[raw]
ગઢડા મધ્ય : ૫૪
સંવત 1880ના જેષ્ઠ સુદિ 7 સપ્તમીને દિવસ ત્રીજા પોરને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી, પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી, ને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, ને પાઘને વિષે તોરો વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 54 || (187)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તથા સ્ત્રીપુત્રાદિકને વિષે પોતાપણાની બુદ્ધિ છે અને દેવની જે મૂર્તિઓ તેને વિષે જેવી પૂજ્યબુદ્ધિ છે, કહેતાં દેવને ચંદન-પુષ્પ, ધૂપદીપ, આરતી-થાળ અનેક પ્રકારની પૂજા-સેવા કરવામાં કોઈ પ્રકારે સંશય થતો નથી તેવી જ ‘અભિજ્ઞજન’ કહેતાં ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારવાળા સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ તથા પોતાપણાની બુદ્ધિ તથા દેવતાબુદ્ધિ હોય; અને તીર્થના જળને વિષે જેમ પવિત્ર કરવાપણાની બુદ્ધિ છે તેવી જ સત્પુરુષના પ્રસાદી જળને વિષે પવિત્ર કરવાપણાની બુદ્ધિ છે તેણે સર્વ સાધનથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે અને એવી રીતે સત્પુરુષને વિષે બુદ્ધિ નથી તે ‘ગો’ કહેતાં બળદ અને ‘ખર’ કહેતાં ગર્દભ તુલ્ય છે. (1) બાબત છે.
પ્ર.૧ સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ અને પોતાપણાની બુદ્ધિ અને પૂજ્યબુદ્ધિ અને તીર્થબુદ્ધિ કરવાનું કહ્યું તે કેવી રીતે કરવાં?
ઉ.૧ વાત, પિત્ત ને કફે યુક્ત એવા દેહને ખાનપાનાદિક હરકોઈ પ્રકારે કરીને જેમ સુખ ઊપજે તેમ કરે છે તેવી રીતે સત્પુરુષને સુખ ઊપજે એવી શુશ્રૂષા કરે,ને તેમને દુ:ખે દુ:ખી ને તેમને સુખે સુખી થાય તે સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ કહેવાય. અને સ્ત્રીપુત્રને અન્નવસ્ત્ર, ઘરેણાં, ખાનપાન, વૈભવ આદિકે કરીને સુખી રાખે છે ને તેમને અર્થે દેશપરદેશ જઈને, દુ:ખને ન ગણીને તેમને અર્થે પૈસા પેદા કરી લાવે છે ને તેમના ઉપયોગમાં વાપરે છે તેમ જ સત્પુરુષને અર્થે વાપરે તે સત્પુરુષને વિષે પોતાપણું કહેવાય. અને જેમ ધાતુ, કાષ્ઠ, પાષાણાદિકની મૂર્તિઓને થાળ જમાડવા, પોઢાડવા, જગાડવા, ધૂપદીપ, આરતી, દંડવત્, પ્રદક્ષિણા થાય છે એવી પૂજ્યબુદ્ધિ ને દેવતાબુદ્ધિ છે તેવી પૂજ્યબુદ્ધિ ને દેવતાબુદ્ધિ સત્પુરુષને વિષે થાય. અને તીર્થ જે ગંગા, યમુના, સાભ્રમતિ, ઉન્મત્તગંગા આદિકના જળને વિષે નહાવે તથા પીવે કરીને પવિત્ર થવાપણાની બુદ્ધિ છે તેવી જ સત્પુરુષના ચરણોદકનું પાન કરવે કરીને પવિત્ર થવાય તેવી બુદ્ધિ થાય તેણે સર્વ સાધનથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે અને એમ ન થાય તો તે બળદ ને ગધેડા જેવો છે. || 187 ||
|| ——-x——- ||
[/raw]