[raw]
ગઢડા મધ્ય : ૯
સંવત 1878ના શ્રાવણ સુદિ 14 ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ મશરુના ચાકળા ઉપર વિરાજમાન હતા, ને તે સમે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી, તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો, તથા કમરે જરકશી શેલું બાંધ્યું હતું, તથા ગૂઢો અસમાની રંગનો રેટો ખભા ઉપર નાખ્યો હતો, અને હાથે રાખડીઓ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે કીર્તન બોલીએ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 9 || (142)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સર્વેથી પર એવા જે અમે તે તમને મળ્યા છીએ માટે અમારી મૂર્તિનું બળ અતિશે રાખવું અને અમારું સર્વોપરીપણાનું બળ હોય તો તેથી સત્સંગ બહાર જવાણું હોય તો પણ અમારે વિષેથી હેત ટળે નહિ ને તે અંતે અક્ષરધામને વિષે અમારે સમીપે રહેશે. (1) અને હમણાં સત્સંગમાં રહેતો હોય ને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હોય તો પણ અમારા સ્વરૂપની પાકી નિષ્ઠા ન હોય તો તે અમારા ધામ વિના બીજા લોકમાં જાય. (2) અને જેને અમારા સ્વરૂપનું બળ હોય તે જ એકાંતિક ને પાકો સત્સંગી છે, અને એ અશુભ દેશકાળાદિકને યોગે કદાપિ ધર્મમાંથી ચળી જાય તો પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થાય, પણ કલ્યાણના માર્ગથી પડે નહિ. (3) અને અમારા સ્વરૂપની નિષ્ઠામાં કાચ્ચપ હોય ને ધર્મથી ચળી જાય તો નરકમાં પડી ચૂક્યો એમ જાણીને કલ્યાણને માર્ગે ચાલી શકે નહિ. (4) અને જેને અમારે વિષે અતિશે પ્રીતિ હોય તેને કાંઈ કરવું રહ્યું નથી અને જેને અમારે વિષે અતિશે પ્રીતિ ન હોય તેને તો અમારો મહિમા સમજવો. (5) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં જે અમને સર્વોપરી જાણે તેને કદાચિત્ સત્સંગ બહાર જવું પડે તો પણ તેનું કલ્યાણ થાય એમ કહ્યું તે એને શા કારણથી સત્સંગ બહાર જવું પડતું હશે? અને ત્યાગીમાંથી નીકળીને ગૃહસ્થાશ્રમમાં જાય તે સત્સંગ બહાર કહેવાય કે ત્યાગીના વેશે એકલો ફરે ને માગી ખાય તે સત્સંગ બહાર કહેવાય? અને તે શાસ્ત્રનું કેટલું વચન લોપે તો પણ અક્ષરધામને પામે?
ઉ.૧ શ્રીજીમહારાજને સદા સાકાર દિવ્ય મૂર્તિ ને સર્વ અવતારના અવતારી ને સર્વના કારણ જાણે પણ મૂંઝવણિયો સ્વભાવ હોય તે સત્સંગમાં રહેવા દે નહિ તેણે કરીને સત્સંગ બહાર જાવું પડે, પણ શ્રીજીમહારાજનો નિશ્ચય સર્વોપરી હોય ને શ્રીજીમહારાજને વિષે અચળ હેત હોય ને શ્રીજીમહારાજને તથા સંતને કલ્યાણના દાતા જાણે અને તેમના ગુણ ગ્રહણ કરે ને પોતાને વિષે દોષ પરઠે ને માગી ખાઈને પોતાનું ગુજરાન ચલાવે ને શ્રીજીમહારાજની બાંધેલી મર્યાદા પ્રમાણે વર્તે ને નિયમમાં કુશળ રહે તે અક્ષરધામને પામે. અને ત્યાગીમાંથી ગૃહસ્થમાં જાય તે સત્સંગ બહાર ન કહેવાય; જે એકડમલ થઈ જાય તે સત્સંગ બહાર કહેવાય. તે એકલો હોય માટે તે ભિક્ષા માગવા જાય ત્યારે બાઈઓ સાથે બોલવું પડે, એટલું જ શાસ્ત્રનું વચન લોપાય પણ તેથી અધિક ન લોપે તો અક્ષરધામમાં જાય અને બોલવા સિવાયની બીજી આજ્ઞા લોપે તો અક્ષરધામને ન પામે અને ગૃહસ્થને અશુભ દેશકાળાદિકને યોગે સત્સંગના નિયમ-ધર્મ પળી શકે નહિ તે સત્સંગ બહાર કહેવાય તો પણ શ્રીજીમહારાજના સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તો તેનું જન્માંતરે કલ્યાણ થાય એટલે કલ્યાણના માર્ગમાં રહે પણ કલ્યાણનો માર્ગ બંધ થાય નહિ.
