[raw]
ગઢડા છેલ્લું : ૨
સંવત 1882ના જ્યેષ્ઠ સુદિ 6 છઠને દિવસ સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરના ફળિયાને વિષે બાજોઠ ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાઘ બાંધી હતી, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને પાઘને વિષે મોગરાના પુષ્પનો તોરો ખોસ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 2 || (236)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સત્સંગ થાતાં જેવું અંગ બંધાય છે તે અંગ સદા રહે છે અને અયોગ્ય પદાર્થના સંકલ્પે કરીને દાઝ ન થાય તેને સત્સંગ પ્રધાન રહે નહિ અને સત્પુરુષને યોગે કરીને સંસ્કાર થાય છે, માટે સત્પુરુષને યોગે પણ જેમ છે તેમ ન સમજે તે અતિશે મંદ બુદ્ધિવાળો છે. (1) અને સર્વે ધામોની સભાથી આ સત્સંગીની સભા અધિક છે ને આ સત્સંગ બ્રહ્માદિકને પણ દુર્લભ છે, ને જેવી પરોક્ષ એટલે અક્ષરધામમાં અમે દિવ્ય સ્વરૂપે વિરાજમાન છીએ તેમાં પ્રતીતિ એટલે દિવ્યભાવનો દૃઢ વિશ્વાસ છે તેવો જ આ પ્રત્યક્ષ મનુષ્યરૂપે દેખાતા જે અમે તેમાં દિવ્યભાવ નથી આવતો, ને આ મૂર્તિ ને અક્ષરધામમાં મૂર્તિ તે એક જ છે એમ સમજાતું નથી, એ જ અમારા વિના બીજે હેત રહેવાનું કારણ છે, અને જો પરોક્ષના જેવી જ પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો છતે દેહે જ મોક્ષને પામી રહ્યો છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં સત્સંગ થાતાં જેવું અંગ બંધાય છે તેવું સદાય રહે છે એમ કહ્યું તે સત્સંગનો અર્થ શો હશે?
ઉ.૧ સત્ રૂપ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા તેમની મૂર્તિના સુખભોક્તા ને તેમની આજ્ઞામાં વર્તનારા એવા સત્પુરુષ તથા શ્રીજીમહારાજે વર્ણન કરેલો એવો તેમનો ધર્મ, તથા એ ત્રણેનું જેમાં વર્ણન છે એવાં વચનામૃત તથા સત્સંગીજીવન આદિક શાસ્ત્ર, એ ચારનો સંગ તેનું નામ સત્સંગ કહેવાય.
પ્ર.૨ પહેલી બાબતમાં અંગ બંધાતાં ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે એમ કહ્યું તે વિભ્રાંત કેવી રીતે થતું હશે?
ઉ.૨ જ્યારે સંતનો સમાગમ કરે ત્યારે કોઈક પાસેથી જ્ઞાનની વાત સાંભળે ને કોઈક પાસેથી વૈરાગ્યની વાત સાંભળે, ને કોઈક પાસેથી ધર્મની ને કોઈક પાસેથી ભક્તિની, એમ નોખી નોખી વાતો સાંભળે ત્યારે સંશય થાય જે કોની વાત સાચી હશે? અને કિયું અંગ બાંધીએ તો મોક્ષ થાય? એમ ભ્રાંતિ રહ્યા કરે પછી તેમાંથી જે અંગની દૃઢતા થાય તે અંગ બંધાય માટે અંગ બંધાયા પહેલાં સંશયવત્ થાય તે વિભ્રાંતિ જાણવી.
પ્ર.૩ કામ-ક્રોધાદિકે કરીને વિક્ષેપ થાય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય એમ કહ્યું તે અંગ કિયું જાણવું?
ઉ.૩ જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ આદિક અંગ છે તેમાંનું જે અંગ પોતાને હોય તે અંગનો વિચાર કરે તો કામાદિક જિતાય એમ કહ્યું છે.
પ્ર.૪ જ્ઞાન-વૈરાગ્યાદિક અંગનો વિચાર કેવી રીતે કરવો?
ઉ.૪ જ્ઞાનના અંગવાળાને કામ, ક્રોધ, લોભાદિકનો સંકલ્પ થાય ત્યારે એમ વિચાર કરે જે સર્વ સુખમય મૂર્તિ ને સર્વોપરી એવા શ્રીજીમહારાજને મૂકીને અતિ તુચ્છ, નાશવંત ને દુ:ખરૂપ માયિક પદાર્થમાં જો હું પ્રવર્તીશ તો શ્રીજીમહારાજ કુરાજી થશે ને મોક્ષમાં વિઘ્ન પડશે ને મારે માથે જન્મ-મરણ રહેશે ને મહાદુ:ખિયો થઈશ, એમ પશ્ચાત્તાપ કરીને સંકલ્પને ટાળી નાખે અને વૈરાગ્યના અંગવાળાને કામ, ક્રોધ, લોભાદિકનો સંકલ્પ થાય ત્યારે તે નાશવંત ને તુચ્છ પદાર્થમાં પ્રીતિ કરવા જેવું નથી એમ વિચારીને સંકલ્પને ટાળી નાખે. અને ધર્મવાળાને શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય ત્યારે એમ વિચારે જે આ સંકલ્પ પ્રમાણે હું પ્રવર્તીશ તો જન્મ, મરણ ને ગર્ભવાસ ને યમયાતનાનાં દુ:ખ ભોગવવાં પડશે એમ વિચારીને આજ્ઞા વિરુદ્ધ સંકલ્પને ટાળી નાખે. અને ભક્તિ એટલે પ્રીતિના અંગવાળાને શ્રીજીમહારાજ વિના બીજો સંકલ્પ થાય તો તેને વસમું લાગે જે આવા મોટા ભગવાનને મૂકીને મને આવો તુચ્છ ઘાટ થાય તે ઠીક નહિ એમ વિચારે તો કામાદિકના ઘાટ ટળી જાય.
