સંવત 1882ના પોષ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,
પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગવાળા છે, અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ, પણ દેહને પોતાનું રૂપ માનતા નથી. ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ-વર્ણાશ્રમ તેનું અભિમાન હોય નહિ, ને ખાવું, પીવું, ઊઠવું, બેસવું તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં મળતું આવે તેવું ન હોય ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ, જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે, ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ, અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે, અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે, માટે ત્યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ઘટે, કે ન ઘટે, અને વળી એ પ્રવૃત્તિમાર્ગમાં રહેતાં થકાં કેઈ રીતે નિર્વિકાર રહેવાય? અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય, તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ્ય પીએ તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય. માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય? એ પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા, અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું, અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી, શા માટે જે આ તો ત્યાગી છે ને નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિ માર્ગને વિષે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહિ ને ન્યૂન પણ રહેવું નહિ. અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ એ આદિક જે વિકાર તેને ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ માર્ગને વિષે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહિ. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતાં તો આ ત્યાગી શ્રેષ્ઠ છે, ને ભગવાનની કૃપાનું પાત્ર છે.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 17 || (217)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારે વિષે કલ્યાણકારી ગુણ રહ્યા છે તેને જાણીને અમારી નવધા ભક્તિએ પોતાનું જીવિતવ્ય પૂરું કરે , અને પંચવિષયમાં આસક્ત થાય નહિ, તે જિતેંદ્રિય છે. (1) બીજામાં કેવળ આત્મનિષ્ઠ ત્યાગી કરતાં કામાદિક વિકારનો ત્યાગ કરીને પોતાના નિયમમાં રહીને અમારી ને અમારા ભક્તની ભક્તિ એટલે સેવા કરે એ ત્યાગી કેવળ આત્મનિષ્ઠ ત્યાગી કરતાં શ્રેષ્ઠ છે ને અમારી કૃપાનું પાત્ર છે. (2) બાબતો છે.
પ્ર.૧ બીજા પ્રશ્નમાં નિવૃત્તિ માર્ગવાળા ત્યાગી સંતને અમારી તથા અમારા ભક્તની સેવારૂપ પ્રવૃત્તિને યોગે વિકાર થઈ આવે એમ કહ્યું તે કામાદિક વિકાર થઈ આવે એવી શી ક્રિયા હશે?
ઉ.૧ દેવની સેવામાં રહ્યા હોય ત્યાં સ્ત્રી આદિક દેખવામાં આવી જાય, ને કોઈક વખત રજોગુણ આવ્યો હોય તે સમે કામનો ખોટો સંકલ્પ થઈ જાય, તથા કોઠાર-ભંડારમાં રહ્યા હોય તે બીજા સંતને સેવા બતાવે તે કહ્યું ન માને ત્યારે તેના ઉપર ક્રોધ થઈ આવે, અને ઘણા પદાર્થ દીઠામાં આવે તેમાં પોતાનો સ્વાર્થ સાધવાનો સંકલ્પ થાય એ લોભ કહેવાય, તથા ખાવાની વસ્તુ સારી હોય તેને ખાવાનો સંકલ્પ રહી જાય તે મોહ કહેવાય, તથા પોતાને કોઠાર કે ભંડારનો અધિકાર મળ્યો હોય તેનો ગર્વ આવે તે મદ કહેવાય, તથા પોતાથી નાના હોય તેની કોઈક પૂજા, સેવા, સન્માન કરે ને તેની ન કરે તો મત્સર આવે, તથા પોતે સેવા કરતો હોય તેના ફળની ઇચ્છા રહે જે હું સેવા કરું છું તે મને ઘી-દૂધ મળે કે ગાદી-તકીયો આપે તો ઠીક એવી ઇચ્છા રહે તે આશા કહેવાય, અને તે ઇચ્છા પૂરી ન થાય તો તેની તૃષ્ણા રહે. આ ઉપર કહ્યા તે દોષનો ત્યાગ કરીને શ્રીજીમહારાજના નિયમમાં રહીને નિષ્કામભાવે સેવા કરે તો તેને કોઈ જાતનું બંધન થાય નહિ.