[raw]
ગઢડા મધ્ય : ૬૭
સંવત 1881ના મહા વદિ 3 તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગંગાજળિયા કૂવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને પોતાની આગળ સાધુ દુકડ-સરોદા લઈને વિષ્ણુપદ ગાવતા હતા.
તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ જે,
ઇતિ વચનામૃતમ્ || 67 || (200)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્ત અમને જેવા જાણે તેવા થાય છે. તો પણ અમારો મહિમા, સામર્થી, પ્રતાપ, ઐશ્વર્ય તે અતિશે અપાર દેખાય છે તેણે કરીને અમારે વિષે સ્વામી-સેવકપણું અતિ દૃઢ થાય છે. (1) બાબત છે.
પ્ર.૧ અમારા ભક્ત અમારા સરખા થાય એમ કહ્યું અને (કા. 10ના 1/4 પહેલા પ્રશ્નમાં) અમારો ભક્ત છેવટ અક્ષર જેવો થાય, પણ અમારા જેવો ન થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૧ (કા. 10માં) ઐશ્વર્યની ઇચ્છાવાળા સકામ ભક્તની વાત કહી છે જે અમારા ભક્ત ઐશ્વર્યને ઇચ્છે તો છેલ્લામાં છેલ્લી મૂળઅક્ષરની પદવીને પામે, પણ અમારી જે પદવી છે તે ન મળે અને આમાં જે ઐશ્વર્યને ન ઇચ્છે ને એક શ્રીજીમહારાજની સેવાને જ ઇચ્છે એવા નિષ્કામ ભક્તની વાત કહી છે, માટે જે સેવાને ઇચ્છે એવા જે નિષ્કામ ભક્ત તે શ્રીજીમહારાજના સાર્ધમ્યપણાને પામે, એટલે મુક્ત થાય એમ કહ્યું છે, માટે એમાં સકામ ભક્તની પ્રાપ્તિ કહી છે. અને આમાં નિષ્કામ ભક્તની પ્રાપ્તિ કહી છે.
પ્ર.૨ જેવા શ્રીજીમહારાજને જાણે તેવો ભક્ત થાય એમ કહ્યું ત્યારે મૂળઅક્ષર તથા તેથી પર પરમ એકાંતિક તથા તેથી પર અનાદિમુક્ત તેથી શ્રીજીમહારાજને પર જાણે તો તે ભક્ત કેવો થાય?
ઉ.૨ અનાદિમુક્તની પદવીથી પર દાસની પદવી છે જ નહિ; તેથી પર તો સ્વામીની જ પદવી છે, અને જે દાસ હોય તે સ્વામીની પદવીને ઇચ્છે જ નહિ, અને જે દાસપણું મૂકી દઈને સ્વામીની પદવીને ઇચ્છે તેને તો કાંઈ પણ પ્રાપ્તિ ન થાય, અને એ શ્રીજીમહારાજને ગમે જ નહિ, તે (છે. 26ના 3/4 ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને અભેદપણે ભજે તે ન ગમે, માટે જે દાસપણું મૂકી દે તે અભેદપણે ભજ્યા કહેવાય.
પ્ર.૩ અમે અમારા મહિમાના પારને પામતા નથી એમ કહ્યું તે શ્રીજીમહારાજ તો પોતે સાક્ષાત્ ભગવાન છે તેમને તો કાંઈ પણ અગમ્ય ન હોય, માટે પારને પામતા નથી એમ કહેવાનું શું કારણ હશે?
ઉ.૩ એ તો પોતાના મહિમાનું અપારપણું કહેવા માટે એમ કહ્યું છે, જે અમારો મહિમા તો અતિશે અપાર છે, તેને કોઈ જાણી શકવા સમર્થ છે જ નહિ, અને અમે આટલું જ કરી શકીએ ને આટલું જ જાણી શકીએ એવો કોઈ અવધિ નથી, માટે અમારા મહિમાનો કોઈ પ્રકારે અવધિ નથી.
