સંવત 1879ના ભાદરવા સુદિ 11 એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 26 || (159)
રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને ભજતાં અંતરાય કરે એવા સંબંધીનો તથા અમને તથા અમારા ભક્તને ન ગમે એવા સ્વભાવનો ત્યાગ કરવો. (1) અને પોતામાં ગુણ જુએ ને બીજામાં અવગુણ પરઠે તે સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. (2) અને અમારી ભક્તિમાં આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ તે અંતરાય કરે તો તેને પાછા પાડીને અમારી ભક્તિ મુખ્ય રાખે તે અમારો પૂરો ભક્ત છે. (3) અને અમારા ભક્તે સર્વે સત્સંગીના ગુણ લેવા અને પોતાનો અવગુણ લેવો તો સત્સંગ વૃદ્ધિ પામે અને અવગુણ લે તે વિમુખ થાય. (4) અને શિખામણની વાત સવળી લે તેના ઉપર અમારે હેત થાય છે અને અવળું લે તેના ઉપર નથી થતું. (5) બાબતો છે.
પ્ર.૧ ત્રીજી બાબતમાં ભક્તિમાં આત્મજ્ઞાન, વૈરાગ્ય, ને ધર્મ અંતરાય કરનારા કહ્યા તે કેવી રીતે અંતરાય કરતા હશે?
ઉ.૧ ભગવાનની તથા ભક્તની સેવારૂપી પ્રવૃત્તિ ન ગમે તથા ભગવાનને ભૂખ, તરસ, ટાઢ, તડકો નથી માટે જમાડવા, પોઢાડવા, પંખો નાખવો એની કાંઈ જરૂર નથી. એવી રીતે આત્મજ્ઞાન ભક્તિમાં અંતરાય કરનારું છે અને વૈરાગ્યવાનને દેહનો અનાદર હોય તેથી ભગવાનને થાળ કરીને જમાડવા તથા માંદાને રુચિ પ્રમાણે જમવાનું કરી આપવું તેમાં રુચિ ન રહે, એવી રીતે વૈરાગ્ય ભક્તિમાં અંતરાય કરે અને ધર્મવાળાથી ભગવાનને અર્થે તુલસી-પુષ્પ-શાકભાજી લાવવાં તથા બાગ-બગીચા કરાવવા, મંદિરો કરાવવાં તેમાં ધર્મ અંતરાય કરે તેમને પાછા પાડીને શ્રીજીમહારાજની ભક્તિ કરવી.