સંવત 1880ના શ્રાવણ વદિ 13 તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હવા જે,
પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશે દૃઢ થાય? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો એક પ્રકારનો ઉપાય નથી એના તો ત્રણ પ્રકારના ઉપાય છે, જેમ હાંકનારો, બળદિયા, પૈડાં, ધૂંસરી, ઊધ્ય, માંચડો એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે તેમ નિષ્કામી વ્રત દૃઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે તે તો અતિશે મુખ્ય છે, તેમાં એક તો મનને વશ કરવું જે, મનને વિષે અખંડ એવું મનન કરવું જે હું આત્મા છું; દેહ નથી ને ભગવાનની કથા-શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિષે મનને અખંડ જોડી મેલવું, પણ ક્ષણ માત્ર મનને નવરું રહેવા દેવું નહિ, જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય તેમ આ મન છે તે પણ ભૂત જેવું છે, તે જ્યારે ભગવદ્ ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય, માટે મનને અખંડ ભગવાનની કથા-કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, આહાર-વિહાર યુક્ત રાખવો પણ અતિશે ખાધાની લોલુપતા ન રાખવી એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇંદ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇંદ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય, માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો, એવી રીતે એ ત્રણ ઉપાયને જે દૃઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશે દૃઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે એવી રીતે રાખવું ઘણું કઠણ છે, કેમ જે, જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહિ અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારુ તેનો ત્યાગ કરે ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે, જેમ કૂવાના કાંઠા ઉપર મહા કઠણ પથ્થરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે? એ તો નિશ્ચે જ નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દૃઢ કરીને રાખવા.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 33 || (166)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્તોએ અમારા વિના બીજે હેત ને સ્મૃતિ ન રાખવાં અને અમારા ભક્તનો અભાવ આવવા દેવો નહિ ને વિષયનો ત્યાગ કરવો. (1) અને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તે જ અમને વહાલો છે ને અમે તેના ભેળા જ છીએ ને તેની જ સેવા ગમે છે ને વર્તમાન દૃઢ ન હોય તેના ઉપર કુરાજી છીએ ને તેની સેવા ગમતી નથી અને સત્સંગમાં કોઈ સ્ત્રી વા પુરુષને નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો નહિ અર્થાત્ અમને સંભળાવ્યા વિના જ તેને સત્સંગ બહાર કાઢી મૂકજ્યો એમ સૂચવ્યું છે. તે (પ્ર. 18/3માં) કુપાત્રને સત્સંગ બહાર કાઢી મેલવો એમ આજ્ઞા આપી છે. (2) બીજામાં નિષ્કામી વર્તમાન દૃઢ કરવાના ઉપાય બતાવ્યા છે જે, અમારી કથા-કીર્તનાદિક ભક્તિએ કરીને મનને વશ કરવું અને આહાર નિયમમાં કરીને પ્રાણને નિયમમાં કરવો અને નિયમમાં વર્તીને દેહને નિયમમાં કરવો, એ ત્રણ ઉપાયે નિષ્કામ વર્તમાન દૃઢ થાય છે અને સ્વભાવ ટાળવાનો અભ્યાસ રાખે તો તે નાશ થઈ જાય છે. (3) બાબતો છે.
પ્ર.૧ (1/2 પહેલા પ્રશ્નમાં) વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનને વિષે પ્રીતિ ને ધર્મમાં રહેવું એવી રીતે સર્વ હરિજનોએ સૌ સૌનાં અંગ કહ્યાં તેથી પણ નિષ્કામ વ્રત ઉપર શ્રીજીમહારાજે વધારે પ્રસન્નતા કહી તે ઉપર કહ્યાં જે અંગ તેમાં નિષ્કામ વર્તમાન પણ આવી જાય છે તો પણ નોખી વિક્તિ કરી તેનું શું પ્રયોજન હશે?
ઉ.૧ આમાં વૈરાગ્ય, આત્મનિષ્ઠા, પ્રીતિ અને ધર્મ તે સામાન્ય કહ્યા છે તે સામાન્ય વૈરાગ્યાદિકે કરીને બ્રહ્મચર્ય દૃઢ રહે નહિ અને બ્રહ્મચર્ય દૃઢ કર્યા વિના આત્યંતિક મોક્ષ થાય નહિ તે (જે. 4ના 1/2 પહેલા પ્રશ્નમાં) જે વર્તમાનમાં કસરવાળો એટલે આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થઈ જતો હોય તેનાથી પણ એકાંતિક ભક્ત થવાય નહિ અને અમારા નિર્ગુણ ધામને પામે નહિ અને સત્સંગમાં પણ બેસાય નહિ એટલે બ્રહ્મચર્યાદિક વર્તમાને યુક્ત એવા સત્પુરુષ તેના ભેળું રહેવાય નહિ એમ કહ્યું છે, માટે બ્રહ્મચર્ય વ્રત દૃઢ કર્યા વિના સામાન્ય વૈરાગ્ય-આત્મનિષ્ઠાદિક સાધને કરીને મોક્ષ થતો નથી એટલા સારુ જ શ્રીજીમહારાજે પોતે તપ તથા ગોરખ આસનાદિક દૃઢ કરીને બ્રહ્મચર્ય સિદ્ધ કરી બતાવ્યું તે શ્રીજીમહારાજ તો સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન છે તેમને તો કાંઈ કરવું બાકી હોય જ નહિ પણ પોતાના ભક્તને ઉપદેશ કર્યો છે કે અમને બ્રહ્મચર્ય વ્રત વહાલું છે, માટે જે બ્રહ્મચર્ય દૃઢ કરે તે જ અમને પ્રિય છે, ને એનું જ કલ્યાણ કરશું, પણ જે બ્રહ્મચર્ય દૃઢ નહિ કરે તેનું કલ્યણ નહિ કરીએ એમ કહ્યું છે એ સિદ્ધાંત વાત છે, માટે જેણે બ્રહ્મચર્ય વ્રત અતિ દૃઢ કરેલું હોય એવા મુક્તનો યોગ કરીને, આમાં (2/3 બીજા પ્રશ્નમાં) ત્રણ ઉપાય કહ્યા છે, તે દૃઢ કરીને વિષય સંબંધી સંકલ્પ ટાળે તો જ કલ્યાણ થાય, તે આ દેહે અથવા બીજે દેહે અથવા અનેક દેહે કરીને પણ બ્રહ્મચર્ય દૃઢ કરવું; અને જે સ્થૂળ દેહે બ્રહ્મચર્ય લોપે તે તો યમપુરીમાં જ જાય ને તેનું ફળ ભોગવે ને પછી મનુષ્ય દેહ આવે ત્યારે પણ બ્રહ્મચર્ય સિદ્ધ કરે તો જ અક્ષરધામને પામે.