સંવત 1882ના માગશર સુદિ 10 દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા, ને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
એમ ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ પ્રશ્ન પૂછતા હવા જે,
(પ્ર.૨) ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવનારાયણ પર છે એમ જાણે, માટે તે યોગી કિયે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે? અને કેમ પોતાના મનને ચલાવે? ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે? અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે? ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે? અને નિદ્રારૂપી લય ને સંકલ્પ વિકલ્પરૂપી વિક્ષેપ તે થકી કેઈ યોગની કળાએ કરીને જુદો પડે? એનો ઉત્તર કહો. પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઊછળે છે, તેમ અંત:કરણરૂપી જે ફુવારો તેને વિષે જીવની વૃત્તિ છે, તે ઘૂમરી ખાઈને પંચ ઇંદ્રિયદ્વારે ઊછળે છે તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને, એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિષે સાક્ષીરૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતવન કરે, અને બીજી વૃત્તિ છે તેને તો દૃષ્ટિ દ્વારે કરીને બહાર રાખે, અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતવન કરે, તે પણ નખશિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતવન કરે,પણ એક એક અંગનું જુદું જુદું ચિંતવન ન કરે, જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ, તથા જેમ મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો જ જુએ. એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ પણ એકેકું અંગ ન જુએ, અને તે મૂર્તિને જ્યારે પોતાની દૃષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજું કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢૂકડી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે, એમ કરતાં પણ આસપાસ કંઈક પદાર્થ જણાય તો પોતાની ભૃકુટીના મધ્યને વિષે મૂર્તિને ધારે, એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દૃષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરાં પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેણે કરીને મૂર્તિને ઊંચી ચડાવે, અને વળી પાછી હેઠે લાવે અને અડખે-પડખે ડોલાવે એવી રીતે યોગકળાએ કરીને જ્યારે સચેત થાય, ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભૃકુટીમાં લાવીને હૃદયને વિષે મૂર્તિને ઉતારે, અને અંતરને વિષે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે, પછી અંત:કરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે, એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે, એવી રીતે જ શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના ને ઘ્રાણ તે દ્વારે પણ યોગકળા સાધે અને તેમ જ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે, અને ઇંદ્રિયો ને અંત:કરણ એ સર્વેને સાંખ્ય વિચારે કરીને જુદાં કરીને એકલા ચૈતન્યને વિષે જ ભગવાનની મૂર્તિને ધારે અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં કે બહાર ધારી હોય, અને તે સમે કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આડો આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને જ સમાધાન કરે, પણ વિક્ષેપને વિષે પણ પોતાની યોગકળાનો ત્યાગ ન કરે એવી રીતની યોગકળાએ યુક્ત એ યોગી વર્તે છે.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 4 || (204)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે બત્રીશ લક્ષણેયુક્ત એવા જે અમારા સંત તેમનો મન-કર્મ-વચને સંગ રાખે તો તેના સંગમાં સર્વે સાધન આવી જાય. (1) બીજામાં વૃત્તિને બે પ્રકારે કરીને એક વૃત્તિએ હૃદયને વિષે અમારી મૂર્તિનું ચિંતવન કરવું, ને બીજી વૃત્તિએ નેત્ર આગળ છેટે અમારી મૂર્તિને ધારીને ચિંતવન કરવું, અને મૂર્તિની અડખે-પડખે બીજું પદાર્થ દેખાય તો નાસિકાગ્ર મૂર્તિ ધારવી, એમ કરતાં અડખે-પડખે પદાર્થ દેખાય તો ભૃકુટીના મધ્યે ધારવી, અને આળસ-નિદ્રા આવે તો મૂર્તિ છેટે ધારવી ને ઢૂકડી લાવવી ને અડખે-પડખે ધારવી, પછી સચેત થવાય ત્યારે નાસિકાગ્ર લાવવી ને ભૃકુટીમાં લાવીને હૃદયમાં ઉતારવી, અને બે વૃત્તિઓ હોય તે એક કરવી એમ કરતાં આળસ-નિદ્રા આવે તો મૂર્તિ બહાર લાવવી એવી રીતે જ્ઞાન ઇંદ્રિયો દ્વારે અમારી મૂર્તિ ધારવી પછી ચૈતન્યમાં ધારવી તેમાં વ્યાવહારિક વિક્ષેપ આવે તો મૂર્તિ ધારવી પડી મૂકવી નહિ, એ યોગકળાએ કરીને અમારી મૂર્તિ ધારવાનો ઉપાય છે. (2) બાબતો છે.
પ્ર.૧ બીજા પ્રશ્નમાં જ્ઞાન ઇંદ્રિયોએ કરીને મૂર્તિ ધારવાની કહી તે જ્ઞાન ઇંદ્રીયે કરીને શ્રીજીમહારાજને કેવી રીતે ધારવા?
ઉ.૧ શ્રીજીમહારાજ ગાતા ગાતા આવે છે એમ કાને કરીને ધારવા ને કાન દ્વારે મૂર્તિને હૃદયમાં ઉતારવી, અને શ્રીજીમહારાજને મળું છું એમ ત્વચાએ કરીને ધારવા, અને ત્વચા દ્વારે પ્રેમે કરીને હૃદયને વિષે ઉતારવા, અને શ્રીજીમહારાજ છેટેથી મહા તેજોમય મૂર્તિ ચાલ્યા આવે છે. એમ નેત્ર દ્વારાએ ધારવા અને નેત્ર દ્વારાએ કરીને હૃદયમાં ઉતારવા અને શ્રીજીમહારાજ ભારે ભારે ભોજન જમે છે ને મને પ્રસાદી આપે છે તે હું જમું છું એમ ધારવા, ને એમ ધારતાં ધારતાં જિહ્વા દ્વારે હૃદયમાં ઉતારવા, અને શ્રીજીમહારાજ ભારે વસ્ત્ર-ઘરેણાં તથા પુષ્પના હાર તથા અત્તર-ચંદન તેણે ગરકાવ થકા આવે છે તેનો સુગંધ આવે છે, એમ ઘ્રાણ ઇંદ્રિયે ધારવા અને તે ઘ્રાણ ઇંદ્રિય દ્વારે હૃદયમાં ઉતારવા અને ચિત્તમાં ચિંતવન કરવું, મનમાં મનન કરવું, બુદ્ધિમાં નિશ્ચય કરવો, અને હું એમનો છું ને એ મારા છે એવું અહંકારે કરીને અહંપણું લાવવું, એમ સર્વે ઇંદ્રિયો દ્વારે શ્રીજીમહારાજને પોતાના હૃદયમાં ઉતારવા.
પ્ર.૨ મૂર્તિને ધારવાપણે કરીને વ્યાવહારિક વિક્ષેપનું સમાધાન કરવું એમ કહ્યું તે મૂર્તિને ધારવાપણે સમાધાન કેવી રીતે કરવું?
ઉ.૨ જ્યારે વ્યાવહારિક વિક્ષેપ આવે ત્યારે એમ વિચારવું જે આપણે તો મૂર્તિ જ ધારવી ને વ્યવહાર તો જેમ થવાનો હશે તેમ થશે એમ વિક્ષેપનું સમાધાન કરવું પણ વિક્ષેપ ભેળું ભળવું નહિ ને મૂર્તિ મૂકવી નહિ એ સમાધાન જાણવું.