સંવત 1877ના ભાદરવા સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને પાઘમાં પીળા પુષ્પનાં છોગાં ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર નાભિ સુધી હિંડળતો વિરાજમાન હતો, અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજીમહારાજ વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,
એવી રીતે શ્રીજીમહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,
(પ્ર.૨) મહાભારતના ઉદ્યોગપર્વને વિષે સનતસુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે, એક તો પ્રમાદ ને બીજો મોહ એ બેયનો ત્યાગ કરે તો તે સર્વે પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે, માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો નહિ રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે? એ પ્રશ્ન છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું માહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે? પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે તો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તો ય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો, જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશે મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહિ ને તેને એમ મનમાં બીક રહે જે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મુને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહિ કરે એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે, એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો, અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તો પણ તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહિ રહે, જેમ મદિરા પીએ તથા ભાંગ્ય પીએ તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે જે, વિમુખને એ બે શત્રુ ટળે નહિ અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય એટલો ભગવાનના ભક્તને વિશેષ છે અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તો ય સારો નહિ.(બા.૨)
પછી શ્રીજીમહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૩) સ્થૂળ શરીર તે કેટલા તત્વનું છે? અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે? અને સ્થૂળ દેહમાં ને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્વ છે કે કાંઈ ઓછાં અધિકાં છે? એ બે શરીરનું રૂપ કરો. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહિ. પછી સર્વે મુનિ બોલ્યા જે, હે મહારાજ! એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પંદર તત્વનું સ્થૂળ દેહ છે પણ તેમાં જ્યારે નવ તત્વનું જે સૂક્ષ્મ દેહ તે વર્તે ત્યારે વિષયનું જ્ઞાન યથાર્થ થાય પણ તે વિના થાય નહિ, માટે સ્થૂળ દેહને વિષે પણ ચોવીશ તત્વ છે તે તત્વ કિયાં તો પંચભૂત, પંચ જ્ઞાન ઇંદ્રિયો, પંચ કર્મ ઇંદ્રિયો એ પંદર તત્વનું સ્થૂળ દેહ છે ને તે સ્થૂળ દેહ ને શ્રોત્ર ઇંદ્રિય હોય ને તેણે કરીને વાત સાંભળતો હોય ને જો મન બીજે ઠેકાણે જાય તો તે વાર્તા સમજાય નહિ એવી રીતે દશે ઇંદ્રિયોને વિષે જો મન વર્તે તો જ તે ઇંદ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરવા સમર્થ થાય અને જો મન ન વર્તતું હોય તો કોઈ ઇંદ્રિયો પોતાના વિષયને ગ્રહણ કરવાને સમર્થ થાય નહિ અને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ તો ભેળાં જ હોય અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ તન્માત્રા પણ એ અંત:કરણ ભેળી જ હોય, એવી રીતે ચાર અંત:કરણ ને પંચ તન્માત્રા એ નવ તત્વનું સૂક્ષ્મ દેહ છે તે સ્થૂળ દેહને વિષે વર્તે છે ત્યારે વિષયનું યથાર્થ જ્ઞાન થાય છે, તેમ જ સૂક્ષ્મ દેહને વિષે પણ પંદર તત્વનું જે સ્થૂળ દેહ તે એકત્વપણે વર્તે છે ત્યારે જ સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે અને સૂક્ષ્મ દેહ નવ તત્વનું છે તેને વિષે પંદર તત્વનું સ્થૂળ દેહ ભળે છે. માટે સૂક્ષ્મ દેહ પણ ચોવીશ તત્વનું છે અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે, માટે સ્થૂળ દેહ ને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિષે ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે.(બા.૩)
પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૪) હે મહારાજ! આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું જ સૂક્ષ્મ દેહ થયું ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમ જ સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કાંઈ ફેર છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સ્થૂળ દેહને વિષે જેવી દૃઢ પોતાપણાની માનીનતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહને વિષે માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કહ્યાં છે તે તો જીવને હિંમત દેવા સારુ છે.(બા.૪)