પ્ર.૨ બીજી બાબતમાં અમારા સ્વરૂપની નિષ્ઠા પાકી ન હોય તો તે બ્રહ્માના તથા બીજા દેવતાના લોકમાં જાશે એમ શ્રીજીમહારાજે કહ્યું, તે નિષ્ઠા કેવી જાણવી? ને બ્રહ્મા તથા દેવતા કિયા જાણવા?
ઉ.૨ છુપૈયા ધામને વિષે મનુષ્યરૂપે પ્રગટ થઈને મળ્યા જે સાક્ષાત્ શ્રીજીમહારાજ તેમને દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વે અવતારના કારણ ને અવતારી જાણે તે પાકી નિષ્ઠા કહેવાય અને નિરાકાર કે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. અને બ્રહ્મા એટલે મૂળપુરુષ જાણવા અને પ્રધાનપુરુષને દેવતા કહ્યા છે તે લોકને પામે.
પ્ર.૩ ત્રીજી બાબતમાં અર્જુને શાસ્ત્રનું વચન ન માન્યું તેને વખાણ્યા ને યુધિષ્ઠિરને ન્યૂન કહ્યા તેનું શું કારણ હશે? કેમ જે (પ્ર. 78ના ચૌદમા પ્રશ્નમાં) પંચ વર્તમાન સંપૂર્ણ રાખે તો અમે પ્રસન્ન થઈએ એમ કહ્યું છે તથા (લો. 6ના 13/16 તેરમા પ્રશ્નમાં) અમારું વચન અધર્મ જેવું જણાય તો ન માનવું તથા (છે. 27ના બીજા પ્રશ્નમાં) વર્તમાનની આંટી મૂકવી નહિ એમ કહ્યું છે. તે પ્રમાણે તો યુધિષ્ઠિરને વખાણ્યા જોઈએ માટે તે કેવી રીતે સમજવું? અને સ્વરૂપનિષ્ઠા શી સમજવી?
ઉ.૩ જેમ અર્જુને શ્રીકૃષ્ણના વચનની પ્રતીતિ રાખી અને શાસ્ત્રના વચનની સાખ્ય ન લીધી તેમ અમે સર્વોપરી, સર્વના કારણ, સર્વનિયંતા, સર્વોપાસ્ય છીએ એવા જાણવા તે અમારા વચનથી જ જાણજ્યો પણ તેમાં શાસ્ત્રની સાખ્ય લેશો નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે (મ. 31ના 2/5 બીજા પ્રશ્નમાં) આવી વાત અમે ઘણીકવાર કરી છે પણ શાસ્ત્રનાં વચન સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી એમ કહ્યું છે, માટે શ્રીજીમહારાજને સર્વોપરી સમજવા તેમાં બીજા શાસ્ત્રની વા શ્રીજીમહારાજને સર્વોપરી ન કહેતાં હોય તેવાં વાક્યોની સાખ્ય લેવા જાય તેને યુધિષ્ઠિરની પેઠે સંશયાત્મક જાણવો અને જે શ્રીજીમહારાજના સ્વરૂપને જાણવામાં બીજી સાખ્ય ન ગોતે તેનો અર્જુનની પેઠે પરિપક્વ નિશ્ચય જાણવો અને જેમ અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે જ નિષ્ઠા હતી તેમ જ શ્રીજીમહારાજને વિષે જ નિષ્ઠા હોય તે જ સ્વરૂપનિષ્ઠા જાણવી પણ સ્વરૂપ-સ્વરૂપી ભાવ જુદો ન સમજવો અને વચનામૃતમાં જ્યાં સંત કે અવતાર અમારું સ્વરૂપ છે એમ કહ્યું હોય ત્યાં જ સ્વરૂપ-સ્વરૂપી જુદા સમજવા, પણ તે વિના ન સમજવા.
|| ——-x——- ||
[/raw]