[raw]
ગઢડા મધ્ય : ૪૨
સંવત 1880ના માગશર વદિ 12 દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 42 || (175)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મૂળઅક્ષરકોટી આદિકને વિષે વ્યાપકપણું તે અમારા તેજરૂપ અક્ષરધામનું નિર્ગુણપણું છે, અને એ અક્ષરકોટી આદિકને ધારવાપણું તે અક્ષરધામનું સગુણપણું છે. (1) અને સૂર્યને ઠેકાણે અમારી મૂર્તિ છે, અને સૂર્યના તેજના ગોળાને ઠેકાણે અમારા તેજરૂપ અક્ષરધામ છે, અને એ અક્ષરધામને અડખે-પડખે, હેઠે-ઉપર સર્વે દિશુંમાં બ્રહ્માંડની કોટીઓ રહી છે, અને એ અક્ષરધામને વિષે અમે સદાય રહ્યા થકા જ્યાં જેવું રૂપ દેખાડ્યું જોઈએ ત્યાં તેવા રૂપને દેખાડીએ છીએ અને જ્યાં અમારી મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે, એટલે અમારા તેજરૂપ અક્ષરધામને મધ્યે અમે રહ્યા છીએ એમ કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામીએ તમારા એક એક રોમમાં અનંતકોટી બ્રહ્માંડ કેવી રીતે રહ્યાં છે? ને કિયે કિયે ઠેકાણે તમે પ્રગટ થાઓ છો? એમ પૂછ્યું છે પણ તમે સગુણ છો કે નિર્ગુણ છો એવો પ્રશ્ન પૂછ્યો નથી તો પણ શ્રીજીમહારાજે અમને સગુણ કે નિર્ગુણ ન કહેવાય એમ કહ્યું તેનું શું કારણ હશે?
ઉ.૧ (પ્ર. 72ના 2/4 પહેલા પ્રશ્નમાં) અમારા એક એક રોમના છિદ્રમાં અનંતકોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. તે ઉપર ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ! તમારા એક એક રોમમાં અનંતકોટી બ્રહ્માંડ રહ્યાં છે તે બ્રહ્માંડથી તો તમારાં રોમ મોટાં થયાં, અને તમારા રોમથી તમારી મૂર્તિ મોટી થઈ, માટે તમે જ્યારે બ્રહ્માંડમાં પધારો ત્યારે તમારી મૂર્તિ બ્રહ્માંડમાં શી રીતે માય, એવા અભિપ્રાયથી પૂછ્યું છે. તે ઉપર શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા પ્રકાશરૂપી અક્ષરધામ છે તે અક્ષરધામની કિરણોને અમારાં રોમ જાણવાં, તે રોમ સગુણ એટલે અતિશે મોટાં ને સર્વાધાર છે અને નિર્ગુણ એટલે સર્વત્ર વ્યાપક ને સૂક્ષ્મ તથા બીજાને સૂક્ષ્મપણાને પમાડે તેવાં છે અને અમારી મૂર્તિ તો સદાય મનુષ્યના જેવડી છે અને એ જે અમારા તેજરૂપ અક્ષરધામની કિરણોમાં અસંખ્ય બ્રહ્માંડ રહ્યાં છે, તે બ્રહ્માંડમાં અમે મનુષ્યરૂપે દર્શન આપીએ છીએ એમ કહ્યું છે.
પ્ર.૨ પહેલી બાબતમાં અક્ષરધામને વિષે અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ રહ્યાં છે એમ કહ્યું તે બ્રહ્માંડો તો મૂળપુરુષના તેજમાં રહ્યાં છે અને તેથી પર તો વાસુદેવબ્રહ્મ છે ને તેથી પર મૂળઅક્ષર છે. ને તેથી પર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે, તે ધામનો સંબંધ અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડને કેવી રીતે હશે?
ઉ.૨ અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ તો મૂળપુરુષના તેજમાં જ રહ્યાં છે, પણ મૂળપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષરાદિક સર્વે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને આધારે છે, માટે સર્વાધાર હોય તેને જ આધારે રહ્યાં છે એમ કહેવાય, અને મૂળપુરુષની દૃષ્ટિએ પ્રધાન પુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય, અને વાસુદેવબ્રહ્મની દૃષ્ટિએ મૂળપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય ને મૂળઅક્ષરની દૃષ્ટિએ વાસુદેવબ્રહ્મરૂપી બ્રહ્માંડ કહેવાય ને શ્રીજીમહારાજની દૃષ્ટિએ મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ કહેવાય, માટે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામની કિરણોમાં મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ રહ્યાં છે એમ જાણવું.
પ્ર.૩ બીજી બાબતમાં અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ હોય તેમ છે એમ કહ્યું તે કેમ સમજવું?
ઉ.૩ સૂર્યને ઠેકાણે શ્રીજીમહારાજ છે, અને સૂર્યના મંડળ એટલે તેજના ગોળાને ઠેકાણે અક્ષરધામ છે એમ જાણવું.
પ્ર.૪ સૂર્ય માથે આવે ત્યારે દશે દિશું કળાય છે એમ કહ્યું તે માથે કેવી રીતે સમજવું?
ઉ.૪ જ્યારે સૂર્ય માથે આવે ત્યારે સર્વ દિશાઓ કળાય છે એટલે સરખી દેખાઈ આવે છે, અને તે દિશાઓમાં રહેલાં સર્વ સ્થાનકો સૂર્યના ફરતાં દેખાય છે તેમ શ્રીજીમહારાજના તદાકારપણાને પામે ત્યારે તેને શ્રીજીમહારાજની મૂર્તિ ધામને મધ્યે દેખાય છે, અને તે મૂર્તિને યોગે કરીને અક્ષરધામના ફરતી સર્વ દિશામાં મૂળઅક્ષરાદિકની તથા બ્રહ્મની તથા મૂળપુરુષાદિકની કોટીઓ તથા સર્વ બ્રહ્માંડ તે કળાય છે એટલે દેખાઈ આવે છે.
પ્ર.૫ શ્રીજીમહારાજ સદાય અક્ષરધામમાં રહ્યા થકા જ જ્યાં જેવું રૂપ પ્રકાશવું જોઈએ ત્યાં તેવા રૂપને પ્રકાશે છે એમ કહયું તે જે રૂપ અનંત ઠેકાણે દેખાડે છે, તે રૂપમાં ને અક્ષરધામમાં જે મૂર્તિ છે તેમાં કાંઈ ફેર હશે કે કેમ?
ઉ.૫ શ્રીજીમહારાજ પોતે અક્ષરધામમાં રહ્યા થકા જ પોતાની ઇચ્છાએ કરીને અનંત ઠેકાણે અનંતરૂપે દર્શન આપે છે, તો પણ એની એ મૂર્તિ છે માટે એક મૂર્તિ જ સર્વ ઠેકાણે દેખાય છે. અને એ મૂર્તિ જ્યાં દર્શન આપે ત્યાં અક્ષરધામનું મધ્ય સમજવું, કેમ જે જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ સર્વ ઠેકાણે દર્શન આપે છે, માટે પોતાનું તેજરૂપ ધામ તે એ મૂર્તિ ભેળું જ હોય પણ જુદું ન હોય, માટે જ્યાં શ્રીજીમહારાજ દર્શન આપે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે એમ જાણવું.
|| ——-x——- ||
[/raw]