અને જેને સ્થૂળ દેહને વિષે તથા સૂક્ષ્મ દેહને વિષે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી, કેમ જે એ તો કેવળ આત્મસત્તારૂપે જ વર્તે છે માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહિ અને તે આ દેહે કરીને અશુભ કર્મને તો કરે જ નહિ ને પ્રારબ્ધાનુસારે જે સુખ-દુ:ખ આવે તેને ભોગવે ને ભોગવતો થકો એમ માને જે, હું એનો ભોક્તા નથી; હું તો આત્મા છું.(બા.૫)
અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સ્થૂળ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે અને તે કર્મ પ્રમાણે સુખ-દુ:ખને પણ ભોગવે છે, કેમ જે, જે અજ્ઞાની છે તે જે જે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપે માનીને એમ માને જે, હું એ વિષયનો ભોક્તા છું.(બા.૬)
પછી જ્યારે અંત સમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે, પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે, ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે પછી તે દેહે કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે.(બા.૭)
અને જ્ઞાની એવો ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે ને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે પછી એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતીતનુ આપે છે ને તે દેહે કરીને એ ભગવાનના ધામને વિષે રહે છે.(બા.૮)
ઇતિ વચનામૃતમ્ || 14 || (92)
રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વૈરાગ્ય, આત્મનિષ્ઠા, પ્રેમલક્ષણા ભક્તિ ને બ્રહ્મચર્યાદિક ધર્મ એ ચાર સાધન સિદ્ધ કરે તે અમારા ધામમાંથી કોઈ કાળે પડે નહિ અને અમારી ઇચ્છાથી જીવોનાં કલ્યાણ કરવા સ્વતંત્રપણે આવે ને જાય. (1) બીજામાં પ્રમાદ ને મોહ એ બે શત્રુને અમારો ભક્ત ખટકો રાખીને ટાળે તો જ ટળે. (2) ત્રીજામાં સ્થૂળ-સૂક્ષ્મ એ બે દેહની જાગ્રત ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે. (3) ચોથામાં સ્થૂળ-સૂક્ષ્મ બે દેહનું કર્મ સરખું છે પણ જીવને હિંમત દેવા સારુ સૂક્ષ્મ દેહનું પ્રાયશ્ચિત્ત અલ્પ કહ્યું છે પણ જો અલ્પ પ્રાયશ્ચિત્ત ન કરે તો સ્થૂળ દેહના જેટલું કર્મ લાગે. (4) અને જેને સ્થૂળ તથા સૂક્ષ્મ દેહનું અભિમાન નથી એટલે તેને દેહની વિસ્મૃતિ છે ને કેવળ આત્મસત્તારૂપ એટલે પોતાના આત્માને જ આકારે વૃત્તિ રહેતી હોય ને જગતની કોરે ઉપશમ રહેતું હોય તેને સ્થૂળ-સૂક્ષ્મ દેહનું કર્મ લાગતું નથી. (5) અને દેહાભિમાનીને કર્મ લાગે છે. (6) અને અજ્ઞાની જીવ યમપુરીમાં જાય છે. (7) અને અમારો જ્ઞાની ભક્ત ભાગવતીતનુએ કરીને અમારા ધામમાં રહે છે. (8) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં વૈરાગ્ય, આત્મનિષ્ઠા, અમારી ભક્તિ ને બ્રહ્મચર્યાદિક ધર્મ તેણે કરીને સિદ્ધ થાય તે શ્વેતદ્વીપના મુક્ત સરખો છે એમ કહ્યું તે શ્રીજીમહારાજની ભક્તિ કરીને સિદ્ધ થાય તે તો શ્રીજીમહારાજના અક્ષરધામમાં મુક્ત છે તેવો થાવો જોઈએ ને શ્વેતદ્વીપના મુક્ત જેવો કહ્યો તેનું શું કારણ હશે?
ઉ.૧ શ્વેત એવું તેજ તેનો દ્વીપ કહેતાં સમૂહ એટલે તેજનો સમૂહ જે અક્ષરધામ તેને આ ઠેકાણે શ્વેતદ્વીપ નામે કહ્યું છે.
પ્ર.૨ બીજા પ્રશ્નમાં પ્રમાદ ને મોહ કહ્યા તેનાં રૂપ શાં હશે?
ઉ.૨ ભગવાન ભજવા ને ભગવાનની આજ્ઞા પાળવી ને સંતનો સમાગમ કરવો એ કરવાનું છે તે ન થાય ને ન કરવાનું તે થાય તે પ્રમાદ જાણવો. અને કરવા યોગ્ય ને ન કરવા યોગ્ય તે સૂઝે નહિ ને પંચવિષયને વિષે આસક્તિ હોય એ મોહનું રૂપ છે.
પ્ર.૩ પ્રમાદ ને મોહ તેને ટાળવાનો ઉપાય શો હશે?
ઉ.૩ અતિશે મોટા સંત જે શ્રીજીમહારાજના ધામમાંથી જીવોનાં કલ્યાણ કરવાને અર્થે આવેલા હોય તેમની અતિશે સેવા કરે ને શ્રીજીમહારાજની આજ્ઞામાં યથાર્થ વર્તે તો શ્રીજીમહારાજ તથા મુક્ત દયા કરીને પ્રમાદ ને મોહને ટાળી નાખે.
પ્ર.૪ (4/5 ચોથા પ્રશ્નમાં) આત્મસત્તારૂપે વર્તે તેને સ્થૂળ-સૂક્ષ્મ દેહનું કર્મ લાગતું નથી એમ કહ્યું તે કર્મ કિયું જાણવું?
ઉ.૪ દેહે કરીને વર્તમાન લોપાય એવું અશુભ કર્મ તો કરે જ નહિ પણ એને સ્થૂળ, સૂક્ષ્મ દેહનું અભિમાન એટલે સ્મૃતિ ન હોય, તેથી નાયા-ધોયા વિના તથા પૂજા કર્યા વિના જમી જવાય તથા સ્પર્શ ન કરવા યોગ્ય તેનો સ્પર્શ થઈ જાય એવું જે કર્મ તેનું પ્રાયશ્ચિત્ત ન લાગે અને જેને આત્મનિષ્ઠા હોય પણ જો દેહની સ્મૃતિ રહેતી હોય તેને તો ઉપર કહ્યાં તે કર્મ લાગે, તો પંચ વર્તમાન લોપ્યાનું કર્મ લાગે તેમાં શું કહેવું? એ તો લાગે જ.
પ્ર.૫ (4/8 ચોથા પ્રશ્નમાં) ભક્ત દેહ મૂકે છે ત્યારે તેને ભાગવતીતનુ આપે છે એમ કહ્યું તે ભાગવતીતનુ શું સમજવું?
ઉ.૫ ભક્તને દેહ મૂકવા સમે જ્યારે શ્રીજીમહારાજનું દર્શન થાય છે ત્યારે એનો ચૈતન્ય શ્રીજીમહારાજના જેવો જ મૂર્તિમાન થાય છે તે ભાગવતીતનુ જાણવું.