમાં રહીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા માહાત્મ્યે સહિત નિષ્કામ ભક્તિ આદિક શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન કરે, અને શ્રીજીમહારાજને પોતાના આત્માને વિષે દેખવાનો અતિ આગ્રહપૂર્વક અભ્યાસ કરે, તે મુમુક્ષુ જાણવો અને જે પંચ વર્તમાનમાં ફેર પાડે તેને તો પતિત જાણવો ને તેનાથી કોઈ સાધન સિદ્ધ થાય જ નહિ, ને તેનું કલ્યાણ પણ થાય જ નહિ.
|| ——-x——- ||
[/raw]