[raw]
ગઢડા મધ્ય : ૨
સંવત 1878ના શ્રાવણ સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ રેશમના ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મુનિ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજે કહ્યું જે કીર્તન રાખો; અમે વાત કરીએ છીએ, એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,
(પ્ર.૧) જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને નારદ-સનકાદિક જેવા સાધુ થાવું હોય તેને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે અને ઇંદ્રિયો-અંત:કરણ છે તે જીવ સાથે વળગી રહ્યાં છે અને બહાર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે તે અજ્ઞાને કરીને જીવ ઇંદ્રિયો-અંત:કરણને પોતાનું રૂપ માને છે પણ વસ્તુગતે જીવ ઇંદ્રિયો-અંત:કરણથી નોખો છે અને પંચવિષય છે તે અંત:કરણ થકી નોખા છે પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંત:કરણને વિષે પંચવિષયની એકતા જણાય છે અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇંદ્રિયો થકી થાય છે પણ અંત:કરણમાંથી નથી થાતી, જેમ અતિશે તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બહાર ઇંદ્રિયોને સંબંધ થાય છે પછી ઇંદ્રિયોદ્વારે કરીને શરીરને માંહીલી કોરે તેનો પ્રવેશ થાય છે પણ એની ઉત્પત્તિ માંહીલી કોરેથી નથી; એ તો બહારથી ઉત્પન્ન થઈને માંહીલી કોરે પ્રવેશ કરે છે તેમ પંચવિષય છે તે પ્રથમ અંત:કરણમાંથી ઊપજતા નથી; એ તો પ્રથમ ઇંદ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંત:કરણમાં પ્રવેશ કરે છે, માટે જેમ બહાર ગૂમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહિ, અને જેમ ક્ષુધા-પિપાસા લાગી હોય તે ખાધે-પીધે જ નિવૃત્તિ થાય પણ અન્નજળની વાત કર્યે નિવૃત્તિ ન થાય તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય તે ઔષધની રીત એમ છે જે, જ્યારે ત્વચાને સ્ત્રીઆદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચાદ્વારે થઈને અંત:કરણમાં તેનો પ્રવેશ થાય છે ને અંત:કરણદ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંત:કરણમાંથી પણ નથી અને જે જે વિષય અંત:કરણમાંથી સ્ફૂરતા હશે તે પણ પૂર્વ જન્મને વિષે બહારથી જ ઇંદ્રિયો દ્વારે કરીને આવ્યા છે માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે, ત્વચાએ કરીને સ્ત્રીઆદિક પદાર્થનો સ્પર્શ તજવો ને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જિહ્વાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો, એવી રીતે પંચઇંદ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દૃઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માંહીલી કોરે પ્રવેશ કરે નહિ, જેમ કૂવામાં પાણીની સેર્ય આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય તેમ બાહ્ય ઇંદ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંત:કરણમાં પ્રવેશ ન થાય, અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે તેમ પ્રથમથી જે ઇંદ્રિયદ્વારે કરીને વિષય અંત:કરણમાં ભરાણા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા તે આત્મવિચાર એમ કરવો જે, હું આત્મા છું ને મારે વિષે ઇંદ્રિયો-અંત:કરણનો સંબંધ જ નથી એમ દૃઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિષે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું, જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાણો હોય ત્યારે જે બહારથી પોતામાં સેર્યો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે પણ માંહીલી કોરે તે સેર્યના પાણીનો પ્રવેશ કરવા દે નહિ અને જો ઉલેચાઈને ઠાલો થાય તો સેર્યનું પાણી બહારથી માંહી આવે એવી રીતે આત્મસુખે કરીને માંહીલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચઇંદ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દૃઢ ઉપાય છે, પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થાતો નથી, માટે આ વિચાર દૃઢ કરીને રાખજ્યો.(બા.૧)
ઇતિ વચનામૃતમ્ || 2 || (135)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને મુક્ત થવું હોય તેને ઈંદ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો અને આત્મસુખ વતે પૂર્ણ રહેવું ને પોતાને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ માનીને તે ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ધારવી, તો ઇંદ્રિયો દ્વારે થઈને અંતઃકરણમાં આવેલા વિષય નિવૃત્ત થાય છે ને તેનું કલ્યાણ થાય છે આમાં નારદ, સનકાદિક નામે પોતાના મુક્તોને કહ્યા છે. (1) બાબત છે.
|| ——-x——- ||
[/raw]