સંવત 1877ના કાર્તિક વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કીનખાપ તેની ડગલી પહેરી હતી, અને માથે બુરાનપુરી અસમાની રંગનો રેટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો, અને કસુંબી રંગનો રેટો કેડે બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુકડ, સરોદા, સતાર, મંજીરાદિક વાજિંત્ર વજાડીને કીર્તનનું ગાન કરતા હતા.
પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ ત્યારે વડનું બીજ તે તો નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે એ જ કારણમાં મોટાઈ છે, જેમ મૂળપ્રકૃતિનાં કાર્ય એવાં જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે પણ કારણરૂપ જે મૂળપ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે ને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે, એમ જ આકાશ આદિક જે બીજાં ચાર ભૂત તેનો મોટો વિસ્તાર છે ને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે અને જે કારણ હોય તે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે, જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ તે તો અતિ મોટી છે, તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ ઝાઝું છે, અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્યના જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે, તેમ સર્વના કારણ એવા જે શ્રી પુરૂષોત્તમ નારાયણ તે તો ઋષિરૂપે મનુષ્ય જેવડા છે તો પણ અનંતકોટી બ્રહ્માંડના કારણ છે અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે જે, જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે! એ તો મૂર્ખની સમજણ છે અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે તો પણ પોતાના અંગમાંથી યોગકળાએ કરીને અનંતકોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે ને પાછાં પોતાને વિષે લય કરવાને સમર્થ છે જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્યરૂપે મોટા જણાય છે ને વળી કાર્યને પોતામાં લીન કરીને એક પોતે જ રહે છે તેમ ભગવાનના એક એક રોમમાં અનંતકોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યાં છે તે અષ્ટાવરણ ને ચૌદલોક સુધાં રહ્યાં છે, એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે તેને સમજુ હોય તે જાણે જે ભગવાન મનુષ્ય જેવા જણાય છે તો પણ આ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કર્તા છે ને સમર્થ છે એમ કહીને શ્રીજીમહારાજ શયન કરવા પધાર્યા.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 2 || (110)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર ને પ્રીતિવાળો એ ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય નથી રહેતો. (1) બીજામાં જેમ મૂળપ્રકૃતિ સ્ત્રી આકારે છે ને તેનું કાર્ય મોટું છે ને જેમ ચાર ભૂતનો મોટો વિસ્તાર છે ને તેના કારણ ગંધાદિક સૂક્ષ્મ છે અને જેમ સૂર્યાદિકની મૂર્તિઓ મનુષ્યના જેવડી છે ને તેનું કાર્ય જે પ્રકાશાદિક તે અતિ વિસ્તારવાન છે તેમ અમે મનુષ્ય જેવડા દેખાઈ છીએ તો પણ સર્વના કારણ છીએ એવા પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમે મનુષ્યના જેવડા છીએ પણ અનંતકોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવા ને અમારે વિષે લીન કરવા સમર્થ છીએ અને અમારા એક એક રોમમાં એટલે કિરણોમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યાં છે એવું અમારે વિષે અલૌકિકપણું ને મોટાઈપણું છે. (2) બે બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય છે એમ કહ્યું તે આ દેહે મરવાની બીક ટળી જતી હશે કે ફેર જન્મ ધરવાની બીક ટળી જતી હશે?
ઉ.૧ એવા ભક્તને ફેર જન્મ ધરવાનું તો હોય જ નહિ પણ આ દેહે કોઈક પ્લેગ-કોલેરા જેવો રોગ આવે અથવા રાજ્યચક્ર આવે તેમાં મરી જવાની બીક ન રહે એમ કહ્યું છે.
પ્ર.૨ બીજા પ્રશ્નમાં શ્રીજીમહારાજના એક એક રોમમાં અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ રહ્યાં છે એમ કહ્યું તે અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ તો મૂળપુરુષના રોમમાં રહ્યાં છે અને શ્રીજીમહારાજના રોમમાં રહ્યાં છે એમ કેમ કહ્યું હશે?
ઉ.૨ અક્ષરનું તથા બ્રહ્મનું તથા મૂળપુરુષનું એ સર્વેનું આધાર તો શ્રીજીમહારાજનું તેજ છે તે (કા. 8/1માં) કહ્યું છે જે, પૃથ્વી આદિક સર્વ તત્વથી લઈને અક્ષરપર્યંત સર્વેનું આત્મા અમારું તેજ છે માટે મૂળપુરુષના તેજમાં રહ્યાં હોય તે પણ શ્રીજીમહારાજના તેજમાં જ કહેવાય.