[raw]
અમદાવાદ : ૬
સંવત 1882ના ફાગણ વદિ 6 છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદી-તકિયો તેણે યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કોટને વિષે ગુલાબના હાર પહેર્યા હતા, ને પાઘને બેઉ કોરે ચંમેલીના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા, ને બેઉ કાન ઉપર ગુલાબના ગુચ્છ વિરાજમાન હતા, ને ગુલાબનો મોટો ગુચ્છ હસ્તકમળમાં લઈને મુખારવિંદ ઉપર વારંવાર ફેરવતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી સંધ્યા આરતી થઈ રહી તે કેડે કુબેરસિંહે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
ત્યારે વળી કુબેરસિંહે કહ્યું જે,
તે ધામને વિષે જે અસંખ્ય મુક્ત રહ્યા છે તે આકારે સહિત તેજોમય છે ને સર્વ ભૂતપ્રાણી માત્રના અંતર્યામી છે તે સર્વે ભગવાનની સેવામાં નિરંતર તત્પર રહે છે અને તે જ ધામના જે ધણી અને અક્ષરાતીત મુક્તના સ્વામી ને પરબ્રહ્મ શ્રી પુરૂષોત્તમ જે છે તે જ આ સત્સંગને વિષે વિરાજમાન છે. આવો જેને નિશ્ચય છે તે જ બ્રહ્મધામને પામે છે.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 6 || (226)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે ભગવાન છીએ; સર્વે અવતારોના અવતારી, સર્વેના અંતર્યામી ને અક્ષરધામને વિષે તેજોમય ને સદા સાકાર ને અનંત ઐશ્વર્યે યુક્ત ને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છીએ ને અક્ષરબ્રહ્મ જે અમારું તેજ તેના પણ કારણ છીએ. માટે અમારી ક્રિયામાં સર્વે અવતારોના ચરિત્ર જોઈને અમને સર્વે અવતારોના અવતારી જાણીને અમારો નિશ્ચય કરવો તો તે નિશ્ચય ડગે નહિ. ને આજ તમને અમે ભગવાન મળ્યા છીએ ને અમે સર્વેના કારણ અવતારી ને અક્ષરધામના ધામી છીએ ને અમે નરનારાયણરૂપે, એટલે નરનારાયણને મિષે કરીને ધર્મભક્તિ થકી પ્રગટ થયા છીએ તે અમારું રૂપ આ શ્રી અમદાવાદને વિષે પધરાવ્યું છે. (1) બીજામાં અમારા તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે અનાદિ છે ને એને જ અમે બ્રહ્મમહોલ, અક્ષરધામ તથા ગોલોક નામે કહીએ છીએ. અને તે બ્રહ્મધામ તે અપાર છે ને તેને વિષે શોભાનું અધિકપણું છે. (2) અને એ અક્ષરધામમાં અક્ષરાતીત એવા અમારા મુક્ત રહ્યા છે તે સાકાર તેજોમય છે અને સર્વના અંતર્યામી છે ને અમારી સેવામાં નિરંતર તત્પર રહ્યા છે અને અમે સર્વેના સ્વામી છીએ આવો અમારો નિશ્ચય હોય તે જ એ ધામને પામે છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં અમારે વિષે ચોવીશે અવતારોનાં ચરિત્ર જોઈને અમને સર્વે અવતારોના કારણ સમજવા એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજે સર્વે અવતારોની ક્રિયા કઈ કરી હશે?
ઉ.૧ રામાવતારે એક પત્નીવ્રત રાખ્યું ને વર્ણાશ્રમ ધર્મમાં દૃઢપણે ર્વત્યા તેમ શ્રીજીમહારાજે પોતાના સત્સંગીઓને એક પત્નીવ્રત રખાવ્યું અને વર્ણાશ્રમના ધર્મ અતિ દૃઢ પળાવ્યા. અને જેમ કૃષ્ણાવતારે અસુરાંશને મારીને પૃથ્વીનો ભાર ઉતાર્યો તેમ શ્રીજીમહારાજે જગન્નાથપુરી આદિક તીર્થોમાં રહેલા અસુરોને મારીને પૃથ્વીનો ભાર ઉતાર્યો. અને પોતાના આશ્રિતોને વિષેથી કામ-ક્રોધાદિક અધર્મનો સર્ગ નાશ પમાડીને એકાંતિક ધર્મ સ્થાપન કર્યો. અને જેમ ઋષભદેવે પોતાના દેહની સંભાળ ન રાખી ને દાવાનળમાં દેહ બળી ગયો તેમ શ્રીજીમહારાજે નદીને વિષે પોતાનો દેહ તણાતો મૂક્યો ને વનને વિષે અનંત જનાવરો ભેળા વિચર્યા, ત્યાં કાંઈ બીક રાખી નહિ, અને પોતાના આશ્રિતોને પણ વનમાં રાખ્યા, ગોળા ખવરાવ્યા, ટાટ પહેરાવ્યાં તથા માંખ-મચ્છર આદિક કરડે તો પણ દેહની સંભાળ ન રહે એવી સ્થિતિ કરાવી તે સર્વે ચરિત્ર જાણવાં. અને સર્વે અવતારોને પોતાની મૂર્તિમાંથી દેખાડ્યા ને સર્વેને પોતાની મૂર્તિને વિષે લીન કર્યા તે ચરિત્ર સર્વ ચરિત્રથી મોટું છે તેણે કરીને શ્રીજીમહારાજને સર્વોપરી સર્વના કારણ અવતારી જાણવા.
