[raw]
ગઢડા છેલ્લું : ૩૭
સંવત 1885ના વૈશાખ સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદેબાર ઓરડાની ઓસરીએ ચાકળા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી જે,
ઇતિ વચનામૃતમ્ || 37 || (271)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા જેવો બીજા કોઈનો આકાર નથી, ને અમારા વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરે છે ને અમારા જેવો બીજો કોઈ નથી, અને અમારા ધામમાં અમારા ભક્ત છે તેનો આકાર અમારા જેવો જ છે, તો પણ તે પુરુષ છે અને અમે પુરૂષોત્તમ છીએ ને એ મુક્તોથી શ્રેષ્ઠ છીએ ને એ મુક્તોને ઉપાસ્ય ને સ્વામી છીએ ને એ મુક્તો અમારા મહિમાના પારને પામતા નથી, એવા દિવ્ય મૂર્તિ નિર્ગુણ ને ધ્યેય છીએ અને અમારું ધ્યાન કરનારા નિર્ગુણ થઈ જાય છે અને અમારા ધામને વિષે એક દેશને વિષે રહ્યા થકા અનેક બ્રહ્માંડમાં કર્મફળપ્રદાતાપણે અંતર્યામીરૂપે રહ્યા છીએ. અને જેવા અક્ષરધામમાં છીએ તેવા આંહીં દેખાઈએ છીએ ને સર્વે જીવોના જીવન છીએ અને સિદ્ધેશ્વર છીએ અને અમારું સ્વરૂપ બીજી રીતનું એટલે અક્ષરાદિક સર્વેથી અતિ વિલક્ષણ છે અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ. આવું અમારું જ્ઞાન થયું હોય ને અમારી ભક્તિ કરી હોય તો તે ક્યારેય વીસરી જાય નહિ ને તેના જીવનું સારું થાય. (1) બાબત છે.
પ્ર.૧ ચારે કોરે લાખો કાચનાં પૂતળાં હોય તેના મધ્યને વિષે એક પુરુષ ઊભો હોય તે પુરુષ સર્વે પૂતળામાં દેખાય તેમ અમે ધામમાં રહ્યા થકા અનેક બ્રહ્માંડને વિષે જીવ જીવ પ્રત્યે કર્મફળપ્રદાતાપણે અંતર્યામીરૂપે રહ્યા છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું, અને (કા. 4ના બીજા પ્રશ્નમાં) પણ જેમ દર્પણને વિષે સભા જણાય છે તેમ જીવને વિષે અમે જણાઈએ છીએ એમ કહ્યું છે, અને (લો. 4ના પહેલા પ્રશ્નમાં) મધ્યના કાચના મંદિરમાં પુરુષ ઊભો હોય તે ફરતી કાચની ઓરડીઓમાં દેખાય, તેમ અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જ અનંતકોટી બ્રહ્માંડને વિષે અનંતરૂપે દેખાઈએ છીએ, એમ કહ્યું છે તે જીવ જીવ પ્રત્યે જેવા ધામમાં છે એવા જ રહ્યા હોય તો તો જીવનાં કલ્યાણ કરવા સારુ (લો. 4માં) કહ્યું તેવી રીતે બ્રહ્માંડમાં દેખાવાની કાંઈ જરૂર રહી નહિ, કેમ જે અક્ષરધામમાં છે તેવા જ જીવમાં હોય તો જીવનાં કલ્યાણ થઈ જવાં જોઈએ માટે તે કેવી રીતે સમજવું?