પ્ર.૫ સર્વે સાધનના ફળરૂપ આ સત્સંગ કહ્યો તે ફળરૂપ કેવી રીતે સમજવો?
ઉ.૫ સમગ્ર સાધન તથા ભક્તિનું ફળ જેવું આ સત્સંગમાં મળે છે તેવું બીજા કોઈ સંગથી મળતું નથી એવો શ્રીજીમહારાજનો ને એમના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તનો સંગ મળ્યો છે તે આત્યંતિક કલ્યાણરૂપી ફળ આપે છે તેવું બીજાથી મળતું નથી એમ કહ્યું છે.
પ્ર.૬ બીજી બાબતમાં શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ તથા બદરિકાશ્રમની સભાઓથી આ સત્સંગીની સભાને અધિક કહી, અને વળી પછીથી બ્રહ્માદિકને પણ આ સત્સંગ દુર્લભ છે એમ કહ્યું તે બ્રહ્માથી તો વૈકુંઠની સભા અધિક છે ને તેથી ગોલોકની અધિક છે ને તેથી બદરિકાશ્રમની અધિક છે ને તેથી શ્વેતદ્વીપની અધિક છે તે સર્વેને આ સત્સંગ દુર્લભ છે તો બ્રહ્માને તો દુર્લભ હોય જ, માટે બ્રહ્માદિકને દુર્લભ કહેવાની તો કાંઈ જરૂર રહી નહિ, માટે તેને દુર્લભ છે એમ કહેવાનો શો હેતુ હશે?
ઉ.૬ આ ઠેકાણે મૂળઅક્ષરને બ્રહ્મા નામે કહ્યા છે તે મૂળઅક્ષરને પણ આ સત્સંગ દુર્લભ છે તો તેના મુક્તને તથા શ્વેતદ્વીપપતિ વાસુદેવાદિકને તથા તેમના મુક્તોને દુર્લભ હોય તેમાં શું કહેવું? એમ કહ્યું છે.
પ્ર.૭ જેવી પરોક્ષ દેવને વિષે પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તે સર્વે અર્થ પ્રાપ્ત થાય છે, એમ કહ્યું તે પરોક્ષ દેવ કિયા સમજવા ને પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ કિયા સમજવા?
ઉ.૭ શ્રીજીમહારાજ અક્ષરધામમાં રહ્યા છે તે પરોક્ષ જાણવા અને આંહીં દર્શન આપે છે તે પ્રત્યક્ષ જાણવા ને શ્રીજીમહારાજ પોતે ત્યાગી-ગૃહીના ગુરુપણે ર્વત્યા તેથી એમ કહ્યું જે અમે તમારા ગુરુરૂપે છીએ, પણ અમે પોતે હરિ એટલે ભગવાન છીએ, માટે અમને પ્રત્યક્ષ ભગવાન જાણીને અમારે વિષે પ્રતીતિ લાવો એમ કહ્યું છે એમ ગુરુરૂપ હરિ કહ્યા છે, પણ સત્પુરુષ જે ગુરુ તેમને હરિ એટલે ભગવાન જાણવા એમ નથી કહ્યું.
પ્ર.૮ આ વાર્તા જાડી જેવી જણાય છે, પણ અતીશે ઝીણી છે એમ કહ્યું તે કેવી રીતે સમજે તો જાડી કહેવાય ને કેવી રીતે સમજે તો ઝીણી કહેવાય?
ઉ.૮ જેવી પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો સર્વ અર્થ પ્રાપ્ત થાય એમ કહ્યું તે પરોક્ષ અવતાર થઈ ગયા એવા શ્રીજીમહારાજને સમજે તે જાડી વાત કહેવાય અને અક્ષરધામમાં શ્રીજીમહારાજ દિવ્ય તેજોમય મૂર્તિ વિરાજે છે તે પરોક્ષ છે તેવા ને તેવા જ આંહીં મનુષ્યરૂપે અથવા પ્રતિમારૂપે દર્શન આપે છે તે પ્રત્યક્ષ છે એમ સમજે તો ઝીણી વાત કહેવાય.
પ્ર.૯ જ્યારે શ્રીજીમહારાજ મનુષ્યરૂપે દર્શન આપતા ત્યારે તો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ હતા, પણ આજ પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ કોને જાણવા?
ઉ.૯ જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્યરૂપે છે અને તે જ મૂર્તિ પ્રતિમા છે, પણ પ્રતિમા તથા મનુષ્યરૂપ મૂર્તિ તથા અક્ષરધામમાં મૂર્તિ તે જુદી નથી; એક જ છે. માટે પ્રતિમારૂપે દર્શન આપે છે તે જ પ્રત્યક્ષ હરિ છે. અને જે મુક્ત હોય તેમને ગુરુ જાણવા, પણ હરિ એટલે ભગવાન જાણવા નહિ.
|| ——-x——- ||
[/raw]