પ્ર.૨ અમે નરનારાયણરૂપે ધર્મભક્તિ થકી પ્રગટ થયા છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે નરનારાયણ રૂપે કેવી રીતે સમજવા અને તે નરનારાયણને અમારું રૂપ જાણીને પધરાવ્યા છે એમ કહ્યું તે રૂપ કેવી રીતે સમજવું અને એ જ બ્રહ્મમહોલના નિવાસી કહ્યા તે કેવી રીતે સમજવું?
ઉ.૨ અક્ષરધામના ધામી જે શ્રીજીમહારાજ તેમના રામકૃષ્ણાદિક તથા નરનારાયણાદિક અનંત અવતારો છે, તેમાં આજ શ્રીજીમહારાજ નરનારાયણના શાપ નિમિત્તે પ્રગટ થયા છે તેથી નરનારાયણરૂપે પ્રગટ થયા છીએ એમ કહ્યું છે, માટે નરનારાયણને મિષે પ્રગટ થયા છે એમ સમજવું. અને શ્રીજીમહારાજે લોકોને સમાધિઓ કરાવીને નરનારાયણાદિક અનંત રૂપે દર્શન આપ્યાં હતાં તે રૂપ પધરાવ્યાં છે એમ સમજવું, અને નરનારાયણ રૂપે શ્રીજીમહારાજ પ્રગટ થયા છે તે શ્રીજીમહારાજ અક્ષરધામના નિવાસી છે એમ સમજવું.
પ્ર.૩ બીજા પ્રશ્નમાં અક્ષરરૂપ જે બ્રહ્મ તે અમારે રહેવા સારુ મહોલરૂપ થયો છે એમ શ્રીજીમહારાજે કહ્યું અને (પં. 1/1માં) અમારા અંગનો પ્રકાશ તે જ અમારે રહ્યાનું ધામ છે એમ કહ્યું છે અને (મ. 13/2માં) પણ પોતાના તેજને જ અક્ષરધામ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૩ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે તે મહોલરૂપે થયા છે એટલે મહોલરૂપે શોભા આપે છે એમ કહ્યું છે અને આ પોતાના તેજને અક્ષરધામ તથા બ્રહ્મમહોલ તથા બ્રહ્મજ્યોતિ તથા ગોલોક આદિક ઘણે નામે કહેલ છે તે (પ્ર. 7ના છઠ્ઠા પ્રશ્નોત્તરમાં) છે.
પ્ર.૪ શ્રીજીમહારાજના તેજને શ્રીજીમહારાજ તથા મુક્તોને રહ્યાનું ધામ કહ્યું તે ધામ તો આધાર રૂપ કહેવાય ને (પ્ર. 64ના પહેલા પ્રશ્નોત્તરમાં) તેજના આધાર શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે તે કેમ સમજવું?
ઉ.૪ જેમ સૂર્યને આધારે સૂર્યનું તેજ છે અને અગ્નિને આધારે અગ્નિનો પ્રકાશ છે તેમ શ્રીજીમહારાજને આધારે શ્રીજીમહારાજનું તેજ છે, પણ તેજ આધાર નથી પણ એ તેજમાં પોતે રહ્યા છે, માટે ધામરૂપ અથવા મહોલરૂપ કહેવાય તેણે કરીને આધારરૂપ ન સમજવું.
પ્ર.૫ સર્વે અક્ષરબ્રહ્મ તે કિયા જાણવા?
ઉ.૫ મૂળઅક્ષર અનંત છે; તેમને સર્વને અક્ષરબ્રહ્મ કહ્યા છે તે સર્વ મૂળઅક્ષરબ્રહ્મથી શ્રીજીમહારાજના તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે અનાદિ છે ને સર્વનું આધાર છે.
પ્ર.૬ શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મધામને વિષે બહુ પ્રકારના મહોલ તથા ગોખ, ઝરુખા આદિક કહ્યા તે અક્ષરધામમાં મહોલ, ઝરુખા આદિક કેવી રીતે સમજવા?
ઉ.૬ આ લોકને વિષે મહોલ, ગોખ, ઝરુખા, બાગ, બગીચાને વિષે શ્રીજીમહારાજ વિરાજ્યા હોય તે કહ્યા છે કેમ કે જે શ્રીજીમહારાજના સંબંધને પામે તેને નિર્ગુણ કહેવાય તે (મ. 13/1માં) અમે જે જગ્યામાં વિરાજતા હોઈએ તે જગ્યા તથા વસ્ત્ર, વાહન, સેવક આદિક જે જે અમારા સંબંધને પામે તે નિર્ગુણ છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે, માટે મહોલ, ગોખ, ઝરુખા આદિક જે જે શ્રીજીમહારાજના સંબંધને પામ્યા તેને અક્ષરધામના કહ્યા છે એમ જાણવું.
|| ——-x——- ||
[/raw]