ઉ.૧ આમાં સર્વ જીવના સમૂહને વિષે ફળપ્રદાતાપણે અંતર્યામીરૂપે રહ્યા છીએ એમ જે કહ્યું છે તે તો અંતર્યામીરૂપે પોતાના તેજ દ્વારે રહ્યા છે અને જેવા છીએ તેવા દેખાઈએ છીએ એમ જે કહ્યું તે તો ધ્યાને કરીને મૂર્તિને જોઈ શકે એવા જે પોતાના ભક્ત તેને જ દેખાઈએ છીએ એમ કહ્યું છે, પણ સર્વેને દેખાઈ છીએ એમ નથી કહ્યું, માટે તેજ દ્વારે જ સર્વે જીવોને વિષે રહ્યા છે તે તેજ દ્વારે મૂળઅક્ષરને વિષે પણ રહ્યા છે અને મૂળઅક્ષર દ્વારે વાસુદેવબ્રહ્મને વિષે રહ્યા છે અને બ્રહ્મ દ્વારે મૂળપુરુષને વિષે રહ્યા છે અને જીવોમાં તો મૂળપુરુષ દ્વારે રહ્યા છે. તે (પ્ર. 13માં) પુરુષપ્રકૃતિરૂપ જે અમારી શક્તિ તેણે સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામીરૂપે રહ્યા છીએ અને (પ્ર. 46માં) પ્રકૃતિ જે માયા તેના કાર્યને વિષે અન્વય-વ્યતિરેકપણું તે મૂળપુરુષનું જ છે એમ કહ્યું છે. માટે જીવમાં પુરુષ દ્વારે જ રહ્યા છે અને (મ. 13/2માં) જે જે પદાર્થ અમારા સંબંધને પામે તે નિર્ગુણ થઈ જાય છે અને આમાં પણ જે અમારું ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એમ કહ્યું છે, માટે જે સંબંધને પામે તથા ધ્યાન કરે તે નિર્ગુણ થઈ જાય, તો જીવમાં સાક્ષાત્ રહ્યા હોય તો જીવ નિર્ગુણ કેમ ન થાય? અને (પ્ર. 27માં) આવે લક્ષણે યુક્ત થાય તેને વિષે અમે સર્વ પ્રકારે નિવાસ કરીએ છીએ તો જો પહેલાંથી જ રહ્યા હોય તો સર્વ પ્રકારે નિવાસ કરવાનું શું કરવા કહે? અને (છે. 27માં) પાંચ વર્તમાને યુક્ત હોય તેને જ અમારો સંબંધ હોય છે, માટે જીવમાં તો અંતર્યામીપણે પોતાના તેજ દ્વારે જ રહ્યા છે, તે પણ પાત્રની તારતમ્યતાએ રહ્યા છે તે (પ્ર. 41માં) જેવા અક્ષરમાં છીએ તેવા પુરુષપ્રકૃતિમાં નથી અને જેવા પુરુષપ્રકૃતિમાં છીએ તેવા પ્રધાનપુરુષમાં નથી, અને પ્રધાનપુરુષમાં છીએ તેવા મહત્તત્વમાં નથી, અને તેવા અહંકારમાં નથી ને તેવા ચોવીશ તત્વમાં નથી ને તેવા વૈરાજમાં નથી ને વૈરાજમાં છીએ તેવા વિષ્ણુ-બ્રહ્મા-શિવમાં નથી, અને જેવા એ ત્રણમાં છીએ તેવા મનુષ્યમાં નથી ને મનુષ્યમાં છીએ તેવા પશુ-પક્ષીમાં નથી, એમ કહ્યું છે. માટે તેજ દ્વારે પણ પાત્ર પ્રમાણે રહ્યા છે. અને (સા. 5ના 2/3 બીજા પ્રશ્નમાં) પણ બદ્ધ જીવ તથા મુક્ત જીવ તથા ઈશ્વર તથા અક્ષર તેને વિષે અન્વયપણે રહ્યા છીએ અને વ્યતિરેક સ્વરૂપે તો મૂળઅક્ષરાદિક સર્વેથી પર છીએ એમ કહ્યું છે. અને (પ્ર. 64/1માં) જેમ સૂર્ય પોતાના પ્રકાશનો આત્મા છે તેમ અમે અમારા તેજના આત્મા છીએ અને અમારું તેજ મૂળઅક્ષરનું આત્મા છે એમ કહ્યું છે. માટે શ્રીજીમહારાજ તો મૂળઅક્ષરાદિક સર્વેથી પર છે ને સર્વેને અગમ્ય છે ને પોતાના તેજરૂપ ધામને વિષે જ મૂર્તિમાન રહ્યા છે તે મૂર્તિનાં દર્શન તો એમના મુક્તને જ છે પણ બીજા કોઈને નથી. અને જ્યારે જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સારુ પૃથ્વીને વિષે મનુષ્યરૂપે દર્શન આપે, ને એમના મુક્તને યોગે કરીને જેને શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય, ને એમની ઉપાસના-ધ્યાન ભજન કરે, ને એમની આજ્ઞા પાળે ત્યારે જ આત્યંતિક કલ્યાણ થાય છે ને દર્શન પણ ત્યારે જ થાય છે. અને (કા. 4માં) પણ અન્વયપણે રહ્યા છે તેનો ખુલાસો એમાં જ પહેલા પ્રશ્નોત્તરમાં કર્યો છે અને કાચની ઓરડીઓની તથા પૂતળાંની મધ્યે પુરુષ ઊભો હોય તે બધેય દેખાય છે તેમ અમે દેખાઈએ છીએ એમ કહ્યું, તે તો સમજાવવા સારુ દૃષ્ટાંત દીધું છે, પણ પુરુષ તો જડ ને અસમર્થ છે તે બધે દેખાવા સમર્થ નથી અને ભગવાન તો સમર્થ છે ને સર્વજ્ઞ છે, માટે જીવોના કલ્યાણને અર્થે જેવા અક્ષરધામમાં છે તેવા જ અનંત બ્રહ્માંડમાં દર્શન આપે છે, પણ પુરુષની પેઠે પ્રતિબિંબ નથી દેખાતું; પુરુષનો તો આભાસ પડે છે, માટે જડ વસ્તુનું દૃષ્ટાંત ચૈતન્ય વસ્તુને સર્વ પ્રકારે સાદૃશ્ય થાય જ નહિ.
|| ——-x——- ||
[/raw]