પ્ર.૪ આમાં તથા(પ્ર. 63નાં 3/4 ત્રીજા પ્રશ્નમાં,64/3માં,સા. 11ના પહેલા પ્રશ્નમાં, લો. 13ના બીજા પ્રશ્નમાં,મ. 66ના સાતમા પ્રશ્નમાં,છે. 37 તથા 39/5માં) પુરૂષોત્તમના સાર્ધમ્યપણાને પામે છે, એમ કહ્યું છે અને (પ્ર. 21/8માં,40ના પહેલા પ્રશ્નમાં, તથા સા. 17/2માં) મહાતેજ જેવો થાય એમ કહ્યું છે, તે અક્ષરધામનું અને પુરૂષોત્તમનું સાર્ધમ્યપણું કેવી રીતે જાણવું?
ઉ.૪ (પ્ર. 21/8માં) અક્ષરના સાર્ધમ્યપણાને પામે છે એમ કહ્યું છે, તે સાધનકાળમાં સાધન કરતાં કરતાં પામે છે અને અક્ષરના સાર્ધમ્યપણાને પામ્યા એવા અનંત મુક્તો રહ્યા છે એમ કહ્યું છે, તે પણ સાધન કરીને પામ્યા પછી રહ્યા છે તેમની વાત છે, અને (પ્ર. 40માં) પણ અક્ષરબ્રહ્મના સાર્ધમ્યપણાને પામીને અમારી મૂર્તિને વિષે નિમગ્ન રહેતો હોય તે નિર્વિકલ્પ સમાધિવાળો છે, તે પણ સાધનદશાવાળાને કહ્યું છે અને(સા. 17માં) ખદ્યોતથી કરીને મહાતેજ જેવો થાય છે તે પણ સાધનદશાવાળાની વાત છે, માટે સાધનકાળમાં બ્રહ્મનું મનન કરતાં કરતાં બ્રહ્મનાં ગુણ એમાં આવે છે, તે (મ. 31ના 1/2 પહેલા પ્રશ્નમાં) બ્રહ્મનું મનન કરતાં કરતાં બ્રહ્મના ગુણ એમાં આવે છે એમ કહ્યું છે, ને બ્રહ્મના ગુણ આવે ત્યારે તે બ્રહ્મરૂપ થાય ત્યારે તે શ્રીજીમહારાજનો કૃપાપાત્ર થયો પછી શ્રીજીમહારાજની કૃપા થાય, તે (સા. 11ના પહેલા પ્રશ્નમાં) આત્મસત્તાને પામે કહેતાં શ્રીજીમહારાજના તેજરૂપ આત્મા તે જેવો થાય છે, તે પછી અમે કૃપા કરીએ ત્યારે અમારા તુલ્યપણાને કહેતાં સાર્ધમ્યપણાને પામે છે એમ કહ્યું છે, માટે સાધનકાળમાં સાધન કરતાં કરતાં અક્ષરબ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થાય, ને પછી શ્રીજીમહારાજની કૃપા થાય ત્યારે તે પુરૂષોત્તમરૂપ થાય, માટે સિદ્ધ થયા પછી તો પુરૂષોત્તમનું જ સાર્ધમ્યપણું રહે છે, પણ અક્ષરનું રહેતું નથી કેમ જે શ્રીજીમહારાજ જેવા દિવ્ય સાકાર છે તેવા જ મુક્ત પણ દિવ્ય સાકાર છે, માટે મૂર્તિમાન થયા પછી મૂર્તિમાન પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જ સાર્ધમ્યપણું રહે છે, પણ નિરાકાર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનું સાર્ધમ્યપણું રહેતું નથી, માટે અક્ષરબ્રહ્મનું સાર્ધમ્યપણું કહ્યું છે તે સાધનકાળની વાત છે.
ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિ:સૃત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં ગઢડા મધ્ય પ્રકરણં સમાપ્તમ્
|| ——-x——- ||
[/raw]